કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૫. નર્મદાતટે પૂર્ણિમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫. નર્મદાતટે પૂર્ણિમા

બાલમુકુન્દ દવે

આછોતરી નીરછટા વહાવતાં
ભીંજાવતાં અમૃત-પ્રોક્ષણોથી,
મા ગુર્જરીની ઉરધાર-શાં અહો!
આ નર્મદાનીર અખંડ રેલતાં.

રેવામાનાં દરશન કરી, આરતીઆશકા લૈ
વેરાયો સૌ જનગણ, ઢળ્યો સૂર્ય અસ્તાચળે ને
સામે તીરે ગડવર ઊભી ભેખડોની પછાડી
ઊગંતી શી વિમલ સહસા પૂર્ણિમા કુલ્લ ભાળી!

કન્યા કોઈ કુલીન ગભરુને મજાકે મૂકી દૈ
એકાકીલી સરિતતટ, સૌ ગૈ સખી હોય ચાલી,
વીલી એવી નજર કરતી ચન્દ્રિકા વ્યોમમાં કૈં,
તાલી લેતી તરલ સરતી મંડળી તારિકાની.

આજુબાજુ નિરજન લહી રમ્ય એકાન્ત શાન્ત,
ઉતારીને ત્વરિત અળગું અભ્રનું ઉત્તરીય,
છાઈ દેતી રજતપટથી દીર્ઘ સોપાનમાલા,
આવી પ્હોંચી જલતટ લગી પૂર્ણિમા-દેવબાલા.

છૂટી મૂકી કિરણલટને સ્નાનઔત્સુક્યઘેલી,
દે ઓચિંતી શુચિ જલ વિષે કાયને મુક્ત મેલી;
સ્પર્ધા માંડે રમણીય કશા નર્મદાના તરંગો,
ગૌરાંગીનાં અમરતભર્યાં સ્પર્શવા અંગઅંગ.

કાંઠે ઘડી, ઘડીકમાં ભર મધ્ય વે’ણે,
ફંટાઈને ઘડીક બેટની આસપાસ,
દૈ ડૂબકી ઘડીક ડોકવતી જ દૂરે,
વ્હે પૂર્ણિમા જલપ્રવાહ જ સાથસાથ.

જ્યાં ઓરસંગમ થકી જલરાસક્રીડા
જામે, ચગે રસિકડી જ્યહીં રુદ્રકન્યા,
જ્યાં ઊડતી ધવલ ફેનિલ ઓઢણીઓ,
ચંદાય ત્યાં વિરહતી વિચિવર્તુલોમાં.

ઝૂકેલાં તીરપ્રાન્તે હરિત હરખતાં વૃક્ષનાં વૃન્દ ડોલે,
છાયાઓની છબીને જલ-દરપણમાં ઝૂલતી જોય મુગ્ધ;
છીપોના પુંજ ધોળા, તરલ સરકતાં મચ્છ ને કચ્છપોયે,
દેખાતા આરપારે અગણિત ચળકે કંકરો શંકરો-શા!

ઓઢી આછું નર્મદાનીરચીર,
લાજુ લાડી પ્રકૃતિપુત્રી જેવી,
ઘૂમી, હાંફી, થાક ખાતી હલેતી,
થંભી થોડું ચંચલા ચંદિરા જો!

મોતી મોઘાં ખરલ કરીને પાથર્યાં હોય તેવા,
બો’ળા વેળુઢગ ચળકતા વિસ્તર્યા શ્વેત શ્વેત!
પૂર્ણિમાનાં સહજ ઢળતાં કૌમુદીગાત્ર શ્રાન્ત,
ભેટી રે’તી બથબથ ભરી ભવ્યતા ભવ્યતાને!

સહજ શ્રમ ઉતારી પૂર્ણિમા ચારુગાત્રી
કિરણલટ સમારી હાસતી મંદ મંદ!
જલ-નરતન સંગે સાધતી અંગભંગ!
અધિક વિવશ થાતી નર્તતી નવ્ય રંગ!

કદીક પીધી ગૃહની અગાસીએ,
કદી વને અંકુરની પથારીએ,
ગિરિ તણે ઉન્નત શૃંગ વા કદી,
આકંઠ પીધી પ્રતિમાસ પૂર્ણિમા.

જોઈ જો એક આ કિન્તુ અનોખી નર્મદાતટે,
અખંડ મંડલાકારે ચિદાકાશે ઝગ્યાં કરે!
૧૯૪૮
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૮-૯)