કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૯. તરુણોનું મનોરાજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૯. તરુણોનું મનોરાજ્ય

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ચારણી કુંડળિયાનો]
ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે;
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે.

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે;
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?
કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહીં!
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં!
કેસરી વીરના કોડ હરશો નહીં!
મત્ત યૌવન તણી ગોત કરશો નહીં!

રગરગિયાં–રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય;
લાત ખાવા તણા દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ:
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ – તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું:
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૧૦)