કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૬. બાળુડાંને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૬. બાળુડાંને

ઝવેરચંદ મેઘાણી

[પૃથ્વી]
હતાં સમજણાં છતાં નવ હતું તમે પૂછિયું:
‘ક્યહાં ગઈ, શું કામ મા ગઈ, રિસામણું શું થયું?’
અરે, જગતભેદતી કરુણ ચીસ પે ચીસનાં
તમેય પ્રતિઘોષ થૈ રગરગ્યાં; છતાં બાપનાં
વિનંતિવશ બાલ! મોં નીરખવાય ના આવિયાં,
વિશુદ્ધ ઇતબારનાં હૃદય રાખી ચાલ્યાં ગયાં.
ઢળ્યો દિવસ, વેદના પણ ઢળી, ભભૂકી ચિતા:
થયું સકલ ખાક: હોંશ ભરિયાં ઘરે આવતાં
તમે ઉભય ખેલીને: ‘જમણ બા હશે રાંધતી’
કહી ઘર ભમી વળ્યાં, શમશમ્યાં ઉરે: બા નથી!
હશે ઇસપતાલમાં? દરદ કાંઈ ઓછું થયું?
ચલો, મળીશું? કેમ ના ઊચરતા? કહો, શું થયું?
કહ્યું શરમથી, હવે જગતમાં નથી બા રહી:
ગઈ, પણ વિદાયમાં કપટ ખેલતી બા ગઈ.
ગઈ? સુણી જરીક રડિયાં: પિતા વીનવે,
ન કો દી કટુ બોલડા કહીશ, બા વિસારો હવે!
અઢી વરસથી તમે ચુપ જબાનનો કૉલ એ
પળ્યાં પલપલે, પળ્યાં સ્વપનમાં – અને હાય, મેં?
પિતા શિશુ બન્યો: શિશુ! બની રહ્યાં તમે તાત-શાં.
નથી ખબર, અંતરે અગન કેટલી પી હસ્યાં!
સભાન સહતાં, નથી મતિહીણાં, અહો બાળુડાં!
લહો નમન તાતનાં, પ્રિય મહેન્દ્ર, પ્રિય ઇન્દિરા!
૧૯૩૫

૧૯૩૩માં બોટાદમાં પ્રથમ પત્નીના અગ્નિસ્નાન પછી લગભગ પોણાત્રણ વરસે મુંબઈમાં રચ્યું.
(સોના-નાવડી, પૃ. ૨૯૦)