કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૫. છેલ્લી પ્રાર્થના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૫. છેલ્લી પ્રાર્થના

ઝવેરચંદ મેઘાણી

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ:
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું.

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે,
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી – આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઊંચા આપણા આશા-મિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા;
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા,
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

૧૯૩૦
(સોના-નાવડી, પૃ. ૪૨-૪૩)