કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩. પરોઢ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. પરોઢ

વલોણે અંધારાંના
વલોવાઈ મધરાત
ઉતારે પરોઢિયાનો પિંડ.
સીમાડો પ્રભાતિયાં લલકારે.
ઘંટી ઊંઘ દળે.
બે પગ વચ્ચે દાબ્યા બોઘરણે
મરક મરક દાડમડી કેરાં ફૂલ.
દૂધની પ્રથમ શેડના રણકે
જાગે સવારના પારણિયે
પોઢ્યો સૂરજ.

ઈંઢોણીના મોર
સૂંઘતાં વેણી કેરાં ફૂલ.
થનગને પાની સાથે પંથ;
ભમરિયો પાવઠડે ડોકાઈ
જોઈ રે’ વહી આવતું રૂપ.
અટકે મારગડે સિંચણિયું,
પાણી આકુળવ્યાકુળ!
આંખ બની અસવાર નજરનો
કેસરિયાને દેશ જતી
કેડી ઉપર રેવાલ;
ડાબલે
હૈયાના ધબકાર સાંભળી
શરમ શરમમાં
અમિયલ તડકો
કુંવારા વાદળ ઓથે
સંતાય!

૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૩૮)