કાવ્યમંગલા/માનવી માનવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માનવી માનવ
[મિશ્રોપજાતિ]

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.

અનન્ત વિશ્વે લઘુ બિન્દુ પૃથ્વી
પરે હું ચૈતન્ય તણો જ બિન્દુ,
ચૈતન્યશાળી થઈ ચેતનાનો
પ્રવાહ સીંચું જડમાં ઘણું તો.

આ દેહ પે પાંખ ઉગાડવી ના,
આ ખોબલે સૃષ્ટિ ઉછાળવી ના,
અમાનુષી શક્તિ જ જાચવી ના.

દિક્‌કાળનાં સર્વ પેટાળ ભેદી, ૧૦
નેપથ્ય સૌ સ્થૂલતણા જ છેદી,
સૂર્યોતણી જોઈ નિહારિકાઓ
આ આંખ પે પાંપણ બીડવાની,

ઊડી ઊડી આભતણાં ઊંડાણે,
સમુદ્રનાં ગહ્‌વરના પટાળે,
ભમીભમીને પગ ઠારવા તો
ને શ્વાસ લેવા અહીં આવવાનું.

કીકી ક્યહાં આ, ઉડુમંડળો ક્યાં?
ક્યાં પાય આ, ક્યાં જ દિગન્તરાળો?
આ દેહડીની રજ શી ભુજામાં
આ ઊંડળે આભ સમાય શાનું?

આ પંચતત્ત્વે ઘટ જે ઘડાયો,
જે માનવી અંગ મને મળેલાં,
સાર્થક્ય તે અંગ થકી જ સાધું
આ જિન્દગીનું, અહિંયાં ધરા પે
ચાલી પગોથી જ ઉકેલું ભેદો.
વસુન્ધરાને ઉર શીર્ષ ઢાળું,
અંગાંગ એનું સઘળું નિહાળું,
આ વિશ્વનો અંશ જ જો ધરા તો
કને તજી દૂર જ કેમ ઘૂમું? ૩૦
ધરાતણો અંશ જ પિણ્ડ આ તો
બ્રહ્માણ્ડ આ પિણ્ડ વિષે જ ખોળું.

છે વિશ્વ મારા હૃદયે સમાયું,
શ્વાસે ભર્યો મેં જગપ્રાણવાયુ,
આંખે ભર્યા સૂર્યતણા પ્રકાશો,
દેહે બધા દેવતણો જ વાસો;
પરમાણુમાં સર્વવ્યાપી સમાયો,
આ બુદ્‌બુદે ચેતનઅબ્ધિ ધાર્યો,
આ વૈખરીથી જ ચગમ્ય ગાયો,
આ સ્થૂલમાં સુક્ષ્મતમે વિલાસ્યો. ૪૦
રે, સૂક્ષ્મથી સ્થૂલ પ્રકાશ પામ્યું,
નિશ્ચેષ્ટથી ચેષ્ટિત સર્વ જામ્યું,
રે, સ્થૂલ ને ચેષ્ટિતને ઉપાસી
અતીત તે સૂક્ષ્મ મથું હું જોવા.

મારા પદે આ પડી મૃત્તિકા જે
તે ખોબલે લૈ મસળું, નિહાળું,
કણે કણે ત્યાં સ્ફુરતી શું વાણી :
આકાશ, વાયુ જળ, તેજ, પૃથ્વી-
એ પાંચની પંચવટી સમાણી
આ ખોબલામાં, કણ આ સમાથી ૫૦
હિમાલયો કૈં પ્રગટ્યા ઉંચેરા,
ખંડો રચાયા પણ આ કણોથી ,
સમુદ્ર પૂર્યા પણ એહ પાત્રમાં,
ને જીવસૃષ્ટિ સ્ફુરતી અહીંથી;
આ મૃત્તિકાના કણમાં દટાઈ
તૃણાંકુરો પુષ્પની વલ્લરીઓ,
અનેક ધાન્યો, ફળ પુષ્ટ કૈં કૈં
ઊગે, ફૂટે, પાંગરતાં, ફળંતાં,
એ સર્વથી આ નિજ દેહ પોષતી, ૬૦
કીટાદિથી માનવની સુધીની
આ જીવસૃષ્ટિ સ્ફુરતી નિહાળું.

આ ખોબલામાં કણ માટીના, ને
સૌ ન્યાળતી આંખતણા જ તારા,
એ બે ય રે એક જ શું ખરે રે?
ને માહરી ચિત્તકણી સ્ફુરે રે :

ફૂંકે ઉડંતા કણ આ જ ક્યાં ને
ક્યાં ભેદતી આંખ દિગન્તરાળો?
નિશ્ચેષ્ટ માટીકણ આ પડેલા,
સચેષ્ટ મારા કણ આ બનેલા;
નિશ્ચેષ્ટને વાયુ જગે વિખેરે,
સચેષ્ટ મારા કણ હું વિખેરું;
નિશ્ચેષ્ટથી ચેતનધાન્ય ઊગે,
સચેષ્ટથી હું ય કંઈ ઉગાડું.
જે જે કણોથી ઘટ આ ઘડાયો ,
પાછા દઉં તે શતશઃ સમૃદ્ધ.
નિશ્ચેષ્ટ ને ચેષ્ટિત જે કણો તે
આ ભૂમિ મારી, મુજ ભાંડુઓ જે
તે કાજ આ સૌ કણ દૌં વિખેરી,
વીંટા દઉં સૌ ઋણના ઉભેરી. ૮૦

આ ચેતનાના કણ કાજ આંહીં
પ્રકાશવાની ઘણી કાલિમાં છે,
હજી ઘણાં ભૂતલ ખેડવાનાં,
હજી ઘણાં જંગલ વીંધવાનાં,
હજી ઘણા અદ્રિ ઉલંઘવાના,
હજી ઘણા સાગર માપવાના;
ભૂગર્ભ છે કૈં હજી ભેદવાના,
હજી ઘણાં છે રણ સીંચવાનાં,
હજી ઘણી રાત્રિ ઉજાળવાની,
દિનો ઘણા છે હજી ઠારવાના; ૯૦
રે, ધુમ્મસો કૈં છ ઉડાડવાનાં,
રે, આતશો કૈં છ જલાવવાના,
હિમાદ્રિઓ કૈંક પિગાળવાના,
જ્વાલા મુખી કૈંક શમાવવાના.

વિકાસની દિક્ નિત મોકળી હ્યાં,
હ્યાં સત્ત્વ ઉચ્ચોચ્ચ ખિલાવવાના,
નિઃસીમ છે કાર્યપટો બિછાવ્યા.

આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી,
મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી,
હૈયે ઉઠંતા સહુ ભાવકેરી ૧૦૦
આ માનવી ભૂમિ જ કામધેનુ,
ભૂગર્ભરત્ના વસુધા જનેતા
તજી કદી ક્યાં જ જવા હું ઈચ્છું?

આ ચેતનાનો કણ જાળવી હું,
અમાનુષી દાનવતાપ્રવાતે
બુઝાઈ જાતો હું લઈ બચાવી,
એ ચેતનાને અધિકાધિકી હું
પ્રજ્વાળવા ઈચ્છું અહીં અહીં જ,
આ ભૂમિમાં, માનવદેહમાંહે
પુનઃ પુનઃ પ્રાર્થું હું જન્મ મારો. ૧૧૦

ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો
હું માનવી ચિત્ત ચણગાર ઝાઝો
જ્વલંત થાતો દિન એક પૂર્ણ
નિર્ધૂમજ્યોતિ થઉં શુદ્ધ આત્મા.

આ અલ્પ દેહે પ્રભુની પ્રતિષ્ઠા,
સ્થપાયલી શાશ્વત સત્યનિષ્ઠા,
સત્કાર્યદીક્ષા હૃદયે દૃઢીને,
અનંતનો દીપકવાહી હું આ-
મનુષ્ય જન્મ્યો, મનુ-જન્મકેરું ૧૨૦
રહસ્ય હું પૂર્ણનું પૂર્ણ પામું :
આ ભૂમિમાં પાય છતાં અનંતે
અડધું યથા વામન કેરું શીશ,
હું એક દી એમ ત્રિલોક માપતો,
વસુંધરાને વસુ આપી વિશ્વનાં,
વસુંધરાનું વસુ થાઉં સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું. ૧૨૭

(૮ ઑગસ્ટ, ૧૯૩૨)
(૩૦ જુલાઈ, ૧૯૫૩)