કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૧. ગોરી ને ઘેરૈયો
Jump to navigation
Jump to search
૨૧. ગોરી ને ઘેરૈયો
બાલમુકુન્દ દવે
‘દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હો રી!
બા’ર જો ડોકશે બારી ઉઘેડી,
વાગશે કોકના નેણની ગેડી!’
‘નીરમાં સરી જાય ઘડૂલો
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા! ખાલી વેણથી ખીજી
બંધ બારણે રે’ય એ બીજી!’
‘વાયરા વનના જાય ન બાંધ્યા,
એવાં અમારાં મન હે રાધા!
કોકના દિલમાં વસવા ખાનગી
માગતા અમે નથી પરવાનગી.’
‘આપમેળે રંગ જાય રેલાઈ તો
અમે નથી એને લૂછીએ એવાં,
તરસ્યા કંઠની પ્યાસ છિપાય તો
અમે નથી ઘર પૂછીએ એવાં.’
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૬૮)