કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૨. રાતાં ફૂલડાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૨. રાતાં ફૂલડાં

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ‘સોનલા ઈંઢોણી રૂપા બેડલું રે પાલવ છોડજો’ — એ લગ્નગીતનો]
વનરા તે વન કેરી કાંટ્યમાં રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ પધરાવ્યાં પેટનાં બાળ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

અરધી રાતલડીનો ચાંદલો રે રાતાં ફૂલડાં,
હાં રે નીચે મલકે છે મા-મેલ્યાં બાળ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

હસ મા એવલડું, હો લાડકા રે રાતાં ફૂલડાં,
હાં રે મારાં કળીએ કાળજડાં કપાય –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

જમણે હાથે મીંચી આંખડી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ ડાબે હાથે દબવેલી ડોક –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

બાર માસ બાળ-કુંવારડી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈનાં તેર માસે લખિયાં લગન –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

એકા રે દશીની ઉપવાસણી રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈ તો હરિ-મંદિર પૂજવાને જાય –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

હસતાં ને રમતાં હિંડોળલે રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈએ નીરખ્યા છે બાળગોપાળ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

થડક્યાં થાનોલાં, થંભી ગઈ રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈની છાતીમાં છલ છલ દૂધ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

‘સરજ્યાં જો હત મારે ખોળલે રે રાતાં ફૂલડાં,
‘હાં રે તમને પહેરાવત હીર ને ચીર!’–
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

‘ભૂલી હો ભૂલી હો ભૂંડી માવડી રે રાતાં ફૂલડાં,
‘હાં રે મારી તે દિ’ની મરડેલી ડોક’ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

‘આવડાં ધાવણ આજે ઊભરે રે રાતાં ફૂલડાં,
‘હાં રે મારી તે દિ’ની તરસ સંભાર!’ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

‘ઝૂલું હું જશોદા માને ખોળલે રે રાતાં ફૂલડાં,
‘હાં રે તારે ખોળલે અગન કેરી ઝાળ!’ –
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

૧૯૩૪

‘ફાઇન ફ્લાવર્સ ઇન ધ વૅલી’ નામના અંગ્રેજી લોકગીત પરથી.
(સોના-નાવડી, પૃ. ૧૭૨-૧૭૩)
Fine Flowers in the Valley

She sat down below a thorn,
Fine flowers in the valley;
And there she has her sweet babe born,
And the green leaves they grow rarely.

“Smile nae sae sweet, my bonny babe,
Fine flowers in the valley;
And ye smile sae sweet, ye’ll smile me dead’,
And the green leaves they grow rarely.

She’s ta’en out her little penknife,
Fine flowers in the valley;
And robbed the sweet babe o’ its life,
And the green leaves they grow rarely.

She’s dug a grave by the light o’ the moon,
Fine flowers in the valley;
And there she’s buried her sweet babe in,
And the green leaves they grow rarely.

As she was going to the church,
Fine flowers in the valley;
She saw a sweet babe in the porch,
And the green leaves they grow rarely.

‘O sweet babe, and thou were mine,
Fine flowers in the valley;
I wad clad thee in the silk so fine’,
And the green leaves they grow rarely.

‘O mother dear, when I was thine,
Fine flowers in the valley,
Ye did na prove to me sae kind’,
And the green leaves they grow rarely.