કાવ્યાસ્વાદ/૧૪
ઝેકોસ્લોવાલિયાનો એક કવિ કહે છે : દુનિયાના સૌથી મોટા હત્યારાએ એક દિવસ મને બોલાવીને આ કામ સોંપ્યું છે, જેમનાં માથાં કપાઈ ગયાં હોય તેમને શોધીને ફરીથી ચોંટાડવાનાં! કોઈનો હાથ, કોઈનું કાંડું, કોઈના વાળ – એ બધું શોધીને હજી હું મૃત શરીરને ચોંટાડી દઉં છું. પણ આ કાદવ હેરાન કરે છે. એમાં મારાં કેટલી જોડ પગરખાં ઘસાઈ ગયાં, મને મારા કામ બદલ ચાંદ મળ્યા છે અને મેં તે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર્યા પણ છે, અને એમ કરવું વાજબી પણ હતું, કારણ કે ઇતિહાસનો કોઈ પ્રખ્યાત માણસ માથા વગરનો રહે, નખ વગરનો રહે, એની પાંસળી કોઈક ચૂલામાં ધુમાયા કરે તે બેપરવા બનીને જોઈ રહીએ એવી વાત નથી. એ ભારે મહત્ત્વની વાત છે. મરેલાઓની માવજત કરવી એ ભારે ગમ્ભીર વસ્તુ છે – જીવતાંની માવજત કરવાનું તો મુકાબલે ઘણું આસાન, પણ આગળ કહ્યું તેમ હવે હું નબળો પડતો જાઉં છું. મારું પોતાનું માથું ગટરમાં ગબડી પડે છે, તે હું માંડ માંડ ઉપાડી શકું છું. સ્વપ્નો છે તો અસ્વપ્નો પણ છે, પણ જાગતાં કે ઊંઘતાં હું સ્વપ્નોને ઝંખું છું. મારાં અ-સ્વપ્નોમાં હું બધી વસ્તુઓને જોઉં છું, જે મને બીવડાવે છે, મને ગમગીન બનાવે છે. કાદવમાં કેડ સમાણો દટાઈને હું આ બધું જોયા કરું છું. એ ખેતરમાં મડદાનું ઘાસ ઊગે છે. કોબીના જેવાં માથાં ઊગે છે, જે કણસે છે, દર્દના સિસકારા બોલાવે છે, કારણ કે એ માથાં અડધાં સડી ગયેલાં, એને ચળક્યા કરતી ફૂગ વળી છે, જે ભરબપોરે એનું ભૂખરું પડી જવા આવેલું મરણનું માથું ઊંચકે છે. અને ઓગળી ગયેલા લોહીકણના લયથી ભયાવહ રીતે ઝૂલે છે. હું તો ધરતી નીચે છું. વિષાદભરી ભીની માટીનાં જાણે પડ બાઝી જતાં લાગે છે. એ પણ ઝોલાં ખાય છે. આખરે એમાં બુદ્બુદો થાય છે, અને એનાથી મારો શ્વાસ રૂંધાય છે. ક્યાંય એક પણ તૃણ દેખાતું નથી જે… હું સ્વર્ગમાં છું અને સળેકડાં જેવાં વૃક્ષ અહીંથી ઊગીને નીચે એની શાખાપ્રશાખા વિસ્તારે છે અને એના મૂળથી પસવારે છે. એ મૂળમાં સાપના જેવી નમ્રતા છે. એથી હું પાગલ બનીને કણસવા લાગું છું. મેં તો કોઈને હણ્યા નથી. મેં તો માત્ર મડદાંને પાંજરામાંથી ઊંચક્યાં છે અને એમને ચક્ર નીચેથી બહાર કાઢ્યાં છે. ગિલોટિનથી વધેરાઈને નીચે પડેલાં મસ્તકને મેં હળવે રહીને કેશ ઝાલીને ઊંચક્યાં છે, ને તે ય મસોતા વડે (અલબત્ત, એ મસોતું હમેશાં મેં ચોક્ખું નથી રાખ્યું), હું એના વડે ગરદનને સાફ કરું છું. એક વાર તો એક વિજ્ઞાનીના ચશ્મા સાફ કરવાને મેં સંુવાળું ચામડું પણ વાપર્યું હતું, અને ફરી ચશ્મા પહેરાવ્યા પછી જ એનું માથું ધડ સાથે ફરી સીવી લીધું હતું. વધસ્તંભ આગળની ગુલાબની ક્યારીઓને મેં દરરોજ મારે હાથે પાણી નથી પાયું? મેં ત્યાંથી કચરું નીંદી કાઢીને, કલમો કરીને એ સ્થળને સોહામણું બનાવવાનો પ્રયત્ન નથી કર્યો? એ સ્થળે લોકો અલ્વિદા કહેતા. મેં કદી હત્યા કરી નથી, કોઈક વાર ફાંસાથી લગભગ ટૂંપી નાખેલાને પૂરો કરવા પૂરતો જ કુહાડીનો ઘા કર્યો હશે. પણ એ તો ફરજ બજાવવા પૂરતું જ, જેથી હું છેદાયેલા મસ્તકને ફરીથી પાછું જલદીથી સીવી લઈ શકું. છતાં એ બધા શા અધિકારે મને સ્વપ્નમાં પજવ્યા કરે છે? આ બધાં મસ્તક પાંખ પસારીને શા માટે મારા પર ત્રાટકે છે?’ આ કાવ્યમાં વેદના, પશ્ચાત્તાપ જે રીતે નિરૂપાયાં છે, તે યુદ્ધ સામે જેટલું કહે છે તેટલું કોઈ શાણા રાજપુરુષનું વ્યાખ્યાન કહી શકશે?