કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૮. અશ્વત્થભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૮. અશ્વત્થભાવ

ઉશનસ્

અહો, આ આશ્ચર્યે મુજથી ગયું કોઈ બીજ ગરી!
કુંવારી ભૂમિમાં ગહન પડ નીચે જઈ ઠર્યું;
અને રોમાંચોનું તતડી નીકળ્યું જંગલ નર્યું
ગઈ ભીની ભીની અડકી શીળી જ્યાં વાયુલહરી!

થતું જ્યાં ચૈતન્ય સ્થગિત ક્ષણ કે ઉર્વર ધરા,
વિશે હું રોપાતો તરુ સમ — પગે કૈં ગલીગલી,
ઊગું — મૂળો ઊંડાં પૃથિવીગ્રહની પાર નીકળી
રહે કંપી શૂન્યે જીવનરસવેગે તરવર્યાં;

મને ચારે બાજુ શિરથી, કરથી, સ્કંધથી ફૂટે
ભૂરાં આકાશોની જટિલ વિટપો શૂન્ય વીંઝતી
જતી ઊંચી ઊંચી વિહગ રવથી આકુલ થતી
ખચી તારાઓની બણબણથી જ્યોતિર્મધુપુટે!

અનાદિથી જાણે સમયપટ ઘેઘૂર પીંપળો
ઊભો છું રાતોડી — કીડી ઊભરતી — પોપડીભર્યો.

(સમસ્ત કવિતા, ‘અનહદની સરહદે’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૪૧)