કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ અને કવિતાઃ નિરંજન ભગત

યોગેશ જોષી

Niranjan-Bhagat.jpg




       પોતાને ‘આધુનિક ઔદ્યોગિક નગરનું’, ‘વીસમી સદીના પૂર્વાર્ધના સંતાન’ તરીકે ઓળખાવનાર નિરંજન ભગતનો જન્મ તા. ૧૮-૫-૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા નરહરિ હરિલાલ ભગત. માતા મેનાબહેન. કુટુંબની મૂળ અટક ગાંધી હતી પણ પિતામહ હરિલાલ ભજનમંડળીમાં સક્રિય હતા, આથી સહુએ એમને ‘ભગત’નું લાડકું નામ આપેલું. જે વંશજોની અટકમાં પરિણમ્યું. પ્રાથમિક શિક્ષણ હાજા પટેલની પોળમાં કાળુપુર મ્યુનિસિપલ શાળા નં. ૧માં. ત્યારબાદ ૧૯૩૬-૩૮માં પ્રોપ્રાયટરી સ્કૂલ તથા ૧૯૩૮-૪૪માં દામુભાઈ શુક્લ માધ્યમિક શાળા — નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની લડત માટે એમણે અભ્યાસ અને પરીક્ષાનો બહિષ્કાર કરેલો. ભગવદાચાર્ય પાસે સંસ્કૃતનો અભ્યાસ. ૧૯૪૪માં તેઓ મૅટ્રિક થયા. કૉલેજશિક્ષણ ૧૯૪૪-૪૬માં એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ તેમજ ૧૯૪૬-૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં. ૧૯૪૮માં અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ., ૧૯૪૮-૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી એમ. એ. થયા. ૧૯૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક, ૧૯૫૩થી ગુજરાત લૉ સોસાયટીમાં આર્ટ્સ વિભાગમાં અધ્યાપક, ૧૯૫૬માં બી. ડી. આર્ટ્સ કૉલેજમાં, અંતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત. પિતા પાસેથી ઉગ્ર મિજાજ અને ઊંચો અવાજ વારસામાં મળેલો ને માતા પાસેથી સ્પષ્ટ ઉચ્ચાર અને સુંદર મરોડદાર અક્ષરોનો વારસો સાંપડેલો. પિતાજી બહારગામ જાય ત્યારે ચાર-આઠ આના કે રૂપિયો શિશુ નિરંજનને આપતા એમાંથી તેઓ શાળા સામેની દુકાનમાંથી પુસ્તકો ખરીદતા. (શાળાના ઝાંપે વેચાતાં આથેલાં આમળાં, ચણીબોર કે ગોરસ આમલી નહીં.) તેઓ માત્ર દસ વરસના હતા ત્યારે, ૧૯૩૬માં પિતાએ ગૃહત્યાગ કરેલો. ત્યારથી તેઓ જેમ કવિતામાં શૈશવ તેમ જીવનમાં પિતા શોધતા રહ્યા.

       ૧૯૫૬-૫૮ દરમિયાન ‘સંદેશ’ દૈનિકની ‘સાહિત્યસાધના’ સાપ્તાહિક કૉલમમાં લેખન. ૧૯૬૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’ના સંપાદક-તંત્રીમંડળમાં જોડાયા (નગીનદાસ પારેખ તથા ભૃગુરાય અંજારિયા સાથે). ૧૯૭૭માં ‘ગ્રંથ’ સામયિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન. ૧૯૯૭-૯૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૪૯માં કુમાર ચંદ્રક, ૧૯૫૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૪માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ૧૯૯૮માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ૧૯૯૯માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક, ૨૦૦૦માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સચ્ચિદાનંદ સન્માન’, ૨૦૦૧માં નરસિંહ મહેતા ઍવૉર્ડ વગેરેથી તેઓ સન્માનિત.

        તા. ૧-૨-૨૦૧૮ના રોજ ભગતસાહેબનું મૃત્યુ થયું, સાથે ભગતસાહેબના મૃત્યુનુંય મૃત્યુ... ભગતસાહેબે એમના છેલ્લા જન્મદિવસે — ૧૮ મે, ૨૦૧૭ — કાવ્ય લખેલું — ‘મૃત્યુને’. જેમાં તેઓ મૃત્યુને સંબોધન કરે છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ —

             ‘ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
              ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.
              ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.’

        મરણોત્તર પ્રકાશિત ‘બૃહદ છંદોલય’ (સંવર્ધિત આવૃત્તિઃ ૨૦૧૮)માં નિરંજન ભગતના ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬), ‘છંદોલય’ (સંકલિત, ૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮), ‘પુનશ્ચ’ (૨૦૦૭), ‘૮૬મે’ (૨૦૧૨) તથા ત્યારબાદ રચાયેલાં અંતિમ કાવ્યોનો સમાવેશ કરાયો છે.


         નિરંજન ભગતને ‘છંદોલય’નો અદ્ભુત વારસો ‘જીન્સ’ થકી, પરિવાર તથા આસપાસના ભક્તિમય પરિવેશમાંથી સાંપડ્યો છે. ‘ભગત’દાદાના પટારામાં પડેલાં મંજીરાં, કરતાલ ને કાંસીજોડા પર નાનકડો નિરંજન હાથ અજમાવતો. દાદીમા જેકોરબા રોજ રાતે હીંચકે બેસીને નિરંજનને ખોળામાં સુવાડીને આખ્યાનો ગાતાં. દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં બાપદાદાનું ઘર. ત્યાં પાસેના ખાંચામાં મોટું વૈષ્ણવમંદિર. એમાં તેઓ સાતતાળી ને સંતાકૂકડી રમતા ને રાજભોગની પત્રાળી જમતા. રોજેરોજ એ વૈષ્ણવમંદિરમાં થતાં ભજનકીર્તન, હવેલી-સંગીત, રોજરોજનાં દર્શનો, ઋતુએ ઋતુનાં ઉત્સવો, અબીલ-ગુલાલનાં રંગ-ઉમંગો ને અત્તરની માદક સુગંધ, ઘીથી મઘમઘ ખાસાપુરી અને સાકરથી રસબસ ઠોરનો સ્વાદ — આ બધું જાણે-અજાણે એમની ચેતનામાં ઊંડે ઊતરતું જતું, લલિત લયસ્વરો એમની કર્ણચેતનામાં રોપાતા જતા. કહો કે નાનપણથી જ એમની ચેતનામાં ‘છંદોલય’ આકાર ધારણ કરતો જતો.

         એમના કાકા રામહરિ ભગત અંગ્રેજી સાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી હતા. લંડન જઈને તેઓ બૅરિસ્ટર થયેલા પણ પરત આવ્યા બાદ ત્રીસની વયે ક્ષયરોગથી અવસાન પામ્યા. નિરંજન ભગતના જન્મપૂર્વેની આ ઘટના હતી, પણ નાનકડા નિરંજનને કાકા રામહરિ ભગતનો અમૂલ્ય વારસો મળેલો — એક પટારામાં ત્રણસો જેટલાં અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકો, વિલાયતી કપડાં અને લંડનનો એક નકશો! નાનપણમાં તેઓ એ નકશો વારંવાર ખોલીને લંડનના અસલ રાજમાર્ગો પર પદપ્રવાસનાં સ્વપ્નાં જોતા.

        પિતાના ગૃહત્યાગ બાદ બત્રીસ વર્ષની માતા ત્રણ સંતાનો સાથે પિયર આવી. પિયરમાં પાંચ નાના ભાઈઓ અને પાંચ ભાભીઓના વિશાળ હિન્દુ સંયુક્ત કુટુંબમાં દસ વર્ષના નિરંજનને એકાન્ત અને એકલતાનો પ્રથમ અનુભવ થયો, જે છેવટ સુધી રહ્યો; પછી નગર નગરના ટોળામાં (અમદાવાદ, મુંબઈ, લંડન, પૅરિસ) એકાન્ત અને એકલતાનો અનુભવ તીવ્રતર થતો ગયો. એમ. જે. પુસ્તકાલયના કારણે એકાન્તમાં જીવવાનું અને એકલતા જીરવવાનું શક્ય, સહ્ય બન્યું. નિરંજન ભગતે કેફિયતમાં નોંધ્યું છે —

       ‘આમ મોસાળમાં પંદરેક સભ્યોની વચમાં વસવાનું અને લાઇબ્રેરીમાં એકાંત અને એકલતામાં વસવાનું. એથી હૃદયનો વિસ્તાર અને બુદ્ધિનો વિકાસ એ બંનેને માટે અવકાશ હતો. સદ્ભાગ્યે, હૃદય અને બુદ્ધિ વચ્ચે સમતુલા રચાતી આવતી હતી. એથી જીવનમાં એક પ્રકારની તટસ્થતા હતી. પછીથી જીવનભર આ એકાંત અને એકલતાને સભર અને સમૃદ્ધ કરવાનો મેં કવિતામાં પ્રયત્ન કર્યો છે, નિષ્ફળ પ્રયત્ન કર્યો છે.’

        શાળામાં એમને અમુભાઈ પંડ્યા જેવા શિક્ષક મળ્યા. તેઓ વિદ્યાર્થીઓને કાવ્ય રચવા પ્રેરતા. ‘પૂર્વાલાપ’નાં કાવ્યોના ભાવવાહી પઠન દ્વારા એમણે પિંગળ ભણાવ્યું હતું. ઘરે સંસ્કૃતનો તથા શાળામાં ફ્રેન્ચનો અભ્યાસ. અંગ્રેજીમાં એમણે રવીન્દ્રનાથકૃત ‘ગીતાંજલિ’નું વાચન કર્યું. ત્યારબાદ અંગ્રેજીમાં સો ગદ્યકાવ્યો રચેલાં. સ્વપ્રયત્નથી તેઓ બંગાળી શીખ્યા. બંગાળીમાંય એમણે એકાદ-બે કાવ્યો રચ્યાં. પછીથી ગુજરાતીમાં, માતૃભાષામાં જ કાવ્યો રચ્યાં. તેઓ હાઈસ્કૂલમાં હતા ત્યારે ખાદી પહેરતા, રેંટિયો કાંતતા. ૧૯૪૧માં તેઓ બારડોલી આશ્રમમાં રહેલા; સત્યાગ્રહ સરઘસમાં લાઠીમારમાં જમણા હાથનું હાડકું ભાંગેલું. પછીથી કુટુંબનો જમણો હાથ ન ભાંગે એ પસંદ કરેલું.

        ‘કુમાર’ની ‘બુધસભા’માં તથા ‘ગતિ-રેખા’ કાર્યાલયમાં તેમનું ઘડતર થવા લાગ્યું. રાજેન્દ્ર શાહ તથા જયંતિ દલાલના સાન્નિધ્યમાં તેઓ ‘સાહિત્યના એક વિશાળ જગતના રાજમાર્ગ પર રમતા-ભમતા’ થયા. અમદાવાદમાં પ્રિયકાન્ત, હસમુખ, નલિન, બી. કે. મજમુદાર, એસ. આર. ભટ્ટ સાથે મૈત્રી થઈ. તો મુંબઈમાં એમને રાજેન્દ્ર, મડિયા, હરિશ્ચંદ્ર અને બ.ક.ઠા. મળ્યા. નિરંજન ભગતે નોંધ્યું છે —

        ‘હરિશ્ચંદ્રને કારણે એમની અંગત લાઇબ્રેરીમાં વિશ્વકવિતાનો પરિચય થયો. એમાં સૌથી વધુ પ્રિય રિલ્કે અને સૌથી વધુ આત્મીય બૉદલેર.’

        આમ નિરંજન ભગતની ભાવકચેતના અને સર્જકચેતના સમૃદ્ધ થતી ગઈ.


        નિરંજન ભગતનો કવિસ્વર એમના પુરોગામી તથા સમકાલીન કવિઓ કરતાં અલગ પડે છે. એમના ‘કવિસ્વર’માં સૌંદર્યબોધના બદલે ‘આધુનિકતા’નો રણકો વધારે પ્રગટ થાય છે, તથા આધુનિકતા અને નગરકાવ્યોને અનુરૂપ આગવી કાવ્યબાની પણ ઊઘડતી જોવા મળે છે. નિરંજન ભગત અગાઉ, કાવ્યમાં આવાં શબ્દો આવી શકે કે આવીય કાવ્યબાની હોઈ શકે એની કલ્પનાય કોઈ કવિએ કે વિવેચકે નહીં કરી હોય... જેમ કે —

           ‘સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
            તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;’

         અક્ષરમેળ ઉપરાંત માત્રામેળ છંદો પરનું એમનું પ્રભુત્વ અને પ્રાસલીલા થકી એમનાં કાવ્યોમાં આગવો ‘છંદોલય’ પ્રગટે છે અને વહે છે ખળખળ! ઘણાંબધાં કાવ્યો તો વાતચીતની ભાષામાં લખાયેલાં અછાંદસ ભાસે એવું સહજ કામ એમણે વનવેલી પાસેથી લીધું છે. માત્રામેળ છંદોમાં ગીતોય રચ્યાં છે.

         ૧૮૫૭માં પૅરિસમાં આધુનિકતાની અને નગરકાવ્યોની શરૂઆત થઈ. બૉદલેર પાસેથી પૅરિસ વિશેનાં આધુનિક નગરકાવ્યો મળ્યાં. ગુજરાતીમાં આધુનિકતાની અને નગરકાવ્યોની શરૂઆત નિરંજન ભગતથી થઈ. ૧૯૪૬થી ૧૯૫૬નાં દસ વર્ષમાં ‘પ્રવાલદ્વીપ’નાં આધુનિક નગરકાવ્યો રચાયાં. બૉદલેરનાં નગરકાવ્યોમાં પૅરિસ — એક આધુનિક નગર; તો નિરંજન ભગતનાં ‘પ્રવાલદ્વીપ’નાં ૧૬ કાવ્યોનો વિષય છે મુંબઈ — એક આધુનિક નગર. ના, બૉદલેરના સંસ્કાર ઝીલીને આ કાવ્યો નથી રચાયાં. નિરંજન ભગતની સર્જકચેતનામાં મુંબઈ — એક આધુનિક નગર ઊંડે ઊતર્યું છે અને એમાંથી આ કાવ્યો પ્રગટ થયાં છે. ‘પ્રવાલદ્વીપ’નું પહેલું કાવ્ય ‘મુંબઈનગરી’ — કેવા અદ્ભુત ચિત્રાત્મક કલ્પનથી ઉઘાડ પામે છે!

           ‘ચલ મન મુંબઈનગરી,
            જોવા પુચ્છ વિનાની મગરી!’

          ‘નગરી’ સાથે ‘મગરી’નો પ્રાસ તો જાણે સરસ; પણ સવાલ થાય કે, મુંબઈને પુચ્છ વિનાની મગરી કેમ કહી?! માત્ર પ્રાસ મેળવવા?! ના, નકશામાં મુંબઈનગરીનો ‘આકાર’ જુઓ — પુચ્છ વિનાની મગરી જેવો લાગે છે? વળી, ‘પુચ્છ’ હોય તો ‘મગરી’નું હોવું સાર્થક; પણ આ તો ‘પુચ્છ વિનાની મગરી’ — કહી absurdityની તીવ્ર ધાર કાઢી છે આ કવિએ.

          એમનાં નગરકાવ્યોમાં આપણે ‘મુંબઈ’ નિમિત્તે એક આધુનિક ‘વિશ્વનગર’નું તથા ‘નગરવિશ્વ’નું ચિંતન સહ દર્શન કરી શકીએ — આધુનિક નગરના અને આધુનિક મનુષ્યના આગવા, વિલક્ષણ કરુણ સાથે. આધુનિક નગરના આધુનિક મનુષ્યની જિંદગીય ઍક્વેરિયમમાંની માછલી જેવી જ ને! ‘ઍક્વેરિયમમાં’ની આ પંક્તિઓ જુઓ —

             ‘તરે છ માછલી,
                 ન જિંદગી સ્મરે છ પાછલી?
               ... ...
               ... ...
               વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા
               અને ન ક્યાંય પ્હોંચવું,
               સદાય વેગમાં જ પંથ કાપવા,
               ન થોભવું, ન શોચવું.’

          આધુનિક જીવનની અને આધુનિક નગરની absurdity આ કાવ્યોના આંતરવહેણમાં વહે છે. ‘પાત્રો’માં આ absurdity તીવ્રતાથી વ્યક્ત થાય છે. વિધિની વક્રતાની પરાકાષ્ઠા સાથે, મનુષ્યનિર્મિત વક્રતાની પરાકાષ્ઠા સાથે, ‘કરુણ કટાક્ષ’ની; કહો કે ‘કરુણ હાસ્ય’નીય પરાકાષ્ઠા ‘પાત્રો’માં છે. ભગતસાહેબે ‘પાત્રો’ને એક ઍબ્સર્ડ નાટક કહ્યું છે.

          ગૌરવ પુરસ્કારના પ્રતિભાવરૂપે ‘પ્રવાલદ્વીપ’ વિશે નિરંજન ભગતે કહેલું એમાંથી થોડુંક —
          “ ‘પ્રવાલદ્વીપ’ એટલે પરવાળાનો ટાપુ, આમ શીર્ષકમાં જ કરુણ કટાક્ષ છે.”
                                                                               

*



          “મુંબઈ ચિત્તની એક અવસ્થા છે, સંવેદના છે.”

*



           “આ કાવ્યોમાં એકલા, અટૂલા મનુષ્યના ચિત્ત પર, સંવેદન પર મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોનો પ્રભાવ અને પ્રત્યાઘાત છે. ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો ચિન્તનોર્મિ કાવ્યો છે.”

           ‘પાત્રો’ના ‘કરુણ હાસ્ય’ વિશે ભગતસાહેબે નોંધ્યું છે —

           “આ હાસ્યમાં કરુણનો તિરસ્કાર કે બહિષ્કાર નથી, બલકે કરુણનો આવિષ્કાર અને પુરસ્કાર છે. આ હાસ્ય કરુણને અતિક્રમે છે, કરુણથીયે વિશેષ કરુણ છે. એમાં અશ્રુને અવકાશ નથી, કારણ કે અશ્રુમાં આશા અને અપેક્ષા હોય છે, આશ્વાસન હોય છે, અહીં તો અતલ નિરાશા ને નિર્વેદ છે, નિઃશેષ નિઃસારતા અને નિરર્થકતા છે.”

           “ ‘પાત્રો’માં બોલચાલની ભાષામાં લય, લહેકા, લહેજા, લઢણ, કાકુઓ તથા વક્રતા ઉપસાવવા માટે પ્રાસયુક્ત પરંપરિત હરિગીત સાનુકૂળ નીવડ્યો છે. આ હરિગીત માટે ભૃગુરાયે કહેલું, ‘ગુજરાતી કવિતામાં આવો હરિગીત વાંચ્યો નથી.’ આ કાવ્યમાં હરિગીતનો ઉદ્ધાર થયો છે.” કાન્તની જેમ ભગતસાહેબમાં પણ છંદો આગવો ઉઘાડ પામે છે.

           ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં આધુનિક નગરની યાંત્રિકતા અને આધુનિક મનુષ્યની એકવિધતાને તીવ્રતર કરવા માટે પ્રાસયુક્ત પરંપરિત ગુલબંકી છંદ પણ માત્ર ભગતસાહેબ જ યોજી શકે તેવો આગવો છે. ‘પ્રવાલદ્વીપ’ અગાઉ ‘અલ્પવિરામ’(૧૯૫૪)માંના લઘુકાવ્ય ‘એકસુરીલું’માં પણ આધુનિક નગરની અને આધુનિક મનુષ્યની એકવિધતા વિલક્ષણ રીતે ધ્વનિત-વ્યંજિત થાય છે —

            એકસુરીલું

              એ જ તેજ
              એ જ ભેજ
              એ જ સેજ
              એ જ એ જ
              એ જ બે પગા
              લગા લગા લગા લગા...

            આ કવિએ મુંબઈના ધોધમાર, મુશળધાર વરસાદનેય ભરપૂર માણ્યો છે ને આવા વરસાદમાં છજા હેઠળ પારેવાંય ટીકી ટીકીને નીરખ્યાં છે. રિલ્કેએ કહેલું, જેની કવિતા રચવી હોય એને ચેતનામાં રોપાય ત્યાં લગી નીરખ્યા કરો. મુંબઈના વરસાદનું અને પારેવાંનું કેવું ગતિશીલ, ધ્વનિસભર ચિત્ર ‘પારેવાં’માં મળે છે! —

              ‘ઝૂકી ઝૂકી આભથી સારા
              ઝીંકાતી આષાઢ ધારા,
              ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
              નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!’

*



             ‘જલભીંજેલી શિથિલ પાંખો
             શીત સમીરે કેટલું ધ્રૂજે,
             જાણે કોઈ દીપક બૂઝે
             એમ એ રાતા રંગની આંખો
             પરે વળી વળી પોપચાં ઢળે,
             ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!’

             પૂજાપાઠ ન કરનાર, મંદિરમાં ન જનાર, ‘ભગવાન સાથેનો સંબંધ ખાનગીમાં વિચાર રૂપે કે જાહેરમાં વાણી અને વર્તન રૂપે’ વ્યક્ત ન કરનાર ભગતસાહેબ પાસેથી ‘હરી ગયો’ જેવું ચિરંજીવ ગીત મળે છે —

               હરિવર મુજને હરી ગયો!
               મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

            જનમોજનમના કાળને એમણે અખિલાઈમાં નીરખ્યો છે, આથી જ તો એક જનમનો સંગ એમને ‘ઘડીક સંગ’ લાગે છે, અને આ ‘ઘડીક સંગ’ જીવન સાર્થક કરે છે —

               કાળની કેડીએ ઘડીક સંગ,
               રે ભાઈ, આપણો ઘડીક સંગ;
               આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

            આ ઉપરાંત એમની પાસેથી ‘ધરતીની પ્રીત’, ‘એટલો ર્હેજે દૂર,’ ‘ઘટને લ્હેરવું ગમે’, ‘આષાઢ આયો’, ‘પથ્થર થર થર ધ્રૂજે’, ‘ફરવા આવ્યો છું’ જેવાં ચિંતનોર્મિ, દર્શનોર્મિ ગીતકાવ્યો મળ્યાં છે. ‘શ્વેત શ્વેત’ જેવાં છાંદસગીતો; ‘પિતા—’ એમનું મહત્ત્વનું, ચિંતન-દર્શન રજૂ કરતું સૉનેટ — પિતાના ગૃહત્યાગનો કરુણ એમના ચિત્તમાં ઘૂંટાયા કરતો, એમાંથી પ્રગટેલું આ સૉનેટ, તદુપરાંત ‘કરોળિયો’ ‘મોર’ જેવાં વિલક્ષણ સૉનેટ; ‘મુંબઈનગરી’, ‘ઝૂમાં’, ‘એક્વેરિયમમાં’, ‘પાત્રો’, ‘ગાયત્રી’ જેવાં આધુનિક નગરકાવ્યો; ‘હાથ મેળવીએ’, ‘ઘર’, ‘પૂંઠે પૂંઠે’ જેવાં કાવ્યો આ આધુનિક કવિ પાસેથી સાંપડ્યાં છે.

            યંત્ર અને મંત્ર વચ્ચેનો સંઘર્ષ અને સમાધાન અને આહ્વાન એ કવિ નિરંજન ભગતના જીવનનો તેમજ કવિતાનો સમાજસંદર્ભ, યુગસંદર્ભ રહ્યો છે.

                                                                              ૨૫-૬-૨૦૨૧
                                                                               અમદાવાદ

યોગેશ જોષી