zoom in zoom out toggle zoom 

< કવિની ચોકી

કવિની ચોકી/6

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મહાત્મા

આ સંવાદ શાથી થયો ? કવિએ પોતાના જીવનકાળ દરમિયાન ગાઢ સંબંધ બાંધ્યા, અનેકના પત્રોના જવાબ આપ્યા –ગાંધીજીની જેમ જ; સાહિત્યિક વિવાદ કર્યા, તેમાં ફસાયા, સંસ્થાઓ ઊભી કરી તેના નિભાવ માટે મથામણ કરી. પણ કવિએ હિંદુસ્તાનના કોઈ પણ રાજકીય નેતા સાથે, કોઈ સાહિત્યસર્જક સાથે, કોઈ સમાજસુધારક સાથે, કોઈ ધર્મગુરુ સાથે રાજકીય કે આધ્યાત્મિક સંવાદ જે પચીસ વર્ષના બહોળા ફલક પર ચાલે, ચાલતો રહે – પ્રત્યક્ષ નહીં તો મધ્યસ્થીઓ મારફત, અથવા પોતાનાં લખાણો દ્વારા – તેવો સંવાદ કર્યો નહીં.

આથી આ સંવાદનું સ્વરૂપ, તેનું મહત્ત્વ કવિ ટાગોર અને ગાંધીજી માટે કંઈક જુદું હતું –કેવળ રાજકીય સંવાદ ન હતો, જોકે આ સંવાદ રાજકીય ફલક ઉપર થાય છે, તેનો આધાર લેવાય છે પણ આ રાજકીય સંવાદ નથી; કેવળ રાજકીય તો નહીં જ.

કવિ માટે ગાંધીજી તેમના શબ્દોમાં કહીએ તો મૂર્તિમંત સત્ય હતા, તેઓ બુદ્ધ અને ઈસુની જેમ સત્યના સંદેશવાહક હતા, પયગંબર હતા. પણ ગાંધીજીનું સત્ય શું હતું કવિ માટે ? તે ચરખો નહીં, દરિદ્રનારાયણ નહીં, સત્યનારાયણ નહીં, આશ્રમનું ત્યાગ જીવન નહીં, આત્મશુદ્ધિ જેવા ગૂઢ આધ્યાત્મિક હેતુ માટે આદરેલા જાહેર ઉપવાસ તો નહીં જ. કવિ માટે આ બધા બાહ્યાચારો છે, તેમને બાહ્યાચારની પાછળ કંઈક દેખાયું. શું તે જોઈ શક્યા ? શાની ખોટ આ ગાંધીજીએ પૂરી કરી ?

કવિ માટે રાજકારણ સત્ય નથી. બંગ-ભંગ અને સ્વદેશી આંદોલનના શરૂઆતના તબક્કાને બાદ કરતાં કવિએ પોતાની જાતને વ્યવહારુ રાજકારણ, શેરી-ચૌટાના રાજકારણથી શક્ય તેટલાં અળગાં રાખ્યાં. તેમની રાજકારણ વિશેની ઊંડી અસમંજસ તેમની 25 વર્ષના ગાળામાં લખાયેલી રાજકીય દૃષ્ટિવાળી ત્રણ નવલકથામાં સ્પષ્ટ જણાય છે. 1909ની ‘ગોરા’, 1916ની ‘ઘરે-બાહિરે’ અને 1934ની ‘ચાર-અધ્યાય’માં કવિ પોતાની રાજકારણ સાથેની અસમંજસ, મથામણ, અશ્રદ્ધા વ્યક્ત કરે છે.

કવિ માટે રાષ્ટ્રરાજ્ય તો ભયાવહ ખ્યાલ છે. પૂર્વના તે પહેલાં દાર્શનિક હતા જેમણે દુનિયાનું ધ્યાન રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપૂજા ધર્મમાં રહેલી હિંસાની શક્યતા સામે દોર્યું. તેમનાં नेशनालिजम વ્યાખ્યાનો આ ચેતવણી છે, પ્રજાસ્મિતા તેમના માટે પૂજ્ય નહીં પણ ભૂતાવળ ઊભી કરનારી વિનાશકારી શક્તિ છે. કવિ માટે રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રપૂજા એ સત્ય નથી રાષ્ટ્ર શાશ્વત તો હોઈ જ ન શકે કારણ કે તે કલ્પના છે, એક વિકસાવેલો રાજકીય-સાંસ્કૃતિક ખ્યાલ માત્ર.

દેશ તે ચેતના નહીં પણ ભૌગોલિક વાસ્તવિકતા છે. દેશને શાશ્વત માને, સત્ય માને તેટલા મુગ્ધ કવિ ન હતા.

કવિ માટે ગાંધીજી ત્યાગી છે એ કારણે સત્યના સંદેશવાહક નથી. તેઓ દુ:ખી થવા ખાતર દુ:ખી થવું, દુ:ખને જ સાધ્ય માનવું તેના વલણની સામે સત્યાગ્રહ આશ્રમવાસીઓને ચેતવનાર કવિ છે. ત્યાગી, સાધુ, સંન્યાસી તો ઘણા થઈ ગયા, ગાંધીજીની તાવણી, તેમની તપસ્યા તો ભારે પણ તેમનાં કરતાં અધિક તપસ્વી વ્યક્તિઓ તેમના જીવનકાળ દરમિયાન પણ હિંદમાં હતી. ત્યાગ સત્યને પામવાનો એક રસ્તો હોઈ શકે; પ્રાર્થનાથી, ઉપવાસથી ઈશ્વરની સમીપ જઈ શકાય, મોક્ષાર્થી ગાંધીજી ઈશ્વરનો અહેસાસ જીવનમાં હર પળ કરતા પણ તેમનો ત્યાગ કવિને આકર્ષતું તત્વ નથી. જોકે કવિ સજાગ છે આ ત્યાગીની સાધનાથી. તે જાણે છે અને દુનિયાને કહે છે કે આ ત્યાગી અન્યને શિખામણ આપતાં પહેલાં પોતાનું સર્વસ્વ ત્યાગીને બેઠો છે. આ તેના ત્યાગની વિશેષતા છે, અનન્યતા છે.

કવિ માટે દેશની આઝાદી માટે જેલ જતા, અંગ્રેજો સામે લડતા, સત્યાગ્રહ કરતા, લોકોને સૂત્રયજ્ઞ રૂપી ચરખો ચલાવવાનું કહેતા ગાંધીજીનું આકર્ષણ નથી. એટલું જ નહીં પણ આ ગાંધીથી તો તેમને અસમંજસ છે. કવિ તો ગાંધીજીને કહે છે કે આઝાદી, રાજકીય આઝાદી – પછી ભલે તેને લોકો સ્વરાજ માને – માયા છે, સત્યનો પ્રકાશ આવશે ને આ માયાનાં, અજ્ઞાનનાં વાદળો આપોઆપ વિખરાઈ જશે. આથી કવિ માટે રાજકીય ગુલામી તે પ્રમુખ સમસ્યા નથી. તેઓ ગુલામીની અમાનવીયતા પ્રત્યે અત્યંત સજાગ હોવા છતાં ગુલામી તેમના માટે ગૌણ છે. આથી કેવળ ગુલામીમાંથી મુક્ત કરવા મથતા લોકો, પક્ષ કે સમુદાય પ્રત્યે તેમને આદર હોવા છતાં તે સત્યની સમીપ લઈ જનારું નથી.

ગાંધીજીનું સત્ય કવિની દૃષ્ટિએ આ બધાંને આવરી લેતું હોવા છતાં, તેનો સરવાળો ન હતું. તે આનાથી વિશાળ હતું અને શાશ્વત હતું. આ શાશ્વત સત્ય બુદ્ધનું હતું તેટલું જ ઈસુનું હતું.

સત્ય તે અંધકારનો, અસતનો, જૂઠાણાંનો વિરોધી શબ્દ નથી. સત્ય એ કશાના વિરોધથી, કશાના નકારથી પોતાનું અસ્તિત્વ કાયમ કરવાનું નથી. સત્ય તે હકાર છે. વળી કવિ કહેશે –અને ગાંધીજી તે સાથે સંમત થશે – કે સત્યને સમજવા માટે, સત્યને હોવા માટે તેનાથી ઇતર જે કાંઈ હોય, તેની જરૂર નથી. જે કોઈ ખ્યાલ, વસ્તુ, વિચાર, આદર્શનું અસ્તિત્વ તેનાથી ઇતર કોઈ વાસ્તવિકતાના કે ખ્યાલના સંદર્ભમાં સમજવું પડે તે શાશ્વત ન કહેવાય. શાશ્વત તે જ જે સ્વયં સિદ્ધ હોય, જેની વ્યાખ્યા તેના જ માળખામાં, તેના જ અર્થછાયાના વિસ્તારમાં થઈ શકે. જે ઇતર પર આધારિત છે, તે આદર્શ હોઈ શકે, પણ તે શાશ્વત ન હોઈ શકે. શાશ્વત જ સ્વયં પોતાની સાહેદી છે.

કવિ ગાંધીજીના આ સત્યને એક શબ્દમાં રજૂ કરે છે : મહાત્મા. ભલે કવિ ગાંધીજીને મહાત્મા કહેનારા પહેલા વ્યક્તિ ન હોય છતાં પણ મહાત્મા શબ્દનો અર્થવિસ્તાર કરનારા અને આ અર્થ ગાંધીજીમાં સાક્ષાત્ છે તે કહેનારા કવિ પહેલા હતા.

કવિ માટે મહાત્મા એટલે જે સૌના આત્મામાં બિરાજે છે તે આત્મા, જે સર્વ આત્માઓને પામવા મથે છે તે આત્મા. આથી તો કવિ ઉપનિષદની યાદ અપાવી કહે છે આપણી પરંપરામાં ઈશ્વરને મહાત્મા કહ્યો છે. કવિએ આશ્રમવાસીઓને કહ્યું કે ‘‘મહાઆત્મા, મુક્ત આત્મા, જે અન્ય સૌ આત્માઓ સાથે ઐક્ય અનુભવી રહ્યો છે. એનો અર્થ એ છે કે એનું જીવન એના ‘સ્વ’માં સીમિત નથી, પણ એનું જીવન ‘આત્મા’માં અસીમને પામે છે. આ પ્રાપ્તિ દ્વારા આત્મા મહા-આત્મા બને છે, કારણ કે એ આત્મા પોતાનામાં અન્ય સૌ આત્માઓને પામે છે.’’ આ મહાત્મા એ જ વિશ્વકર્મા છે, મુક્તાત્મા છે.

આ મહાત્માએ હિંદના આત્માને જાગ્રત કર્યો, તેણે હિંદને પોતાની આત્મશક્તિ અંગે સજાગ કર્યો, આ આત્મશક્તિને પોતાની મુક્તિ-રાજકીય, આધ્યાત્મિક અને સર્જનાત્મક માટે અપનાવતા શીખવ્યું. આથી જ કવિએ ગાંધીજીને તેમના હોવાપણાંનો મહિમા સમજાવતાં કહ્યું; ‘‘હિંદુસ્તાનની ગરીબ અને અપમાનિત માનવતાના હૃદયમાં રાહ જોઈને બેઠેલી દીનદુર્બળની પ્રચંડ શક્તિને, દૂબળા-પાતળા અને ભૌતિક સાધનો વિહોણા મહાત્મા ગાંધીએ હાકલ કરી તે યોગ્ય જ થયું છે. હિંદુસ્તાનની ભાગ્યદેવીએ પોતાના સાથી તરીકે નારાયણને પસંદ કર્યા છે, નારાયણની સેનાને નહીં... આત્મબળને પસંદ કર્યું છે, શરીરબળને નહીં. અને તેણે માનવઇતિહાસને શારીરિક યુદ્ધના નીચલા સ્તરમાંથી ઉઠાવીને ઉચ્ચતર નૈતિક ભૂમિકા પર લાવી મૂકવાનો છે.’’

કવિ વારંવાર આ સત્યને આગળ ધરે છે. ગાંધીજી જ ક્ષુબ્ધ વિશ્વમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જે આત્મબળથી અન્યાય દૂર કરવા ઇચ્છે છે, હિંસાનો સામનો અહિંસાથી કરવા મથે છે, કેવળ વ્યક્તિગત સ્તરે નહીં, સામાજિક સ્તરે આ એવો પ્રયોગ છે જે જગતમાં નવું મુક્તિતંત્ર રચી રહ્યું છે તે વિશે કવિ ગાંધીજી જેટલા જ સજાગ છે. તે એ પણ જાણે છે કે આત્મશક્તિ જ સ્વરાજ છે; જાતને પિછાણવાથી જ જાત પર શાસન કરવાનાં મંડાણ થાય છે. ગાંધીજી વિશ્વને નવાં, અને ઉચ્ચતર નૈતિક ભૂમિકાએ લઈ જઈ રહ્યા છે, અને આ કરવા તેઓ સક્ષમ છે તેનો ઊંડો અહેસાસ કવિને છે.

કવિ માટે દેશ, તે દેશજનતા છે. અને આ દેશજનતાના હૃદયમાં, દેશના મર્મમાં સ્થાન બનાવે તે મહાત્મા. જે આ સ્થાન બનાવે તેનું સત્ય યુગો સુધી કાયમ રહે છે. આ સ્થાન બનાવવાનો એક જ રસ્તો છે કવિ માટે. એ કેવળ ગાંધીજીનો રસ્તો નથી, તે ઈસુનો છે, બુદ્ધનો છે – પ્રેમ અને કરુણા. આથી તો કવિ કહે છે કે મહાત્માનો પરિચય તેના પ્રેમથી થાય છે. કવિ યાદ અપાવે છે દેશજનતાને કે દેશની એકતા અને સામાજિક અખંડતા ખાતર મૃત્યુવ્રત ધરી બેઠેલો માણસ અનન્ય પ્રેમ ધરાવે છે. તેના પ્રેમમાં ભેદભાવ નથી, ઊંચ-નીચનો નહીં, મૂર્ખ-વિદ્વાનનો નહીં, રંક-રાયનો નહીં, તે તો કહે છે સૌનું કલ્યાણ થાઓ, સૌનું મગળ થાઓ. અને આ કલ્યાણ  મંગળ કારણ તે પોતાનું બલિદાન આપે તોપણ તે મહાત્માપણાને છાજતું મૃત્યુ કરી રહ્યો છે. આથી કવિ કહે છે, ‘‘ઈશ્વરના બંદાને મહાત્માનું પદ આપ્યું છે તે સર્વથા યોગ્ય છે, કારણ તેમનો વાસ વ્યક્તિગત ચેતનાના બંધિયાર વાડામાં નહીં પણ હિંદમાં આજે જન્મેલા અને હવે પછી, આવનારી પેઢીઓના હૃદયમાં છે.’’

આ મહાત્માએ કેવી રીતે પોતાનો પ્રેમ આપ્યો, કઈ રીતે આત્મશક્તિ જગાડી ? લંગોટ પહેરીને નહીં, ચરખો કાંતીને નહીં, ઉપવાસ કરીને નહીં, પહેલાં પોતે ત્યાગ કરીને અન્યને ત્યાગ કરતાં શીખવીને નહીં. પણ સૌથી મોટો પ્રેમ તે અન્યને ભયમુક્ત કરાવાં. અભય. આ જ કવિ માટે ગાંધીજીનો સ્પર્શ છે. આત્મશક્તિને જગાડનારો. જે અભય હોય તે જ મુક્ત થઈ શકે, ભયમુક્ત જ સર્જક હોઈ શકે, – પોતાની અને અન્યની મુક્તિનો સર્જક –, ભયમુક્ત જ પોતાને મળતાં પ્રેમનો સ્વીકાર કરી શકે, તેના પ્રતિસાદે પ્રેમ વરસાવી શકે. કવિ માટે તો મુક્તિ એ જ અભય છે. અભય માણસની સર્જનશક્તિને સજાગ કરે છે. ભય અને સર્જન એકમેકના વિરોધી છે. ભય સર્જનનો નાશ કરે છે. અને સર્જન અભય સૂચવે છે.

કવિ માટે ગાંધીજીનું સૌથી મોટું પ્રદાન અભય છે, અભયાત્મા જ આત્મશક્તિનો પરચો આપે, વિશ્વને જુદી નૈતિક ભૂમિકાએ લઈ જાય.

આથી કવિ ગાંધીજીની ચોકી કરે છે. ગાંધીજીએ તેમને મહાન ચોકીદાર કહ્યા તે આ કારણ સર. ગાંધીજી પોતાના કર્તવ્યમાંથી જરા પણ ચલિત થતાં જણાય તો તેમને સજાગ કરવા કવિનો ધર્મ હતો. આ બે મુમુક્ષોનો સંવાદ છે, સત્યપથના બે યાત્રીનો સંવાદ છે, આથી આ ધર્મવિષયક સંવાદ છે. તે ધાર્મિક-સાંપ્રદાયિકતાના અર્થમાં નથી, પણ ફરજપાલનના અર્થમાં છે, જે સત્ય, જે નીતિપરાયણતા તમામ ધર્મોના પાયામાં છે તે વિશેનો સંવાદ છે. આજ કવિની ચોકી છે.

* * *