કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૮. શોધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૮. શોધ


પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજ઼-બ-તાજ઼ શબ્દો.

ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે?

કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા?

જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
ક્યારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
ક્યારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂંગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.

ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયાં કર્યો છે મેં વારંવાર એને.
          એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
          વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા?

પ્રભુએ મને પકડ્યો'તો એક વાર.
સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રંગતો'તો,
ત્યાં હુંયે મારી આંખ વડે ચડાવતો ઓપ હતો.
બીજી વાર, ગાડીમાં હું જતો હતો, એકલો જ
અડધિયા ડબ્બામાં, ત્યાં નમતા પહોરના
નવું નવું યુગલ કો પ્રવેશ્યું. પ્રભુએ તાજાં
નવવધૂના ચહેરામાં ગુલો છલકાવ્યાં હતાં.
ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં
શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને.

પ્રભુને સૌ આવું બધું પસંદ બહુ હોય એવું
લાગે પણ છેય તે.
શાઽઽ માટે નહિ તો દુનિયાની ભારે મોટી
કામગીરી હોય એમ, જાણે એ વિના બધું
અટકી પડવાનું ન હોય એમ, વારે વારે
સંડોવે છે કંઈક ને કંઈક આવામાં મને એ?

રસ્તે ચાલ્યો જતો હોઉં અને કોઈ દૂર દૂર
સહસ્ર જોજન થકી આવેલા, પંખીની સાથે
મુલાકાત ગોઠવી બેસે છે મારી, પૂછ્યા વિના
મને, કોઈ વાડ પાસે. લક્ષાવધિ
પ્રકાશવર્ષોથી વ્યોમે ટમટમતા તારા પાસે
આંખ મિચકારાવે છે એ આ હું જે
`અન-રોમૅન્ટિક' તેની સામે.
શેરીમાંના પેલા બાલુડિયાને મારી સામે
ખિલખિલ હસાવી દે છે, અયુત વર્ષોને અંતે
પ્રગટેલા માનવની આજ લગીની આખીય
યાત્રાની – ભાવી આકાંક્ષાની પતાકા લહેરાવી
દે છે એ નાજુક કલહાસ્યમાં વિજયભેર.
રે રે શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહિ.
શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.

શબ્દ છે! છે છંદ પણ! ક્યાં છે તો કવિતા?

શિખરો પર ઊર્ધ્વબાહુ આરડે મહાનુભાવો,
શતાબ્દીથી શતાબ્દી સુધી પહોંચતો બુલંદ સ્વર,
ઊતરે ના અંતરમાં, ઝમે ના પર્યાપ્ત ચિત્તે.
ખીણો ભરી ગોરંભાતો ભૂતકાળનો એ ધ્વનિ,
પડ્યાં કરે પડછંદા નિરંતર અવિરત.
પડઘાનો દેશ આ; શબ્દ નહિ, પ્રતિશબ્દ પૂજાતો જ્યાં.
પ્રતિધ્વનિથી બધિર બની ગયા કાન કંઈ
એકમેકનું ન કેમે સુણવા પામે, કદીક
બોલવા કરે જરી તો.

          – નથી માર્ગ અન્ય, વહી
જાય પણે ઉરોગામી સરિતા ધીરેથી, નિજ
કલકલ્લોલધૂને મસ્ત, તેમ સરી જવું.
મળી જાય યાત્રી તેને અર્પવું હૃદયગીત. –

ક્યારે વળી અહમ્ નડે-કનડે છે. હૈયું કહે :
શીદ ગાઉં? સુખના ઓડકાર આના,
પેલાનો પ્રેમ, અને અન્યના ઉલ્લાસકેફ!
મારે બસ ગાવાનું જ? ઉચ્છિષ્ટ જે બીજાઓના
જીવનનું, શબ્દોમાં સંચય કરીને તેનો
કૃતાર્થ થવાનું મારે?
કવિજીવન અરેરે શું ઉપ-જીવન?

અરે! અરે!
અહંના ભરડામાં આવ્યું એ જ કૈં ઓછું જીવન છે?
જીવન તો તે, જે કૈં થયું આત્મસાત્, આત્મરૂપ.
આ આંખો જે જુએ છે એટલું જ શું એ જુએ છે?
તો તો તે કશું જ નથી જોતી. આંખો આંધળી છે.
પેલાં વૃક્ષો, છુટ્ટાં, લીલાં પલ્લવે ઘેઘૂર ડોલે,
કેવાં છે મજાનાં! ગમી જાય એવાં છે! પરંતુ
એક વેળા અહીં આ એક સ્થળેથી જોવાઈ જતાં
એ બધાં અનોખી કોઈ એક-રચનામાં ગોઠવાઈ ગયાં.
વૃક્ષો ન રહ્યાં, વૃક્ષમય કશુંક લોકોત્તર સત્ત્વ,
માત્ર ત્યાં ફેલાઈ રહ્યું – એ જ તો સૌન્દર્ય. –
આંખ, તેં એ જોયું? આજ સુધી કાં ન જોયું તેં એ?
આંખ દ્વારા કોઈકે એ જોયું.
આંખમાં એ કોઈક હતું અને તે આ પળે બહાર
કૂદી શું રેલાઈ રહ્યું?
એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ-રચના-મય હતો.
તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી
થઈ તો શકું જ. કિંતુ શી રીતે એ હશે સાધ્ય?

સૌન્દર્યાનુભૂતિ દ્વારા,
કવિતા દ્વારા અમોઘ.
સૌન્દર્યની સેર છંદ-શબ્દ-માં હું ઊપસેલી
જોવા કરું, પુષ્પો અને શિશુકલહાસ્ય તણા
પરિચયે કૈંક;
દેખાતી ન-દેખાતી તે હાથતાળી દઈ, મારા
ખેલ્યાં કરે અહો સંતાકૂકડી ચૈતન્ય સાથે
અહોરાત.

રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ
અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું,
ઉત્સવથી વળતું જે, વર્ષાભીંજી મોડી સાંજે;
પડખેના વૃદ્ધ જોઈ રહ્યા વિસ્ફારિત નેત્રે
ભવિષ્યનું તે નિર્મલ સકલ આશારહસ્ય
ફેલાયેલું મુગ્ધ નિજ દૃષ્ટિની સમક્ષ તહીં.
કન્યાઓના આશાઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.
કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર.
          ક્યાં? – ક્યાં છે કવિતા?

અમદાવાદ, ૭-૨-૧૯૫૯
(સમગ્ર કવિતા, પૃ. ૮૦૨-૮૦૫)