કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૧. ગુજરાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૧. ગુજરાત

ન્હાનાલાલ
(એક ઐતિહાસિક કાવ્ય)


ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
આપણો ગુણિયલ ગુર્જર દેશ;
કૃષ્ણચંદ્રની કૌમુદીઊજળો,
કીધ પ્રભુએ ય સ્વદેશ :
આપણો ગુણિયલ ગુર્જર દેશ.

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનાર મહારાજ
પાર્થના સારથિનાં જ્ય્હાં રાજ્ય :
ગ્રીસરોમથી ય જૂનાં,
કુરુપાંડવથી યે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારિકા :
યુગયુગ ધ્યાનવિલીન.
ઊભી કાલસિંધુને તીર
બજાવે બંસરી ભવ્ય સુધીર.

સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ,
નદી ને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરસાળ
સિંધુ જ્ય્હાં દે મોતીના થાળ;
જગજૂનાં નિજ ગીત ગર્જતો
ફરતો સાગર આજ;
કેસર ઊછળી ઘૂઘવે ગરવો
વનમાં જ્ય્હાં વનરાજ :
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મંદિરે ધ્વજ ને સંત મહંત.
પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વ્હેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલરોપ;
વાણી ન વણસે પુણ્યપાંગરી
          અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈ નગરી જુઓ !
          શું પાથર્યો કિનખાબ :
નિત્ય નવફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ.

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર;
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ,
અંગ આખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના,
          સુંદરતાનો શું છોડ !
આર્ય સુંદરી ! નથી અવનીમાં
          તુજ રૂપગુણની જોડ;
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કંથના સજ્યા તેજશણગાર.

ખેતરો ન્હાનાં, ન્હાની શી પોળ,
નાતજાતે ન્હાનડિયા ઘોળ;
ક્ષત્રિજાયાનાં ન્હાનલ રાજ્ય;
ધર્મના ન્હાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણક્યે વર્ણ્યાં પૂર્વે
          ન્હાનાં પ્રજાનાં તંત્ર,
એક પુરાતનના પડછાયા
          આ અમ જીવનજંત્ર :

એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારા એક સુગંધ અમૂલ.
દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગત્ઇતિહાસે અનુપ ઉદાર;
ઇસ્લામી યાત્રાળુનું આ
          મક્કાનું મુખબાર;
હિન્દુ મુસલ્ મિન પારસીઓને
          અહીંયાં તીરથદ્વાર :

પ્રભુ છે એક, ભૂમિ છે એક, –
પિતા છે એક, માતા છે એક, –
આપણે એકની પ્રજા અનેક.

નથી રમી સમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યા યે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય
લીધાં વ્રત, જાણે હજીય પળાય :
એક ઈડરના વનકેસરીએ,
          ભડવીર બાપ્પારાવ,
વિશ્વવંદ્ય સૂરજકુળ સ્થાપી
          ચિતોડ કીધ યશછાંવ :
જન્મભૂમિ દયાનંદનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ.

સુરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશગાન,
કચ્છના સાહસિક સંતાન;
ખંડખંડ વિસ્તરતો હિંદી
          મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી
          સંસ્થાનોની વેલ;
મહાસાગરના પૃથ્વીવિશાળ
સરોવર કીધાં ગુર્જરી બાળ.

વનેવન લીલો ઘટાસોહાગ
જગતનો દીપે શું અમૂલખ બાગ !
સજાવ્યા જૈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર;
ભારતીએ કંઈ ફૂલફુવારો
          અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી
          દિલનાં પરિમળ દીધ !
હિન્દ માતની લાડીલી બાળ !
ગુર્જરી ! જય ! જય ! તવ ચિરકાળ !

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૫૫-૫૮)