કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૩૩. સ્વપ્નમાં પિતા
બાપુ, ગઈ કાલ તમે ફરી દેખાયા
ઘરથી હજારો જોજન દૂર અહીં બાલ્ટિકના કિનારે
હું સૂતો છું ત્યાં
તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં.
ભાઈઓના ઝઘડામાં સંધાણ કર્યું
ત્યારે પહેર્યો હતો તે જ થીગડિયાળ, કરચલિયાળ કોટ,
દાદા ગયા ત્યારેય આમ જ ઊભા હશો
એકલા દાદાનો કરચલિયાળ હાથ ઝાલી.
તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના
શરણાર્થીઓ જોડે અહીં વસ્યા?
ભોગાવો છોડી, ભાદર ઓળંગી
રોમન બુરજના કાંગરા ચડી
ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી–
તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન!
(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)
અને આ પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ
(શું ઝઘડો હજુ પત્યો નથી?)
પાછળ લાકડીને ટેકે
ઊભી ક્ષિતિજને શેઢે
મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.
મા, મનેય ભળાતું નથી
હમણાં લગી હાથમાં હતું
તે બાળપણ અહીં જ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે.
વિલ્નીઅસ (લિથુઆનીઆ), ૨૩-૧૧-૧૯૭૪
(અથવા અને, પૃ. ૯૩)