કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૯. ઓળખાણ પડે છે કે?
બાલમુકુન્દ દવે
જે જે
ઓળખાણ પડે છે કે શેઠજી?
હા, ક્યાંક જોયાનું તો આવે છે યાદ...
આપ તો મોટા માણસઃ
શી કરવી ફરિયાદ?
એક આવે ને બીજો જાય –
એમ તે કેટલાકને યાદ રખાય?
આટલુંય યાદ રાખો છો
એ છે આપની મોટાઈ!
તબિયત તો સારી છે ને શેઠજી?
ઠીક છે... ચાલે છે...
કેમ એમ બોલ્યા શેઠજી?
જવા દોને વાત!
હમણાંનો તો ખોરાક જ નથી લેવાતોને!
સવારે લઉં એક-બે બટરટોસ્ટ
થોડાં લઉં અહિંસક ઈંડાં...
સાથે લઉં ટમાટાનો સૂપઃ
એકાદ શાક...
થોડું બીજું પરચૂરણ...
ખોરાક પર આપે મૂક્યો ભારે કાપ!
પણ દાક્તરનું શું કહેવું છે શેઠજી?
શું કહેવાના હતા દાક્તર?
દાક્તરે દાક્તરે જુદા મત!
કોઈ કહે છે બ્લડપ્રેશર,
કોઈ કહે છે મંદાગ્નિ!
કોઈ એકબીજાની સાથે
થતા જ નથી ને સંમત!
પણ શેઠજી! મળ્યા છો તો પૂછી લઉંઃ
ક્યારે ઘટશે આ મોંઘવારી?
ઓત્તારી!
તમે તો દીસો છો ભારે મૂર્ખ!
ક્યાં છે વળી મોંઘવારી?
ઊલટાનો જીવનધોરણ કેરો
ધીરે ધીરે ઊંચો આવી રહ્યો આંક...
તો શેઠજી! એમ કેમ
દિને દિને બનતા જઈએ છે રાંક?
તમને એ નહીં સમજાય —
એમ કહી શેઠજી તો ચાલ્યા જાય!
શેઠજીની સાચી વાતઃ
મતિમૂઢ મને આમાં ગતાગમ નવ પડે લેશ!
હું છું એક એવું પાત્ર
દિને દિને જેનાં ઘસાઈ રહ્યાં છે ગાત્ર!
હવે કંઈ ઓળખાણ પડે છે કે?
હું છું એક ધીરે ધીરે રાણું થતું ફાનસ!
હું છું એક મધ્યમ વર્ગનો માણસ!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૭૩-૧૭૪)