કાવ્યમંગલા/કવિનો પ્રશ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિનો પ્રશ્ન
(શિખરિણી)

પ્રભો ! તેં બક્ષેલી વિમલ વહેશે કાવ્યઝરણી
હવે તો ધીમી કે ત્વરિત, ભમતી વિશ્વભવને,
ઉંડાણો ખોળંતી નિજપરતણાં અંતરવને ,
જગે કલેશાપન્ને સરલ અદની હર્ષભરણી.

પ્રભો ! મર્યાદાઓ પણ તટ તણી આ ઝરણને,
ન વાણી અર્થોના તટ પરહરી એ વહી શકે,
તટે બેઠા જે કૈં જન જળતણો સ્વાદ પરખે,
રસે ડૂબ્યા પોતે મનથી વિસરે સૃષ્ટિરણને.

ભલે આ પાણીને તટ વિરમિયાં શ્હેર ગરવાં,
કંઈ લોકો યાત્રા પરવ, કંઈ કે ઘાટ રચતા, ૧૦
પિયે, ન્હાયે, મારે ડુબકી, જળના ખેલ મચતા,
ભલે માને સિદ્ધિ જન અહિં જ જો થાય મરવાં.

અરે ! શું એથી આ સરિત હરખાશે રજ સમી?
ધરા વીંટી ખારો જલધિ પડિયો ચણ્ડ ત્રમણો,
નકામો, ને પૃથ્વીપટ પર કંઈ યોજન રણો
પડ્યાં, સૂકા દેશો, તરસ જગની રુદ્ર વસમી.

અરે, આ લીટા શી સરિત જગના યોજનતણા
પટે ક્યાંથી વ્યાપે? સકળ જનના શુષ્ક અધરે
ન રે ટીપું ટીપું પણ જઈ શકે, એ દુઃખ ખરે;
થયું શું જો થોડા જન ન દરશાવે રજ મણા? ૨૦

નદી નાની પાણી લઈ વહતી આ મ્લાન જગમાં,
જહીં પાણીથી યે પણ વધુ કંઈ ચીજ જીવવા
જરૂરી : ભૂખ્યાં કૈં ઉદર ભરવાં, અંગ અડવાં,
નવસ્ત્રાં, નોંધારાં; બળ ન ઉભવા કાજ પગમાં.

ક્યમે એવા વિશ્વે સરિત જળને સાર્થક કરે?
મુખે શું ભૂખ્યાંને જળ બસ સિંચ્યે ટાઢક વળે?
નવસ્ત્રાં અંગોને જળથી ક્યમ રે હૂંફ જ મળે?
દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે?

શું આ જ્યાંથી વહેતી સરિત ઉરનો અદ્રિ અદનો
થતા ભૂકંપોમાં પણ જડ સમો યે નવ હલે? ૩૦
યુગોનાં જૂનાં જ્યાં પડળ પણ પૃથ્વી ય બદલે,
તદા શાને ઈચ્છું અડગ ગઢ આ આત્મમદનો?

જહીં આ ક્રાન્તિમાં જગત પલટાતું, જુગજુના
સમુદ્ર ડૂબે જ્યાં ગિરિ સમ ઉંચા, ને જલધિને
તળે બેઠાં પ્રાણી સ્થળચર બને, ને અવધિને
તજી ચાહે મુક્તિ સકળ જનના પ્રાણ અધુના.

અહા, વ્યુત્ક્રાન્તિમાં ગિરિ ન ગબડી કાં મુજ પડે?
સપાટે મેદાને ક્યમ હું ય ન સૂઉં સહુ સમો?
ડૂબી કિંવા ઊંડે જલધિતળિયે જે કમકમો
રહ્યાં ખૈ તેને કાં દઉં નિકળવા ના જગતટે? ૪૦

અને મારાં ગાઢાં વન વન કપાવી સહુતણી
ધખાવું ધૂણી ને ગરમ કરું સૃષ્ટિ, ઝળકતા
પ્રકાશે ઉજાળું પથ તિમિરના, રાખ બનતાં
થઈ ક્ષેત્રોમાં ખાતર, કૃષિ ઉગાડું હું બમણી.

અને ભૂખ્યાં પેટે કણ થઈ પડી શાન્તિ અરપું,
ભરું ગાલે લાલી, અબળ તનમાં પ્રાણ પ્રસરું.
નવો જન્મ્યો સર્વે ઉરમહિં, સુણું ગાન અધુરું
રહેલું મારી જે સરિત કવિતા કેરું ગરવું.

વિલાતાં હૈયાનો ગિરિવર હશે જેહ વિરમી,
શમાઈ અબ્ધિમાં, જળધર થઈ વૃષ્ટિ શતધા ૫૦
ઝરંતી, તેના જે મરમર સ્વરોમાંથી સુખદા
ફરી એ ગુંજે જે કવન મધુરું, જંતર રમી

રહે હસ્તે હસ્તે, કરણ કરણે નાદ ઉભરે,
સ્વયં હું શ્રોતા ને કવન કરનારો હું ય બનું,
મહા આત્મૌપમ્યે તન જગતને અર્પું અદનું,
પ્રભો ! એ સદ્‌ભાવી અરથ તલસું કેમ ન ખરે?

(૨૧ જાન્યુઆરી, ૧૯૩૨)