કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૮. ક્યારે જોવા મળશે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૮. ક્યારે જોવા મળશે?

ચંદ્રકાન્ત શેઠ

મૂળ હોય તો ક્યાં છે? ક્યાં છે સરહદ?
હદમાં ક્યારે જોવા મળશે અનહદ?

કોણ આપણી માટીને મ્હેકાવી,
કોણ આપણાં ગહ્વર સૌ ગ્હેકાવી,
કોણ વિખેરી વાદળ, કરી નિરાપદ,
પૂનમ સરખી ઊજળી કરી જશે વદ? –

રૂપરંગના સાગર દૃગ છલકાવી,
સૂર-તાલથી મૌન મધુર ઝણકાવી,
કોણ પારસે કરી વિપદને સંપદ,
આપણને સથવારો દેશે પદ પદ? –

ઘડી ઘડીના ઉત્સવ થાશે ક્યારે?
હંસ આપણા મુક્ત વિહરશે ક્યારે?
ક્યારે ખોટું-ખૂટલ બધું થતાં રદ,
જોવા મળશે અંદર एतद्...एतद्...एतद्...एतद्? –

૦૬-૦૫-૨૦૧૩


(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૪૦)