કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૨. કેળનાં પાન
Jump to navigation
Jump to search
૩૨. કેળનાં પાન
પ્રિયકાન્ત મણિયાર
આંખની સામે ઊડતાં ઊભાં કેળનાં વિશાળ પાન
જાણે કાય વિનાની ગાય છે હવા લીલમલીલાં ગાન.
એટલાં પ્રલંબ
જાણે તરુ સ્વયં — કેટલું કાઢ્યું ગજું
જોકે ફળ ના હજુ.
જેટલાં મળે જલ
એટલાં સકળ પીતાં
જાય ના ટીપું એળે
તોય એ તરસ, તરસ, તરસ...
રંગ ના દૂજોઃ એકલ લીલમ લીલો
સાતમાંથી એક સહુથી મીઠો
તપતા રાતા સૂરજમાંથી સેરવી લીધો.
ડાંડલી ડોલે
બાજે ભૂંગળ ગાજ્યાં ગાન
એટલાં વેગે — કેટલાં કોમલ — જાય ચિરાઈ!
કરાલ મને સાંભરી આવે વાત.
દરિયો ભીષણ ખેડવો, ભલે સઢના ચીરા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૧-૯૨)