કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૭. શબદના સોદાગરને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૭. શબદના સોદાગરને

ઝવેરચંદ મેઘાણી

[‘કર મન ભજનનો વેપાર’ — એ ભજન-ઢાળમાં
શબદના સોદાગરોની જાય ચલી વણજાર જી
ગગન-કેડા ધૂંધળા એની રજ તણે અંબાડ
ચલ મન શબદને વેપાર;
જી-જી શબદના વેપાર.

કોઈક લાદે પોઠિયા
કોઈ ગધે ભરતા ભાર જી;
કોઈક જોડે ગાડાંગાડી
ભીડાભીડ કતાર
જી-જી શબદના વેપાર.

નહિ જડે તુંને પોઠિયા
નવ ગધે ભર તારો ભાર જી;
આપણ કાંધે લઈ ગઠડિયાં
ઊપડ ધણીને દ્વાર
જી-જી શબદના વેપાર.

તારી જણશ વીરા જુદિયું
એના જુદા જાણણહાર જી;
જૂઠાં રે નામ એનાં પાડીશ નૈ
ભલે નવ જડે લેનાર
જી-જી શબદના વેપાર.

અતરિયો રે વીરા, એકલપંથી
બેસે ન હાટ બજાર જી;
એક જ પૂંભડે અવનિભર
એની ફોરમના છંટકાર
જી-જી શબદના વેપાર.

અતરિયા હો તારે કારણે
આજ અબજ ફૂલ બફાય જી;
અબજ માનવ-પૂંખડાં
ધગ ધગ જળે ઓરાય
જી-જી શબદના વેપાર.

એક શબદને પૂંભડે
જેની ખપે જીવન-વરાળ જી;
એવાં અબજને તોળવા
કૈંક બેઠા હાટ બકાલ
જી-જી શબદના વેપાર.

ઊછી ઉધારા અરક લઈ
માંહી ઘોળે તેલ ધુપેલ જી;
એવા સુરૈયાની કૂડી ચાલાકી,
નારી-રંજણ ખેલ
જી-જી શબદના વેપાર.

કોઈ ચાંદરણાં માગશે
કોઈ માગે રૂમઝૂમ રાત જી;
કોઈ કહે બીજી નવ ખપે
વિણ ભૂખ્યાં જનની વાત
જી-જી શબદના વેપાર.

હૈયા કેરી ધારણે
તારે ઉર ઊઠે જે સૂર જી;
એ જ સૂરોના ઈમાની ભાઈ!
ગાયા કર ચકચૂર
જી-જી શબદના વેપાર.

નહિ ચાંદો નહિ ચાંદની
નહિ નીલાં સાયર-નીર જી;
શબદને સરજે નહિ
ઘનમેહુલા ન સમીર
જી-જી શબદના વેપાર.

આતમની એરણ પરે
જે દી અનુભવ પછડાય જી;
તે દી શબદ-તણખા ઝરે
રગ રગ કડાકા થાય
જી-જી શબદના વેપાર.

ખાંપણમાંય તારે ખતા પડશે
તન હોશે તારાં ખાખ જી;
તોય શબદના દીવડા
હોશે પંથભૂલ્યાંની આંખ
જી-જી શબદના વેપાર.

શબદ-તણખે સળગશે
સૂની ધરણીના નિ:શ્વાસ જી;
તે દી શબદ લય પામશે
હોશે આપોઆપ ઉજાસ
ચલ મન શબદને વેપાર
જી-જી શબદના વેપાર.

૧૯૩૬
(સોના-નાવડી, પૃ. ૧૬-૧૮)