કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/કવિ અને કવિતાઃ જયન્ત પાઠક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ અને કવિતાઃ જયન્ત પાઠક

ઊર્મિલા ઠાકર



       કવિ જયન્ત પાઠકનો જન્મ ૨૦ ઑક્ટોબર ૧૯૨૦ના રોજ પંચમહાલ જિલ્લાના ગોઠ (રાજગઢ) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હિંમતલાલ પાઠક અને માતાનું નામ ઇચ્છાબહેન. જયન્ત પાઠક ૧૦ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું. તેમનો ઉછેર તેમના દાદા જોઈતારામ પાઠક પાસે થયેલો. તેમણે રાજગઢમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ૧૯૩૦માં કાલોલની એન. એસ. જી. હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૩૮માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૪૩માં એમ.ટી.બી. કૉલેજ, સૂરતમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૪૫માં એ જ વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦માં તેઓ પીએચ.ડી. થયા. ૧૯૪૩થી ૧૯૪૭ સુધી તેમણે જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે સેવાઓ આપી. ૧૯૪૭થી ૧૯૫૩ સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૫૩થી એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ, સૂરતમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૮૦માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૮૯-૧૯૯૦માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા. ૧૯૫૭માં ‘કુમારચંદ્રક’, ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવૉર્ડ, ૧૯૭૬માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૮માં કવિ ન્હાનાલાલ પારિતોષિક, ૧૯૮૦માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૮૨-૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તેમજ ૨૦૦૩માં નરસિંહ મહેતા ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા હતા. ૧લી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ સૂરતમાં એમનું અવસાન થયું.

2


       ગુજરાતી કાવ્યસાહિત્યમાં ઉશનસ્ અને જયન્ત પાઠકનું નામ સાથે જોડાયેલું રહ્યું છે. બન્ને માસીના દીકરા — ભાઈઓ છે. બન્નેનો ઉછેર પ્રકૃતિના સાન્નિધ્યમાં થયેલો. આથી બન્નેની કવિતામાં પ્રકૃતિનું સૌંદર્ય સહજ રીતે નિરૂપાયું છે. બન્નેને વન, વતન, જંગલ, પહાડો, નદી વગેરેનું આકર્ષણ છે. આ ઉપરાંત ઘરનું વાતાવરણ પણ તેમની કવિતાનો પ્રેરણાસ્રોત છે. જયન્ત પાઠકને ભાષાનું આકર્ષણ પણ કવિતા રચવા પ્રેરે છે. ‘સર્જકની આંતરકથા’માં જયન્ત પાઠક લખે છેઃ

       ‘સર્જનપ્રવૃત્તિ ભણી ખેંચનાર, દોરનાર, પ્રથમ પદાર્થ તે શબ્દ, ભાષા. કોઈ કવિતા વાંચીએ કે એમાંના શબ્દો ને ભાષાપ્રયોગો મનમાં તરત વસી જાય. આખાય ભાષાપ્રપંચનો સ્વાદ આવે, એવી રમત રમવાનું મન થાય.’

        આમ ‘ભાષાપ્રપંચ’ના સ્વાદે આ કવિને કાવ્યસર્જનની પ્રેરણા આપી છે, તો એ સાથે ઘરના વાતાવરણ તેમજ આસપાસના વાતાવરણે પણ જયન્ત પાઠકમાં કવિતાનાં બીજ રોપ્યાં છે. તેમણે નોંધ્યું છે  —

        ‘પિતાજી કે દલપતમામા ગીત કે સ્રોત ગાય, જોડકણાં જોડે, પૅરેડી કરે ત્યારે બાળકમનને એવું કરવાનું મન થાય; મેળામાં હોળી દિવાળી ટાણે કે લગ્નપ્રસંગે આદિવાસીઓની કોરી-ધરાળા બારૈયા જેવી કોમનાં સ્ત્રી-પુરુષો જે ગીતો ગાય તે લગભગ મોઢે થઈ જાય; દાદા એકતારા સાથે ભજન ગાય તેના શબ્દો મનમાં રમી રહે.’

         આમ શબ્દ અને ભાષાના આકર્ષણને કારણે જયન્ત પાઠક સતત કવિતાઓનું વાચન કરતા. એ રીતે તેમને કવિતાની લગની લાગેલી. સર્જકની આંતરકથામાં કવિ લખે છેઃ ‘પ્રસ્થાન’માં દર મહિને, સુન્દરમ્ સાથે પૂજાલાલ, શેષ, મનસુખલાલ, બેટાઈ આદિનાં કાવ્યો વાંચું. બધાં મોઢે થઈ જાય. બધું સમજાય એવું તો નહીં, પણ ભાષામાં કશુંક અસામાન્ય જોયાનો રોમાંચ તો અચૂક થાય.’

         કાલોલ (પંચમહાલ)ના સાર્વજનિક પુસ્તકાલયમાં અનેક સામયિકોમાં પ્રગટ થયેલી કવિતાઓ તેઓ વાંચે. માસીના દીકરાઓ કવિતાઓ લખે વગેરે પરિબળોએ જયન્ત પાઠક પાસે ‘મનોમન કવિતા કરવાનો મનસૂબો’ કરાવ્યો. અભ્યાસ દરમિયાન ૧૯૩૪-૧૯૩૫ના સમયગાળામાં તેઓ કવિતા કરવા લાગ્યા. પરંતુ એ કવિતા એમણે જ ફાડી નાખેલી. તેમણે લખ્યું છે કે એ પછી તો ‘હું કવિતાનું ઘર ભાળી ગયો! રોજનું એક કાવ્ય લખવાનો સંકલ્પ થઈ ગયો.’ કવિ પાંચમા ધોરણમાં ભણતા ત્યારે તેમના શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમના કાવ્યરસને પ્રેરણા આપી હતી.

         જયન્ત પાઠકની કાવ્યયાત્રાની શરૂઆત ૧૯૩૭-૧૯૩૮માં ‘પ્રસ્થાન’માં તેમનું ‘દીપોત્સવી’ નામનું કાવ્ય પ્રગટ થયું ત્યારથી થઈ. એ સમયે તેઓ મૅટ્રિકનો અભ્યાસ કરતા હતા. ‘કૉલેજનાં ચાર વર્ષ કાવ્યસર્જનનો વસંતકાળ.’ તેમણે અંગ્રેજી કવિતાના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. શેલી, કીટ્સ, બાયરન, વર્ડ્ઝવર્થ, બ્રાઉનિંગ, ટેનિસન વગેરેના કાવ્યસંગ્રહો વાંચ્યા. તેમજ ગુજરાતી સાથે સંસ્કૃત અભ્યાસનો વિષય હોવાથી — કાલિદાસ, ભવભૂતિ, ભાસ, શ્રીહર્ષ વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં શેક્સપિયરને પચાવ્યા. તેમજ તેમના સમકાલીન કવિઓના સંસ્કારે જયન્ત પાઠકના કવિપિંડને પોષ્યો.

         કવિ જયન્ત પાઠકનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘મર્મર’ (૧૯૫૪) પ્રગટ થયો. એ પછી તેમની કવિતાની સરવાણી સતત વહેતી રહી... જે ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૩), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરિક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩), ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮), ‘બે અક્ષર આનન્દના’ (૧૯૯૨), ‘નવાં કાવ્યો’ (૧૯૯૬), ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭ – તેમની સમગ્ર કવિતાનો સંચય), ‘દ્રુતવિલંબિત’ (૨૦૦૩) અને ‘જાગરણ’ (૨૦૦૯) વગેરેમાં ગ્રંથસ્થ થયેલી છે.

         આ ઉપરાંત તેમણે સર્જનાત્મક ગદ્યના ગ્રંથો પણ આપ્યા છે. તેમણે ‘વનાંચલ’ જેવી સ્મૃતિકથા, ‘તરુરાગ’ જેવા સંવેદનાત્મક નિબંધો તેમજ વિવેચન, અનુવાદ અને સંપાદનક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત રહેલા.

3



         જયન્ત પાઠકની કવિતા એ વન્ય-પ્રકૃતિ અને સંસ્કૃતિના સંસ્કારને અભિવ્યક્ત કરતી કવિતા છે. આ કવિનું વતન-ગામ ગોઠ (રાજગઢ) પંચમહાલ જિલ્લાનું નાનકડું ગામ, જે કરડ નદીના કિનારે આવેલું છે. આ નદી કણજીઓના ઝુંડવાળી. પાણી, પહાડો, જંગલ અને ઝાડીઓ વચ્ચે ઊછરેલા આ કવિના સર્જક-ચિત્તમાં પ્રકૃતિના ગાઢ સંસ્કાર ઝિલાયા છે. તેમનું સમગ્ર વ્યક્તિત્વ એના રંગે રંગાયેલું છે.

         ‘હું જાનપદ કરતાં વધારે તો જંગલની પેદાશ ગણાઉં... મારા ચિત્ત પર પ્રથમ સંસ્કારો જનના નહિ પણ વનના પડેલા.’

         (‘કાવ્યયાત્રા’, શ્રી ફા. ગુ. સ. ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૫૮, પૃ. ૨૭)

         આથી જ તેમની કવિતામાં વન, વગડો, વતન, પ્રેમ, પ્રકૃતિ અને મનુષ્ય સાથેનાં ભાવસંવેદનો સહજ રૂપે પ્રગટે છે. ‘સર્જકની આંતરકથા’માં આ કવિ લખે છે —

         ‘ “અસલ” વતન એટલે પ્રકૃતિ, આદિમત ને અસલિયતની ભોંય. કવિતામાં વતન ભણી જવું એટલે આપણા મૂળમાં જવું, જાતને જાણવી, મોટો શબ્દ વાપરીએ તો આત્મસાક્ષાત્કાર કરવો. મારી કવિતાએ હવે જાણે એનો પ્રભાવસ્રોત જોયો. અગાઉ આસ્ફાલ્ટના રાજમાર્ગે ચાલતી એ ‘સર્ગ’ (૧૯૬૯)થી જાણે વનવગડાની કેડીએ ઊતરી ગઈ છે. ‘વનાંચલ’ પછીની મારી કવિતા મને મારી કવિતા વધારે લાગી છે.’

           આ કવિની કવિતાનાં મૂળિયાં એ વન, વગડો અને વતનમાં ઊંડે ઊતરી ગયેલાં છે. ના, કવિમાં જ રોપાઈ ગયેલાં છે. એટલે જ કવિ કહે છેઃ

               ‘પ્હાડોના હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
                છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર,
                રોમ મારા ફરકે છે ઘાસમાં
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.’

            આ કવિનો પિંડ જ વન્યસૃષ્ટિથી રચાયેલો છે. આથી જ પહાડ, નાડીઓમાં નદીઓ, છાતીમાં બુલબુલનો માળો, આંગળીઓમાં આદિવાસીનું તીણું, તીર, રોમરોમમાં ફરફરતું ઘાસ કવિ અનુભવે છે. નાનકડી કાયામાં સમગ્ર વન્યસૃષ્ટિનો પ્રાકૃતિક રસ કવિ માણે છે. પ્રકૃતિમાં માનવહૃદયના ભાવો અને માનવહૃદયમાં પ્રકૃતિ સતત ધબકે છે.

            કવિ જયન્ત પાઠકની કવિતામાં પ્રકૃતિનાં વિવિધ રૂપો — વિવિધ ઋતુઓ — વસંત, ગ્રીષ્મ, ઉનાળો, વર્ષા, સવાર-સાંજ, રાત-દિવસ, સૂર્યોદય-ચંદ્રોદય વગેરે અનેક હૃદયંગમ દૃશ્યો — વિવિધ કલ્પનો સાથે કાવ્યરૂપ પામ્યાં છે. ‘ઉનાળાનો દિવસ’માં કવિએ સૂરજના તાપે તપેલા રણનું સરસ ચિત્રાત્મક વર્ણન કર્યું છે. આપણી આંખ સામે એક Landscape (ભૂ-દૃશ્ય) સર્જાય છેઃ ઊંટની હાર, ચાલ, પશુની ટૂંકી છાયામાં પગ મૂકી ચાલતા ત્રસ્ત મુસાફરો, મૃગજળનું સરોવર, રેતીના ઢૂવા અને સાંજ ઢળ્યા પછી, ચંદ્રોદયની ટાઢક અનુભવતા મુસાફરો —

                ‘દિનદહનને અંતે કેવું શશીમુખ અમૃત!
                 રજની અરબી રાત્રિઓની કથા સમ અદ્ભુત!’

            અહીં કવિએ અરબ રાત્રિઓની રંગદર્શી કથાનો સંકેત આપ્યો છે. તો ‘રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા’ કાવ્યમાં ગ્રીષ્મની બપોર અને સંધ્યાનાં બે દૃશ્યોને શબ્દસ્થ કર્યાં છે. ગ્રીષ્મની બપોરે નદીનું ભાઠું ધગધગે છે. જળ પર રમવા આવવાની હવાનીયે હિંમત નથી. નથી પંખી, નથી ટહુકો, કિનારે નાંગરેલી સ્થિર નાવ, પાણીમાં પડેલું — શિલાઓ જેવું ભેંસોનું ટોળું, ડૂબકીદાવ રમતા ગોવાળિયા, નદીની ભીની રેતમાં હાંફતા કૂતરા. એ પછીનું સંધ્યાનું રમ્ય દૃશ્ય —

                 ‘ઢળે સૂરજ પશ્ચિમે, નદી જલે દ્રુમો, ભેખડો—
                 તણા તિમિરજાળા શા ઢળત સાંધ્યઓળા, અને
                 ઊઠી, મરડી અંગ વાયુ જલના તરંગે તરે
                 ઊડે ટહુકતા વિહંગ, નભપૃથ્વી મૂર્છા ઢળે,
                 નજીક ઘરમાંથી બેડું લઈ ગ્રામ્યસ્ત્રી સંચરે,
                 વહેણ મહીં ઘટે સૂરજદીધું સોનું ભરે.’

            સંધ્યા સમયના પાણીનો સોનેરી રંગ — સોનું જ. પનિહારીઓ ઘડામાં ભરે છે. ‘રણ’ કાવ્યમાં કવિની કલ્પના તો જુઓ —

                 ‘સૂર્યપાંખથી ખરખર રેત ખરે
                 ઊંચી ડોકે ઊંટ આભનો
તડકો ચરે.’

            ઊંટને ચરવા માટેય તડકો જ છે. એની આંખમાંથી આભ દદડે છે. રણદ્વીપોનાં લીલાં છોગાં મૃગજળ ઉપર તરે છે, ચાલતા ઊંટોની ગતિ એ ઊછળતાં મોજાં — કેવું સુરેખ ચિત્ર કવિએ તાદૃશ્ય કર્યું છે! તો ‘ચિતારો’ ગીતમાં કવિએ સૃષ્ટિના સર્જનહારને જ મહાન ચિત્રકાર કલ્પ્યા છે. એ ચિત્રકારની પીંછીના લસરકે પ્રકૃતિમાં પુરાઈ જતા રંગો, તેમજ જંગલ, વૃક્ષો, ફૂલો, પહાડો, સાગર, ઇન્દ્રધનુના રંગોની લીલા વગેરે કવિને આશ્ચર્યચકિત કરી દે છે. તો ‘વૃક્ષો’ કાવ્યમાં કવિએ પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધનું નિરૂપણ કર્યું છે. વનવાસી કવિને વૃક્ષો ગમે છે. તેમાં માનવહૃદયના ભાવોનું આરોપણ કરતા કવિની વૃક્ષમયતા પ્રગટે છે.

           ‘ગ્રીષ્મની બપ્પોર અને દિવાસ્વપ્ન’ — મંદાક્રાન્તામાં લખાયેલા આ સૉનેટમાં કવિએ ગ્રીષ્મની કાળઝાળ બપ્પોરનો ચિતાર આપ્યો છે — પાણિયારે ટપકતી મટુકી, ઠીબમાં પાણી પીવા મથતાં પંખીઓ, શેકાતા પગે છાંયડે ઊભેલાં વૃક્ષો, બળી જતી કળીઓ, જળરૂપી વસ્ત્રનું હરણ થઈ જશે એ ભયથી ખડકની શિલાઓમાં લપાતી-છુપાતી વહેતી નદીઓ, સળગતું આભ, કંઠે શોષ અનુભવતી ધરતી વગેરે દ્વારા ગ્રીષ્મની બપોરને કવિએ ચિત્રાત્મકતાથી આલેખી છે. ઝોકે ચઢીને દીવાસ્વપ્નમાં સરી જતા કવિ સાંઢણીની પીઠે ઊડવા લાગે છે. તારકોની ટોકરી સાંભળે છે. ‘વનવાસ’માં કવિએ સંસ્કૃતિની હદ પૂરી થતાં ઊઘડતા વગડાનું સરસ ચિત્રાંકન કર્યું છે. તેમાં માનવભાવોનું સુંદર અરોપણ કર્યું છેઃ

                  ‘ધીંગા તરુથડ ઓથે ટેકરીઓની સંતાકૂકડી
                  નાની નદીઓ રમે પાંચીકે, જાય ઓઢણી ઊડી’

            પ્રેમ, પ્રકૃતિ, પ્રણય અને મનુષ્યનાં વિવિધ સંવેદનો જયન્ત પાઠકની કવિતામાં સહજ રીતે કાવ્યરૂપ પામે છે. દામ્પત્યજીવન, કુટુંબજીવન વગેરેનાં વિવિધ ભાવસંવેદનો કવિએ સરસ રીતે નિરૂપ્યાં છે. ‘મને થતું’ એ દામ્પત્યજીવનનું ઉત્તમ સૉનેટ છે. કાવ્યનાયકની પત્ની સુંદર નથી. અનાકર્ષક રૂપરંગ, નિસ્તેજ આંખો, છટા વગરની ચાલ વગેરે જોઈને કવિને થાય છે કે ઈશ્વર શા માટે આવી વિરૂપતાનું સર્જન કરવામાં તેની કલા વેડફતો હશે. કાવ્યનાયક પોતાના ભાગ્યને દોષ આપે છે. પરંતુ એ પત્ની જ્યારે માતા બને છે, શિશુને ઉછેરે છે, ગેલ કરતું શિશુ માતા સામે હસે છે. માના સ્નેહની છાલકનું — માનું પ્રગાઢ આકર્ષણ અનુભવે છે. એ જોતાં કાવ્યનાયકને વિરૂપ પત્નીને ચાહવા માટે બાળક બનવાનું મન થાય છે. અંગત સંવેદન પરાકાષ્ઠાએ પહોંચે છે.

           ‘જૂના પત્રોનો નાશ કરતાં —’માં પણ કવિનાં અંગત ભાવસંવેદનો સરસ રીતે અભિવ્યક્ત થાય છે — મુગ્ધવયે પોતાના પ્રિયજનને લખેલા પત્રોનો નાશ કરતાં કવિનું હૃદય દ્રવી ઊઠે છે. હાથ કંપે છે. એ પત્રોમાં સુખ-દુઃખ, પ્રણય, આનંદ અને મૃત્યુ પછી પણ સાથે રહેવાના કોલ આપેલા એ પત્રોના ચીરેચીરા ઊડતા કવિ જુએ છે. તેમને થાય છે કે કાળની આ કેવી લીલા છે!

           ‘રીસ’માં રિસાઈને પિયર ચાલી ગયેલી પત્નીને મળવા પતિ જાય છે. પત્નીનું હૈયું હાથમાં રહેતું નથી. છતાં રિસાયેલી પત્ની પતિને પ્રેમનો એક પણ શબ્દ કહેતી નથી. મનોમન પતિની ક્ષમા માગતી, પસ્તાતી, તેની પતિ પાસેની અપેક્ષા વગેરેના માર્મિક સંવેદનનું સુંદર ભાવચિત્ર કવિએ રજૂ કર્યું છે. જ્યારે ‘સમણાં’ કાવ્યમાં પ્રિયતમ આવ્યાના ભણકારા, પ્રિયતમને મળવાની પ્રબળ ઇચ્છા કવિએ ખૂબ નજાકતથી નિરૂપ્યાં છે. તો ‘ભીનું સમયવન’માં કવિએ પ્રકૃતિનું આલંબન લઈને ભીનાં ભીનાં સંસ્મરણો સરસ રીતે રજૂ કર્યાં છેઃ

                  ‘સ્મરું ભીના ભીના સમયવનની એ ભીની ક્ષણોઃ
                   ગરે પર્ણોમાંથી ટપટપ ભીના વાદળકણો,
                   અને આખો મારો મઘમઘી ઊઠે કોષ મનનો;
                   હું ભીના રોમાંચે લથપથ, તમારા સ્મરણનો
                   શિરાઓમાં રક્તે પ્રસરી વહેતો કેફ મયનો;
                   તમે મારું ભીનું સમયવન, મારી ભીની ક્ષણો.’

            ‘બાનો ઓરડો’માં માની આછીપાતળી સ્મૃતિઓ માના ઓરડા સાથે જોડાયેલી છે તેથી માનો ઓરડો કેટલો દૂર લાગે છે! જે મા હંમેશ હાથવગી — પ્રેમવગી હતી. જ્યારે ‘મા’ કાવ્યમાં પોતાના પુત્રને ઉછેરતી માને ખબર છે કે આ પુત્ર મોટો થશે. પોતાનાથી દૂર થશે. પત્ર પણ નહીં લખે. માતા આ વાસ્તવિકતા જાણે છે. બન્નેનાં અંતર વચ્ચેનું અંતર — જુદા જ ગ્રહ પર હોય એટલું અંતર. એકદમ સાદી સરળ ભાષામાં માનું સંવેદન વ્યક્ત થયું છે. તો ‘દીકરીનાં લગ્ન પછી, ઘરમાં’ કાવ્યમાં માતા દીકરીનાં લગ્ન પછી, ઘરમાં બધી ચીજવસ્તુની ગણતરી કરે છે. બધું જ બરાબર છે — પણ થાય છે ‘મારી દીકરી ક્યાં?’ સરસ સંવેદન આલેખ્યું છે. આમ આવાં પારિવારિક અને અંગત ભાવસંવેદનો કાવ્યોમાં સરસ રીતે ઝિલાયાં છે. તો ‘માણસ’! જેવી કવિતામાં માણસની સહજ નબળાઈઓને, લાક્ષણિકતાઓને કવિ સરસ રીતે નિરૂપે છેઃ

                   ‘રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે!
                    હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે!’

            કવિ જયન્ત પાઠકને વતનનું અનહદ આકર્ષણ છે. વતનપ્રેમની કવિતામાં પ્રકૃતિ અનેક રૂપે પ્રગટ થાય છે. ‘વતનથી વિદાય થતાં’માં વતન છોડવાની વેદના — વતનના શ્વાસ — નિઃશ્વાસ, કેડી આગળ ચાલે છે પણ કવિના પગ થંભી જાય છે, હૈયું પાછળ રહી જાય છે, વતનની મમતાનો તાર તૂટી જતાં હૃદય ઉઝરડાય છે. કવિ આગળ ચાલે છે... અને વતનની પ્રકૃતિ માની જેમ બે હાથ ઊંચા કરીને કવિને રોકવા મથે છે.

            અહીં કવિનો વતનપ્રેમ અને પ્રકૃતિનું સાયુજ્ય ભાવનાત્મક રીતે પ્રગટે છે. ‘વર્ષો પછી વતનમાં’ પ્રવેશતા કવિની શિશુવયની સ્મૃતિઓ તરો-તાજા થઈ ઊઠે છે — ખેતરોના પાકની સોડમ, ભૂત-આંબલી, ભૂતટોપીઓ, કોતરોમાં સરતા પગ વગેરે — પરંતુ કવિ વર્ષો પછી જુએ છે તો બધું જ બદલાઈ ગયું છે; જુઓ એનું સંવેદનઃ

                    ‘રે એ દાતરડું! ગયું લણી શિશુસ્વપ્નો — ઊભા પાકને;
                    એ ભૂવો! સહુ ભૂતને વશ કરી શીશે ઉતારી દીધાં;
                    કોને રે! કોતરો પૂરી દીધાં, સૌ સાફ જાળાં કીધાં;
                      (રાની બિલ્લી — શિશુ તણા સપન-ને સંતાડવા ક્યાં હવે?’)

          ‘એક વારનું ઘર’માં કવિ વતનના એ પુરાણા ઘરમાં પોતાનું શૈશવ અકબંધ જળવાયેલું અનુભવે છે. તેમની સ્મૃતિઓ સજીવન થઈ ઊઠે છે. પણ હવે એ હર્યુંંભર્યું જીવંત ઘર પુરાવશેષ જેવું થઈ ગયું છે. સરસ સંવેદનસભર સ્મૃતિચિત્ર આલેખ્યું છે. જ્યારે ‘એક એવું ગામ’માં કવિએ વતનને છોડ્યું છે. પણ વતનના ગામે કવિને છોડ્યા નથી.

          ‘આદિમતાની એક અનુભૂતિ’માં કવિ વર્ષો પછી પોતાના ઘેર પાછા ફરે છે. કવિનું ઘર એટલે વન. કવિ નગર-સંસ્કૃતિનાં આવરણો ઉતારીને, આદિવાસીના અસલી રૂપે પોતાના વન-ઘરમાં પ્રવેશે છે. કવિ પ્રકૃતિવશ બની જાય છે. કવિને પ્રાકૃતિક તત્ત્વોનો કેફ ચડે છે. તેમનામાં આદિમતાનો તીવ્ર આવેગ પ્રગટે છે. એને કવિએ શીંગડાંથી ભેખડો ખોદતા બળદના રૂપકથી તાદૃશ્ય કર્યું છે.

           શિખરિણી, મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત જેવા છંદોમાં કવિએ ઉત્તમ સૉનેટ આપ્યાં છે. તેમજ હરિગીત, હરિણી અને કટાવના લયમાં પણ કવિએ કાવ્યરચનાઓ કરી છે. સૉનેટની જેમ જ જયન્ત પાઠકે સરસ ગીતો પણ રચ્યાં છે; જેમ કે, ‘આવ્યો છું તો —’માં વાતચીતની ભાષામાં સહજ સંવેદન રજૂ કર્યું છે —

                   ‘આવ્યો છું તો લાવ જરા અહીં મળતો જાઉં,
                   આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.’

           તો ‘ખોટી ચીજ’માં આ કવિને કશુંય ખોટું ખપતું નથી. પણ ઓછુંય ખપતું નથી. કવિને તો —

           ‘પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.’ આ ગીતમાં ગોપીભાવ સહજ રીતે વહે છે. કૃષ્ણના આશ્લેષની ઇચ્છા છે. ‘ચિતારો’ ગીતમાં ઈશ્વરની સર્જનકલાને નિરૂપી છે. ‘થોડો વગડાનો શ્વાસ’માં કવિ પ્રકૃતિમય બની જાય છે. તો ‘વગડા વચ્ચે’ અને ‘ભલું તમારું તીર ભલાજી—’માં આદિવાસી કન્યાનાં ભાવસંવેદનો આદિવાસી રણકારસભર તળપદી ભાષા અને તળપદ લય-ઢાળમાં વ્યક્ત કર્યાં છે. તો ‘ચાનક રાખુંને...’ એ અધ્યાત્મભાવને વ્યક્ત કરતું ગીત છે.

           ‘અઘરું નચિકેત થવાનું’, ‘બચુભાઈનું સ્વર્ગારોહણ’, ‘ક્યાં છે?’, ‘કવિતા ન કરવા વિશે કવિતા’ જેવાં વિલક્ષણ કાવ્યો પણ આ કવિ પાસેથી મળ્યાં છે.

           જયન્ત પાઠકે ‘જીવ-જંતુની કૌતુક કવિતા’માં તેમનાં રંગરૂપ, ખાસિયતોનું કલ્પનાસભર આલેખન કર્યું છે. તો તેમના છેલ્લા કાવ્યસંગ્રહ ‘જાગરણ’માંથી તાજગીભર્યાં કલ્પનાસભર પંખીકાવ્યો સાંપડ્યાં છે.

— ઊર્મિલા ઠાકર