કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૦. ઝંડાવંદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦. ઝંડાવંદન

ઝવેરચંદ મેઘાણી

તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં –
ઝંડા! અજર અમર રે’જે:
વધ વધ આકાશે જાજે.

તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;
તારે ભાલ નથી આલેખ્યાં સમશિર-ખંજર-છૂરી –
ઝંડા! દીન કબૂતર-શો
ઉરે તુજ રેંટીડો રમતો.

જગ આખા પર આણ ગજવતી ત્રિશૂલવતી જળરાણી;
મહારાજ્યોના મદ પ્રબોધતી નથી તુજ ગર્વનિશાની –
ઝંડા! ગભરુ સંતોષી
વસે તુજ હૈયામાં ડોશી.

નહિ કિનખાબ-મુખમ્મલ-મશરૂ કેરી તારી પતાકા;
નહિ જરિયાની હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા –
ઝંડા! ભૂખરવો તોયે,
દિલો કોટિ તુજ પર મોહે!

પરભક્ષી ભૂતળ-નૌદળના નથી તુજ ધ્વજફફડાટા;
વનરમતાં નિર્બલ મૃગલાં પર નથી નથી શેરહુંકાટા –
ઝંડા! ઊડજે લહેરાતો:
વ્હાલના વીંઝણલા વાતો.

સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે;
ખંડખંડની આશિષછોળો ઉદધિતરંગો છાંટે –
ઝંડા! થાકેલા જગનો
દીસે છે તું આશાદીવડો.

નીલ ગગનથી હાથ ઝુલાવી વિશ્વનિમંત્રણ દેતો:
પીડિત જનની બાંધવતાના શુભ સંદેશા કહેતો –
ઝંડા! કરજે જગતેડાં:
પ્રજા સઘળીના અહીં મેળા.

નીલ ગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી;
અરુણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી –
ઝંડા! શશી-દેવે સીંચી,
ત્રિલોચન! ધવલ આંખ ત્રીજી.

એ ત્રણ આંખ ભરી તેં દીઠાં તુજ ગૌરવ-રખવાળાં;
શ્રીફળના ગોટા સમ ફૂટ્યાં ફટફટ શીશ સુંવાળાં –
ઝંડા! સાહિદ રહેજે, હો!
અમારા મૂંગા ભોગ તણો.

કુમળાં બાળ, કિશોર, બુઝર્ગો – સહુ તુજ કાજે ધાયાં,
નર-નારી નિર્ધન-ધનવંતો – એ સબ ભેદ ભુલાયા;
ઝંડા! સાહિદ રહેજે, હો!
રુધિરનાં બિન્દુ બિન્દુ તણો.

કો માતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો;
કપાળનાં કંકુડાં હારી તેને પણ બળ દેતો –
ઝંડા! સાહિદ રહેજે, હો!
હજારો છાનાં સ્વાર્પણનો.

તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં;
તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ-તરસ વીસરિયાં –
ઝંડા! કામણ શાં કરિયાં!
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં.

આજ સુધી અમ અવળી ભક્તિ: જૂઠા ધ્વજ પર ધાયાં;
રક્તપિપાસુ રાજકુલોના નેજા કાજ કપાયાં –
ઝંડા! નિમકહલાલીનું
હતું એ કૂડ-બિરદ જૂનું.

પંથ પંથ ને દેવ દેવની પૂજી ધજા નિરાળી;
એ પૂજન પર શીશ કપાવ્યાં: હાય! કથા એ કાળી –
ઝંડા! વીત્યા યુગ એવા,
સકલ વંદનનો તું દેવા.

તું સાચું અમ કલ્પતરુવર: મુક્તિફળ તુજ ડાળે;
તારી શીત સુગંધ નથી કો માનસ-સરની પાળે –
ઝંડા! જુગ જુગ પાંગરજે;
સુગંધી ભૂતલ પર ભરજે!

રાષ્ટ્ર-દેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરુકે;
સબ ધર્મોના એ રક્ષકને સંતનૃપાલો ઝૂકે –
ઝંડા! આજ ન જે નમશે,
કાલ તુજ ધૂલિ શિર ધરશે!

આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે, ઉમંગી!
સાવધ રહેજે, પહેરો દેજે, અમે ન રહીએ ઊંઘી –
ઝંડા! સ્વરાજના સંત્રી!
રહો તુજ ઝાલર રણઝણતી!

૧૯૩૧

આ ગીત એના માપને હિસાબે ‘કોઈનો લાડકવાયો’ જેવું જ છે. પરંતુ તેને ગાવાનો ઢાળ છેક જ નિરાળો નિર્મિત થયેલો છે. એ ઢાળ જોશીલો અને વેગભર્યો હોઈ એમાં પરોવાયેલા શબ્દો પણ અમુક તાલ તેમજ વિક્રમશીલ ગતિને હિસાબે જ સ્વીકાર પામ્યા છે. પરિણામે આ ગીતને મરાઠી સાખીમાં ગાવું એ હાસ્યાસ્પદ વાત છે. હજાર માણસોની મેદિની ‘કોરસ’માં ઉઠાવી શકે એવા ઢાળમાં બેસાડવા મેં યત્ન કરેલ છે.

(સોના-નાવડી, પૃ. ૫૧-૫૩)