કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!

ઉશનસ્

અદીઠાં બ્રહ્માંડો તરફ ક્ષિતિ આ ઊપડી જતી;
અને આવી રીતે ઊપડી જવું, આ આગળ ગતિ,
સદા આગે આગે અવિરત અજાણ્યા ધ્રુવ પ્રતિ;
અરે, એથી સ્તો આ ધરતી નિત પુષ્પો ખીલવતી.

અરે, એથી સ્તો આ ધરતી પરની જીવનકૃતિ
કળી પેઠે ખૂલે દલ દલ કરી પૂર્ણ કુસુમે,
ગતિ છે તો છંદોલય-નરતને ભૂ રૂમઝૂમે,
અપૂર્ણાંવસ્થા, તો ગતિ; અટકવું તો ઉપરતિ;

ગતિ આ આકાશી ચિતિ મહીં, નવાં સાહસ ભણી,
નવા દ્યૌસંઘર્ષો થકી નવલ સંવાદ સુષમા —
ભણી; જીવી લેવું જીવન મળ્યું ને પૂર્ણપણમાં;
બધુંયે સ્વીકારી; શુભ-અશુભ; ના કૈં અવગણી;

ધરાપે સાતેયે વરસ ખીલ્યું તે મેઘધનુષ
ખભે લૈ — જાણે કે હળ લઈ — ખડો કૃષ્ટિપુરુષ!

(સમસ્ત કવિતા, ‘પૃથ્વીગતિનો છંદોલય’ સૉનેટમાળામાંથી, પૃ. ૭૩૫-૭૩૬)