કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૮. અમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮. અમે


અમે તમારા ખેતર વચ્ચોવચ
યુગોના લઈ અબોલા
એક પગે ઊભેલ ચાડિયા;
ભીની ભીની સોડમના પથરાય છાંયડા,
કોરામોરા અમે વચાળે,
બધી દિશામાં ટગર ટગર તાકીને રહીએ.

અમે તમારા ખેતર ઉપર
ઢળતું ભૂરું આભ,
ચાસમાં તરબોળાતા પડછાયામાં
રૂપ અમારું જોતાં મોહ્યાં ઝાડપાંદડે
ખરતું અચરજ ઝીલ્યા કરીએ.

અમે તમારી અડખેપડખે પડતી
સારસપગલી,
પગલી ખેતરમાં વવરાવો તો
સારસ થૈને ઊગી નીકળીએ.

અમે તમારા ખેતર ફરતા શેઢા,
અમને વીંટળાઈ ઊગ્યું છે ખેતર;
ખેતર ભર્યા સમંદર,
— ખેતર મબલક મૉલ તમારા,
શેઢે લીલીસૂકી વાડ,
વાડનું છીંડું ઠેલી
રાતવરત આવો,
તો અમને મળજો!


૧૯૭૧

(અંતરનું એકાંત, પૃ. ૮૧)