કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૬. ક્યાં છે મારું નગર?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૬. ક્યાં છે મારું નગર?

પ્રિયકાન્ત મણિયાર

એ જ છે મારું નગર
જ્યાં શ્રાવણની ઝરમર – આકાશમાં મેઘધનુષ્યના તરંગ,
કોઈ ભીંજાતું બારી પાસે સહજ ઊભું રહેવાથી,
દાણાપીઠમાં બળદ-ગાડાં છૂટતાં
ઘઉંની ગૂણીઓ જોખાતી
રસ્તામાં ઊભરાતો માનવલોક
સવારે સ્કૂલે જતાં બાળક
મોડા શોમાંથી યુગલ મધ્યરાત્રિએ ઘેર જતું
બસમાં – ‘બહેન ઊભાં રહો, બીજી બસમાં’ – એમ કંડક્ટર કહી શકતો.
સ્કૂટર-સાઇકલ પર સંસાર હરતોફરતો.

પણ એક દિવસ
પ્હેલો પથ્થર બસના કાચ ઉપર
એક અવિચારી છોકરાના હાથમાંથી છૂટ્યો
રસ્તા ઉપર કરચોકરચ થઈ પડી—
હજી ગઈ કાલે તો ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’
મંદાક્રાન્તામાં ગાયેલું —
‘પથ્થર થરથર ધ્રૂજે’ આખું વરસ ઘૂંટેલું—
ત્યાં જ શહેરને શો થઈ ગયો સન્નિપાત
કે પથ્થરનો બૉમ્બમારો શરૂ થઈ ગયો!
પાષાણમાં — લોહિયાળ પાષાણમાં
ક્યાં છે મારું નગર?
ક્યાં ગયાં મારાં નગરજનો?
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૩૩-૨૩૪)