કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ

‘વસંતધર્મી’ મહાકવિ ન્હાનાલાલનો જન્મ ૧૬મી માર્ચ ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. પિતા કવિશ્રી દલપતરામ. માતા રેવાબા. પત્ની માણેકબા. ૧૮૮૨થી ૧૮૯૨ દરમિયાન તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લોધિકા, સાવરકુંડલા, અમદાવાદ અને વઢવાણમાંથી મેળવ્યું હતું. ૧૮૯૩માં મોરબી હાઈસ્કૂલમાં ગુરુ કાશીરામ દવે પાસે અભ્યાસ માટે તેમને મોકલ્યા. ત્યાં તેમનું ઘડતર થયું. તેમના જીવનને દિશા મળી. મૅટ્રિક થયા. ૧૮૯૪માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રીવિયસમાં અભ્યાસ શરૂ કર્યો. પરંતુ તેમનું ધ્યાન કવિતા અને ક્રિકેટમાં વિશેષ હતું એ કારણે તેઓ નાપાસ થયા. ૧૮૯૪માં પાસ થયા. ૧૮૯૬માં તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર પાસ થયા. ૧૮૯૯માં તેઓ પૂનાની ડેક્કન કૉલેજમાંથી બી.એ. થયા. ૧૯૦૧માં મુખ્ય વિષય ઇતિહાસ સાથે એમ.એ. થયા. ૧૯૦૨માં સ્કૉટ કૉલેજ, સાદરામાં જોડાયા. ૧૯૦૪માં રાજકુમાર કૉલેજ, રાજકોટમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૧૩માં રાજકોટ સ્ટેટમાં સરન્યાયાધીશ અને નાયબ દીવાન તરીકે જોડાયા. પ્રથમ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી. બીજી એલએલ.બી.ની પરીક્ષા ન આપી. ૧૯૧૬ રાજકુમાર કૉલેજ, રાજકોટમાં ફરીથી અધ્યાપક અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે જોડાયા. ૧૯૧૮માં કાઠિયાવાડના કેળવણી ખાતામાં ઉપરી અધિકારી. ૧૯૨૧માં રાષ્ટ્રીય અસહકારના આંદોલનના કાર્યકરો સામે સરકારની દમનનીતિના વિરોધમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું. ૯મી જાન્યુઆરી, ૧૯૪૬ના રોજ તેમનું અવસાન થયું.

રમતગમતનો ખૂબ શોખ હોવા છતાં વિદ્યાર્થીજીવનમાં જ તેમણે સાહિત્યસર્જનને પોતાના જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવવાનો નિર્ણય લીધેલો. ૧૮૯૨થી તેમની કાવ્યસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી. એ સમયે તેમણે મિત્રને આશ્વાસન આપતું પ્રથમ કાવ્ય સર્જેલું. જોકે આ પ્રવૃત્તિ પિતાથી છાની રીતે કરતા હતા. ૧૮૯૭માં ‘જ્ઞાનસુધા’માં ‘શ્વેતાંબરી સંન્યાસિની કાવ્ય ‘પ્રેમભક્તિ’ તખલ્લુસ સાથે પ્રગટ થયેલું. પિતા દલપતરામે એ કાવ્યના પ્રાસ વિશે ટીકા કરેલી. ૧૮૯૮માં પિતા દલપતરામનું અવસાન થયું. એ જ વર્ષે ન્હાનાલાલને કવિ તરીકે પ્રસિદ્ધિ અપાવનાર કાવ્ય ‘વસંતોત્સવ’ પ્રગટ થયું, જે અપદ્યાગદ્ય શૈલીમાં લખાયેલું હતું. ન્હાનાલાલે પિતાના પગલે ચાલવાનો નિર્ણય કર્યો. કવિતાની કેડીએ પ્રયાણ કર્યું. ન્હાનાલાલની કવિ-પ્રતિભાને ઘડનારાં પરિબળોમાં કવિ પિતા દલપતરામ, ગુરુ કાશીરામ દવે, સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્કારો, વૈષ્ણવધર્મની અસર તેમજ યુનિવર્સિટી, શિક્ષણનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. આ ઉપરાંત તેમના સમકાલીન પુરોગામીઓની અસર તેમજ પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યનો ઘનિષ્ઠ અભ્યાસ તેમની કવિતાનાં પ્રેરકબળો રહ્યાં છે. ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’માં કવિએ પાશ્ચાત્ય સર્જકો વર્ડ્ ઝવર્થ, સેલ્વી, બેઇન, બર્ક, મિલ્ટન, ટેનિસ ચેધામ, મેથ્યુ આર્નોલ્ડ વગેરેનો પ્રભાવ હોવાનું નોંધ્યું છે. તેમના મહત્ત્વના કાવ્યસંગ્રહોમાં ‘કેટલાંક કાવ્યો’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ (૧૯૦૩, ૧૯૦૮ અને ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ (૧૯૧૦, ૧૯૨૮ અને ૧૯૩૭), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ’પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૧૯૪૦) વગેરેનો સમાવેશ થાય છે. કવિશ્રી ન્હાનાલાલે ગીત, ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, આખ્યાનકાવ્ય એમ બધા જ કાવ્યપ્રકારોમાં હાથ અજમાવ્યો છે. કવિતા ઉપરાંત નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર એમ દરેક ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સર્જન કર્યું છે. એ ઉપરાંત તેમણે અનુવાદો અને અનુસર્જન પણ કર્યાં છે.

કવિતાને ‘ચિત્તપ્રસન્નતાનો પ્રસાદ’ કહેનારા કવિશ્રી ન્હાનાલાલ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ઊર્મિકવિ છે. કવિશ્રી નિરંજન ભગતના શબ્દોમાં : ‘કવિ-કલાકાર તરીકે ન્હાનાલાલનું ઉત્તમોત્તમ, એમની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એમની ઊર્મિકવિતાને કારણે.’ કવિશ્રી ન્હાનાલાલની કવિતામાં જીવનનો આનંદ, ઉલ્લાસ, જીવનનું માધુર્ય, જીવનનું સૌંદર્ય પ્રગટ થાય છે. નારીહૃદયના ઋજુ-કોમળ ભાવોને નિરૂપતાં કાવ્યોમાં કુમારિકાનાં સ્વપ્નો, મુગ્ધાના મનોભાવો, મિલન-વિરહ, દામ્પત્યપ્રેમ-સ્નેહ અને જીવન-સાફલ્યનું ગાન ગાનારા આ કવિ પ્રણયના ભાવોને સહજતાથી નિરૂપે છે. તેમનાં પ્રણયકાવ્યોમાં સૌંદર્યના આનંદ સાથે સંયમ અને પવિત્રતા પણ નિખરે છે, તો કવિનો રંગદર્શી સ્વભાવ પણ પ્રગટ થાય છે. પ્રકૃતિના વિવિધ તત્ત્વોનું આલંબન લઈને કવિએ પ્રણયભાવોનું સુંદર નિરૂપણ કર્યું છે. તેમના કાવ્યોમાં સંવેદનની તીવ્રતા, ભાવાનુરાગ અને કલ્પનામાં રસાઈને પ્રણયમાધુર્ય પ્રગટે છે. તેમનું મધુર દામ્પત્યજીવન તેનું નિમિત્ત છે. ‘કેટલાંક કાવ્યો’ ભાગ-૧માં મૂકેલું અર્પણકાવ્ય ‘પ્રાણેશ્વરી’ એનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં પત્ની પ્રત્યેનો ઉત્કટ પ્રેમ આદરભાવ સાથે વ્યક્ત થયો છે. તો ‘લગ્નતિથિ’માં કવિ અને કવિપત્નીની જીવનયાત્રાનું સરસ ચિત્રાલેખન છે. શૈશવકાળમાં લગ્ન થયેલાં એ સમયની સ્મૃતિ:

‘તું ખેલતી ફૂલવતી તટવાટિકામાં,
હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;
હા ! એકદા ! ધવલ વેળુ વિશે કિનારે
ભેળાં મળ્યાં, અણચિતાં રમવા જ લાગ્યાં.’

વર્ષોવર્ષ આવતી લગ્નતિથિ એ દામ્પત્યપ્રેમ દ્વારા દામ્પત્યજીવનના વિકાસનું પગથિયું છે, એવો આદર્શ કવિતામાં વ્યક્ત થાય છે. તો ‘તાદાત્મ્ય’માં નવજાત બાળકીને ચુંબન કરતી માતાને પરદેશ ગયેલા પતિની સ્મૃતિ –

‘ધારે કાન્તિ નવીન, ચૂમતી સુન્દરી બાલશોભા :
વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિભા બાળુડી આ ત્હમારી.’

તો ‘મણિમય સેંથી’માં કવિ જીવનસંગિનીની સેંથીમાંનું સિંદૂર જીવનની વિકટ પરિસ્થિતિમાં પણ તેમના જીવનપથને પ્રકાશિત કરશે તેવી પ્રેમાનુભૂતિ વ્યક્ત કરે છે. ‘કુલયોગિની’ કાવ્યમાં પરદેશ ગયેલા પતિને તેની પત્ની અને બાળકનું સ્મરણ થાય છે. એ સમયે પત્નીનું વર્ણન કરતાં કવિ વિશ્વની સર્વે ગૃહિણીઓને ‘કુલયોગિની’ તરીકે સંબોધે છે, નવાજે છે. એમાં ગૃહિણીના વાસ્તવ અને આદર્શ બંનેને નિરૂપ્યાં છે. ‘શરદપૂનમ’ એ કવિના સમગ્ર દામ્પત્યજીવનનું ઉત્તમ કાવ્ય છે. શરદઋતુના ચંદ્રની આકાશયાત્રા સાથે કવિએ દામ્પત્યપ્રેમની યાત્રા વર્ણવી છે. વિશ્વના વિશાળ તટ પર અગાધ એકાન્ત પ્રસરેલું છે. આભની ઘટા પ્રશાંત હતી. હૈયામાં, અંતરીક્ષમાં પણ પરમ શાંતિ હતી. સાગર પણ તેની માઝામાં હતો. પરંતુ સંધ્યાના ‘મહાઆરે’ પૂર્ણિમાને ઊગતી નિહાળી, ધીરે ધીરે ચંદ્રકલા કેવી ખીલી અને પછી શું થયું ?

‘ઝીલી પ્રિયાનયનનાં શર, ને વીંધાઈ,
પોઢ્યો હતાશ પ્રિય મૂર્છિત રૂપદર્શે,
તે વ્હાલી સ્પર્શથી સચેતન થાય, તેમ
જાગ્યો નૃલોક નવચેતન ચંદ્રીસ્પર્શે.
મીઠા મ્હેરામણે ક્ ય્હાંક વાદળી કોક વર્ષશે,
અને કો છીપમાં આજે મેઘનાં મોતીડાં થશે.’
‘એ રત’માં કવિએ વસંતઋતુના સૌંદર્યના વર્ણન સાથે પ્રિયજનની રાહ જોતી નવયૌવનાના હૈયાને આમ વાચા આપી છે :
‘મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
એ રત આવી, ને રાજ ! આવજો !

‘યૌવના’માં પણ કવિએ વિવિધ ઋતુ અને પ્રહરનું વર્ણન કરતાં યૌવનાના ચિત્તમાં શા વિચારો ચાલતા હશે તેનું સરસ નિરૂપણ કર્યું છે. ન્હાનાલાલનાં કાવ્યોમાં પ્રકૃતિનાં સૌમ્ય અને ભવ્ય રૂપો કલ્પન તરીકે પ્રયોજાયાં છે. ઋતુઓ, સૂર્ય, ચંદ્ર, તારા, સાગર, ઉષા, સંધ્યા, કોયલ, મોર, ફૂલો વગેરે તેમની કાવ્યસૃષ્ટિમાં કલ્પન અને પ્રતીક તરીકે કાવ્યરૂપ પામે છે. ‘ઝીણા ઝીણા મેહ’ કાવ્યમાં જુઓ :

‘ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચૂંદલડી.’

ઝરમર વરસતો મેહ કુમારિકાના હૈયામાં નિર્મળ પ્રેમની સંવેદનાને અંકુરિત કરે છે. સમગ્ર પ્રકૃતિ એ પ્રેમવર્ષાને જાણે વધાવે છે. પ્રિયતમને પણ મધુર રસથી ભરપૂર ચંદ્ર તરીકે નિરૂપ્યો છે. તો ‘ફૂલ હું તો ભૂલી’ ગીતમાં પ્રિયતમની સ્મૃતિમાં લીન પ્રેમિકા વેણી ગૂંથતાં તેમાં ફૂલ ગૂંથવાનું જ ભૂલી જાય છે. ‘સોણલા’ ગીતમાં વિરહમાં ઝૂરતી નાયિકાના હૈયાની વ્યથા નિરૂપી છે. તો ‘સૂનાં સૂનાં સ્નેહધામ’માં નાયિકાની વિરહવ્યથા આલેખતાં કવિએ નાયિકાની એકલતાના સુંદર શબ્દચિત્રો નિરૂપ્યાં છે. આ કવિ ‘વસંતના વૈતાલિક’ છે. વસંતઋતુ એ યૌવનના ઉલ્લાસની અને જીવનના નવસર્જનની ઋતુ છે. ‘વસન્ત લ્યો’માં જુઓ :

‘રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો;
હો રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકીઃ
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.’
કવિની દૃષ્ટિમાં જ જીવનનો ઉલ્લાસ, આનંદ, ગૌરવ અને ભવ્યતા છે. વસન્તોત્સવ માણનારા આ કવિએ ‘ગિરનારને ચરણે’, ‘ચારુવાટિકા’ અને ‘હો રણને કાંઠલડે રે’ જેવાં સ્થળ-વિષયક કાવ્યોમાં પણ પ્રકૃતિને સુંદર રીતે તાદૃશ્ય કરી છે. એ સાથે તેની ઇતિહાસકથાઓને પણ નિરૂપી છે. ‘વીરની વિદાય’ જેવા વીરરસના ગીતમાં યુવાન પત્ની યુદ્ધ માટે સજ્જ થયેલા પતિને રણની વાટે સિધાવે છે. તો ‘કાઠિયાણીનું ગીત’માં ગાયના ધણને પાછા વાળવા ગયેલો સાવજ જેવો શૂરવીર પતિ ધીંગાણામાં વિજયી બનીને પાછો ફરશે – એની વાટ જોતી કાઠિયાણીના હૈયાનાં સંવેદનો લોકબોલીના શબ્દોનો ઉપયોગ કરીને, સુંદર પ્રકૃતિચિત્રો સાથે નિરૂપાયાં છે.
‘આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્યહાં ગોરંભે કાંઈ ગીર.,
કુંજ બોલે મોરલો, મ્હારે હૈયે નણદલ વીર :
--- --- ---
--- --- ---
નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળા કેશ,
ધણ વાળીને વળશે મ્હારો કંથડ જોબનવેશ :’

કવિએ વ્યક્તિ-વિષયક કાવ્યો પણ લખ્યાં છે. ‘પિતૃતર્પણ’ એ તેમના પિતા કવિશ્રી દલપતરામના અવસાનનાં બાર વર્ષ પછીથી લખાયેલું કાવ્ય છે. બાર વર્ષ પછી પણ તેમનાં સંસ્મરણો તરોતાજાં છે. પિતા-પુત્રના સંબંધમાં ક્યારેક પિતાની અવગણના થયેલી છે. તેનો અપરાધભાવ કવિ અનુભવે છે. તેમાંથી પ્રગટ થતી પશ્ચાત્તાપની વેદના કાવ્યમાં પ્રગટ થાય છે. કાવ્યમાં પિતાના ગુણોનું આલેખન કવિ કરે છે. પોતાના જીવનમાં કવિતાની વસંત ખીલી છે તેનો યશ પિતાને અર્પે છે:

<poem> ‘બહુ અવગણ્યા, તાત ! અસત્કાર્યા, અનાર્ઘ્યા; ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા. ખીજવ્યા, પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું; ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા : સહુ ગયું ! --- --- --- --- --- --- વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિંધુ ગર્જતો, ને સિંધુના ઊંડા નીરે મુક્તાપુંજ વિરાજતો : ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા, અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા : --- --- --- --- --- --- પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં, ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા.’ ‘ગુરુદેવ’ કાવ્ય તેમના વિદ્યાગુરુ અને જીવનગુરુ, મોરબી હાઈસ્કૂલના આચાર્ય કાશીરામ દવેને અંજલિ આપતું કાવ્ય છે. જેમને લીધે ન્હાનાલાલે અભ્યાસ પણ કર્યો, ન્હાનાલાલના જીવનને દિશા મળી અને દીક્ષા પણ મળી. ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે કવિએ ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય રચ્યું, જે તેમની વિશિષ્ટ ડોલનશૈલીમાં લખેલું છે. જેમાં ગાંધીજીના જીવનના સાધુત્વ અને સેવાપરાયણતાનું સુંદર આલેખન છે. તેમાં ગાંધીજીની પચાસમી જન્મજયંતીની ઉજવણીનો આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ પ્રગટ થાય છે. આ તો તપસ્વીનો ઉત્સવ છે, એની ઉજવણી પણ વિશિષ્ટ હોય. જુઓ : ‘મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો, પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, આજે પચ્ચાસ વર્ષનો ઉત્સવ છે.’ સમગ્ર કાવ્યમાં ઇતિહાસનું આલેખન કર્યું છે. કવિએ ગાંધીજીને સંસારી સાધુ, ઈસુના અનુજ, મહાવૈષ્ણવોના વંશજ, નરસિંહ મહેતા, કૃષ્ણ, સુદામા, નિષ્કામ કર્મયોગી તરીકે નિરૂપ્યા છે. ગુજરાતનું મહિમાગાન કરતું કાવ્ય ‘ગુજરાત’માં કવિનો ગુજરાત માટેનો પ્રેમ છલકાય છે. ગુજરાતની યશગાથાનું ગાન કરતાં કવિએ ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પ્રકૃતિસૌંદર્યનું યથાતથ આલેખન કર્યું છે. આ ચિરંજીવ કાવ્ય છે : ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !

આપણો ગુણિયલ ગુર્જર દેશ;

કૃષ્ણચંદ્રની કૌમુદીઊજળો,

કીધ પ્રભુએ ય સ્વદેશ :
આપણો ગુણિયલ ગુર્જર દેશ.
--- --- ---
--- --- ---

હિન્દ માતની લાડીલી બાળ! ગુર્જર! જય! જય! તવ ચિરકાળ! ‘પ્રેમભક્તિ’ તખલ્લુસથી કાવ્યસર્જનની શરૂઆત કરનારા આ કવિની કાવ્યસૃષ્ટિમાં પ્રેમ, પ્રકૃતિ, પ્રણય, દામ્પત્યસ્નેહના કાવ્યોનો ફાલ વિશાળ છે. તેમ છતાં આ કવિને ઈશ્વરની ઝાંખી કરવાની પણ અદમ્ય ઇચ્છા છે. તેમણે કૃષ્ણ-ગોપીની કલ્પનાયુક્ત ભક્તિકાવ્યો પણ આપ્યાં છે, જેમ કે, “હરિ આવોને”ઃ “આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવોને., આ ધરતીએ ધરિયા સોહાગ., હવે તો હરિ! આવોને.” જ્યારે ‘હરિદર્શન’માં હરિને મળવાની ઉત્કટ તાલાવેલી છે અને હરિને ન ઓળખી શકવાની વેદના પણ છેઃ “મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરીઃ એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.” આ ઉપરાંત ‘પરમ ધન’, ‘મ્હારે જાવું પેલે પાર’, જેવા ઈશ્વર ઝંખનાના, પ્રભુ પ્રેમનાં કાવ્યો – ભક્તિગીતો આપ્યાં છે. ઈશ્વરને અને સમગ્ર બ્રહ્માંડના વિરાટ અને ભવ્ય સ્વરૂપને પામવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં ‘બ્રહ્મવીંઝણો’ અને ‘વિરાટનો હિંડોળો’માં સુંદર ભવ્ય કલ્પનો કવિએ સચિત્ર નિરૂપ્યા છેઃ “વિરાટનો હિંડોળો ઝાકમઝોળ., કે આભને મોભે બાંધ્યા તેરઃ

વિરાટનો હિંડોળો.”

જ્યારે ‘ધૂમકેતુનું ગીત’ અને ‘વિહંગરાજ’માં પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે એકલા ઉડ્ડયન કરતા આત્માની – ઉર્ધ્વગમનની તીવ્રતમ ઇચ્છા પ્રગટ થાય છે. કવિએ ‘ગીતા’નો સમશ્લોકી અનુવાદ પ્રગટ કરેલો. કવિએ અન્ય ભાષાનાં કાવ્યોના અનુવાદ-અનુસર્જનો કર્યાં છે. સંસ્કૃત ભાષામાં રચાયેલ ‘સ્તુતિ અષ્ટક’ એ ન્હાનાલાલનું ચિરંજીવ અનુસર્જન – અમર પ્રાર્થનાકાવ્ય બની રહ્યું છેઃ “અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અન્ધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ! લઈ જા, તું હીણો હું છું તો તુજ દરશનના દાન દઈ જા.” ન્હાનાલાલના કાવ્યોમાંનો લય, ડોલનશૈલી, વિરાટ-ભવ્ય કલ્પનો; તીવ્રતાથી અભિવ્યક્ત થતાં નાજુક સંવેદનો ગુજરાતી કવિતામાં વિરલ બની રહે છે.
– ઊર્મિલા ઠાકર