કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૧. પાર્થને કહો ચડાવે બાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૧. પાર્થને કહો ચડાવે બાણ

ન્હાનાલાલ


પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ;
          પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
          કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
          યુદ્ધ એ જ યુગધર્મ :
સજીવન થાય પડ્યાયે પ્હાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
          રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
          રણધીરને રણઢોલ :
પાર્થની પ્રત્યંચાને વાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,
          ત્યમ તલપો સિંહબાળ !
યુગપલટાના પદપડછન્દે
          ગજવો ઘોર ત્રિકાળ :
સજો શિર વીર ! હવે શિરત્રાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નિરખશે
          રણરમતો મુજ વંશ;
સત્ય શીલ ને ધર્મયજ્ઞમાં
          હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો ! નભ નવયુગનો ભાણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

વિધિનાં એ જ મહાનિર્માણ :
          પાર્થને કહો ચડાવે બાણ.

(ન્હાનાલાલ-મધુકોષ, સં. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૯૩-૯૪)