કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૬. ભારતતીર્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૬. ભારતતીર્થ

ઝવેરચંદ મેઘાણી

જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે
રે પ્રાણ જાગો ધીરે.

આંહીં નર-દેવ પાય, બન્ને બાહુ પસાય*,
ઊભા મહાકાય દેખ ગિરિવર સ્થિરે;
એની કીર્તિના છંદ, ગાતા નાદે બુલંદ,
પરમાનંદે હો પ્રાણ વંદો ધીરે;
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી
માનવ-ઝરણીના મહાસ્રોત વળી આવ્યા!
આર્યો ચીના દ્રવિડ, હૂણો શક અડાભીડ,
આવી આવીને સર્વ એકમાં સમાયાં.
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

ખાંડાંને ખણખણાટ, જયના લલકાર ગાત,
મદછક જે ભાતભાત આવ્યા રણ વીંધી;
આવ્યા ભેદીને પ્હાડ, દેતા દસ્યૂ-શી ત્રાડ,
ધરતી ચોગમ ઉજાડ લજ્જત સું કીધી;
આવેલા એ તમામ, થોડા દિન ધૂમધામ
ગજવીને ગયા ગળી લૂણ જેમ નીરે;
મારી રગરગ મોજાર, એ સૌની રક્તધાર
ધબકે અનિવાર આજ યુગયુગથી રે
ભારતભૂમિને લોકસાગર-તીરે.


આજે જે દૂર ખડા, પામર અભિમાની બડા,
તે સૌને થડંથડા*! કાળ નહિ ધીરે;
ગાજો રે રુદ્રવીણા! ભાંજો* સહુની ભ્રમણા!
પાછા આવીને પડે અવનત શિરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે.

એક દિન અહીં અણવિરામ, ગુંજ્યા ૐકાર-ગાન
જનજનને ચિત્તતંત્ર એક મંત્ર રણક્યો
एंकोऽहं અગ્નિ પરે, બહુજન આહુતિ ધરે,
સ્વાર્પણની વેદી તલેથી વિરાટ ડણક્યો*.
આજે એ બીજી વાર, ચેતાયે યજ્ઞ-જ્વાલ,
નમવા વિણ નહિ ઉગાર, મગદૂર શી રે!
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આજે એ યજ્ઞકુંડ, માગે છે લાખ રૂંઢ,
દુ:ખની ભેકુંડ* લાલ જલતી જ્વાલા;
એ સબ દુ:ખ વહન કરી, મર્મોનું દહન કરી,
આપે* સળગો અભાગી આતમ મારા!
તારી એ ભસ્મમાંય, લજ્જા ભય વિલય થાય,
લઘુતા ધોવાઈ જાય ગૌરવ-નીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આવો, બ્રાહ્મણ ને આર્ય, આવો, શૂદ્રો અનાર્ય,
આવો, ક્રિસ્તાન મુસલમાન ને અછૂતો,
આવો આવો, પતિત, નિશ્ચલ નિશ્ચિંત ચિત્ત,
માની મુક્તિના સર્વ સરખા દૂતો.
માના અભિષેક તણો મંગળ આ કુંભ ઊણો,
સહુને સ્પર્શે જશે ભરાઈ પુણ્યનીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે.
પસાય = પસારીને. અડાભીડ = સમર્થ. થડંથડા = શાબાશીથી ઊલટા ભાવનો સોરઠી શબ્દ. ભાંજો = ભાંગો. ડણક્યો = સિંહની પેઠે ગર્જના કરી. (સિંહની ગર્જનાને ડણક કહે છે.). ભેકુંડ = ભયંકર. આપે = પોતે.
૧૯૪૪
રવીન્દ્રનાથના કાવ્ય ‘ભારતતીર્થ’ પરથી.
(સોના-નાવડી, પૃ. ૭૮-૭૯)