કાવ્યમંગલા/ભાંગેલી ઘડિયાળને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભાંગેલી ઘડિયાળને
(શિખરિણી)

હવે કાને મારે મધુર રણકારો નવ પડે,
હવે કાંટા તારા ચકચકિત આંખે નવ ચડે,
હવે ધારી ધારી મુખ નિરખવાનું નવ રહ્યું,
વિના તારા મારા સદનથકી કૈં કૈં ગુમ થયું.

પ્રિયે પ્હેલી ! મારી મનુજયુવતી મેં ઘર ધરી,
પહેલાં તેથી યે તવ તનુલતા મેં કર ધરી,
અદેખી ભામાએ અવળમતિએ વેર જ લઈ,
હણી આજે તારી મૃદુલ તનુને નિર્દય થઈ.

પ્રિયે ! આજે મારો કર વિધુર, સૂનો તવ વિના,
થઈ આંખો વ્હીલી નવ નિરખતાં તારી પ્રતિમા, ૧૦
હવે વારે વારે શ્રવણ ધરું કોને, પ્રિયતમે?
હવે માંડું ક્યાં હું નયન મુજ જોવા પ્રિય, તને?

સૂના ખંડે આજે તવ સ્મરણથી હું બળી રહું,
પ્રિયે, જૂનો તાજો ટિકરવ સુણી હું છળી પડું,
હવે વર્ષો કેરો મધુરતમ સંબંધ સમરી,
ધરી કાવ્યે તેને કંઈક સ્મૃતિ યોજું હું પ્રજળી.

ધરી જ્યાંથી હાથે નવલ ઝળતી તેજ પ્રતિમા,
તજી મેં ના કો દી, દિન દિન વધી સ્નેહસરિતા,
થઈ, અંગી મારી, હૃદય ધબકારે ધબકતી,
સુતેલાં જાગેલાં મુજ નયન આગે ઝબકતી. ૨૦

તને દેખી જેવી તૃષિત નયને, તેવી ન વધૂ
તને ધારી હસ્તે મૃદુલ મનડે, તેવી ન વધૂ,
તને સેવી રાત્રે દિવસભર, તેવી નહિ વધૂ
તને જેવી ચાહી, નહિ જ મુજ ચાહી કદી વધૂ.

સભામાં, વર્ગોમાં, રમત મહીં, અભ્યાસ સમયે,
પ્રવાસે કે ઘેરે તુજ ન તજી મેં ભેટ કહીં યે,
પ્રિયાને તો વર્ષે દિવસ મહિને એક ક્ષણ બે,
હતો હું દેખંતો, કર ધરત કે સંગ ફરતો.

અને અંતે નિષ્ઠા મુજ તુજ વિષે ના સહન થૈ,
ખરે, તે દુષ્ટાથી કલહ સળગાવ્યો કુટિલ થૈ, ૩૦
ઝુંટાવી હાથેથી, પટકી તુજને ભીંત ઉપરે,
હણી તારી શોક્યે, ચિરરુદનગાથા તવ, ખરે.

ભલે ડાહ્યા કહેતા, ‘મુરખ રડ શાને જડ પરે?’
અરે, આ ચૈતન્યે સભર જગમાં શું જડ હશે?
જડોથી ચૈતન્યો પરિભવ ગ્રહે તે જગ વિષે
ઉપેક્ષું કાં, માની જડ, ધબકતા તું જિગરને?

અને જો તું છે રે જડ, જડ અમે યે ક્યમ નહીં?
અમારા હસ્તોના બલથી ગતિ ચક્રે તવ ગ્રહી,
અમારા હસ્તોએ અવર કર કોથી ગતિ ગ્રહી,
અને બંને જીવ્યાં, ઉભય હૃદયો એમ ધબક્યાં. ૪૦

વહેલાં મોડાં સૌ દિલ અટકશે, કિન્તુ ધબકી
સદા સાથે પેલા સમયપ્રભુના વિશ્વઉર શું
જિવી જાણ્યું તેં તો સફળ; પણ આ ચેતન અમે
કહેતા પોતાને કવણ ધબક્યા કાલ-ઉર શું?

(૯ ડિસેમ્બર, ૧૯૩૧)