કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/કવિ અને કવિતાઃ રાજેન્દ્ર શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિ અને કવિતાઃ રાજેન્દ્ર શાહ

નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ કવિ રાજેન્દ્ર શાહનો જન્મ તા. ૨૮-૧-૧૯૧૩ના રોજ કપડવંજમાં થયો હતો. પિતા કેશવલાલ શાહ. માતા લલિતાબહેન. તેઓ બે વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. ૧૯૩૦માં, મેટ્રિકની પરીક્ષા નહિ આપીને, સત્તર વર્ષની વયે સ્વાતંત્ર્યની ચળવળમાં ઝંપલાવ્યું. સાબરમતી તથા યરવડાની જેલમાં સાડા ત્રણ માસની સજા ભોગવી. કપડવંજના ટાવર પર ફરકી રહેલા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવા પોલીસ પેરવી કરે એ પહેલાં તો યુવાન રાજેન્દ્ર સડસડાટ ટાવરની ટોચે પહોંચી ગયેલા અને રાષ્ટ્રધ્વજની શાન જાળવવા એને છાતીસરસો ચાંપીને ટાવર પરથી ભૂસકો મારેલો. ૧૯૩૧માં લગ્ન. ૧૯૩૨માં મૅટ્રિક થયા. પછી વધુ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. પણ હવામાન માફક ન આવતાં વડોદરા આવ્યા. વડોદરામાં તેઓ ૧૯૩૭માં સ્નાતક થયા. વિષય તત્ત્વજ્ઞાન. બી.એ. થયા ત્યાં સુધી ખાનગી ટ્યૂશન કરીને કુટુંબનું ભરણપોષણ કરતા. એમ.એ. કરવા માટે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં જોડાયા પણ આર્થિક મુશ્કેલીના કારણે અનુસ્નાતકનો અભ્યાસ અધૂરો રહ્યો. અમદાવાદની એક શાળામાં નોકરી, પછી થોડો સમય જ્યોતિસંઘમાં કામ, પછી એક મિત્ર સાથે બૉબિનનું કારખાનું શરૂ કર્યું, બેએક વર્ષ બાદ એમાંથી છૂટા થઈ ‘ગૃહસાધન’ નામે કરિયાણાની દુકાન અને ‘ઇંધન’ નામે કોલસાનો સ્ટોર શરૂ કર્યો. પણ એમાંય બરકત ન આવી. ૧૯૪૫માં તેઓ અમદાવાદ છોડી મુંબઈમાં સ્થાયી થયા. દરમિયાન તેઓ ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓના પિતા બની ચૂકેલા. ૧૯૩૨માં પ્રથમ સંતાન યોગિનીનો જન્મ અને થોડા સમયમાં અવસાન થયેલું. મુંબઈમાં તેઓ જંગલોમાં લાકડાં કાપવાનો કૉન્ટ્રેક્ટ રાખતી કંપનીમાં જોડાયા. ૧૯૫૫માં, ભાગીદારીમાં ‘લિપિની’ નામે મુદ્રણાલય શરૂ કર્યું. ૧૯૭૦માં ‘લિપિની’ પુત્ર કૈવલ્યને સોંપી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ થોડો સમય કપડવંજ, ભરૂચ આદિની સામાજિક સંસ્થાઓ અને આશ્રમોમાં સેવા આપી. છેલ્લાં વર્ષોમાં તેઓ દર મહિને દસેક દિવસ મૌન પાળતા. મન થાય ત્યારે નર્મદાકાંઠે રહેવા જતા. ઘણા બધા વ્યવસાય બદલવા પડ્યા. વચ્ચે પ્રિન્ટિંગ પ્રેસ આગમાં બળી ગયું. મોટું નુકસાન થયેલું. ભાગીદારીમાં વિશ્વાસઘાતના પ્રસંગો પણ બનેલા. પણ તેમનામાં કદી હતાશા-નિરાશા-વ્યાકુળતા-ઉદ્વેગ આવ્યાં નથી. મુખ પર હંમેશાં નરી પ્રસન્નતા. માણસનો, પરિસ્થિતિનો ને પ્રકૃતિનો હંમેશાં સ્વીકાર. કોઈનેયે પરિહાર નહિ. તા. ૨-૧-૨૦૧૦ના રોજ મુંબઈ ખાતે એમનું અવસાન થયું. ૧૯૪૭માં ‘કુમારચંદ્રક’, ૧૯૫૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૬૩માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૭૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદેમી ગૌરવ પુરસ્કાર, ૧૯૯૯માં નરસિંહ મહેતા ઍવૉર્ડ તથા ૨૦૦૩માં ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા. ‘ધ્વનિ’ (૧૯૫૧), ‘આંદોલન’ (૧૯૫૧), ‘શ્રુતિ’ (૧૯૫૭), ‘શાંત કોલાહલ’ (૧૯૬૨), ‘ચિત્રણા’ (૧૯૬૩), ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮), ‘વિષાદને સાદ’ (૧૯૬૮), ‘મધ્યમા’ (૧૯૭૭), ‘ઉદ્ગીતિ’ (૧૯૭૮), ‘ઈક્ષણા’ (૧૯૭૯), ‘પત્રલેખા’ (૧૯૮૧), ‘પ્રસંગસપ્તક’ (૧૯૮૨), ‘પંચપર્વા’ (૧૯૮૩), ‘કિંજલ્કિની’ (૧૯૮૩), ‘વિભાવન’ (૧૯૮૩), ‘સુપર્ણા’ (૧૯૮૩), ‘સંકલિત કવિતા’ (૧૯૮૩), ૧૯૫૧થી ૧૯૮૩ સુધીની સમગ્ર કવિતાનો સંચય), ‘ચંદનભીની અનામિકા’ (૧૯૮૭), ‘નીલાંજના’ (૧૯૮૯), ‘આરણ્યક’ (૧૯૯૨), ‘સ્મૃતિસંવેદના’ (૧૯૯૮), ‘વ્રજ-વૈકુંઠ’ (૨૦૦૨), ‘હા, હું સાક્ષી છું’ (૨૦૦૩), ‘આ ગગન’ (૨૦૦૪) તથા ‘પ્રેમનો પર્યાય’ (૨૦૦૪) કાવ્યસંગ્રહો તેમની પાસેથી પ્રાપ્ત થયા છે.

તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી. એમનાં માતામાં આંતરિક બળનો અપાર પુરવઠો. તેઓ ઘણી વાર નાનકડા રાજેન્દ્રને ‘સિંહબાલ’ (નૃસિંહબાલ) કહેતાં. શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્ય થકી એમનામાં અધ્યાત્મના, શ્રેયસ્સાધક વર્ગના સંસ્કાર શૈશવકાળથી જ સિંચાયા. શ્રેયસ્સાધક વર્ગના ઉત્સવોમાં થતાં કીર્તનો, પ્રવચનો, નાટકો વગેરે એમના અંતઃકરણમાં રોપાતાં રહ્યાં. શૈશવકાળમાં રાજેન્દ્રને એમનાં માતાએ ઘણાં પુસ્તકો વાંચી સંભળાવેલાં. તેઓ શું શું વાંચે છે એ તરફ માતાની ઝીણી નજર રહેતી. એમણે ‘કલાપીનો કેકારવ’ વાંચવાની મનાઈ ફરમાવેલી. કારણ? — તો કૅ, ‘રે રે, અરેરે જેવાં દુર્બલ કાવ્યો નહીં વાંચવાનાં.’ કિશોરાવસ્થા, યુવાવસ્થામાં તેઓ કપડવંજમાં અંબાલાલ પુરાણીની વ્યાયામશાળામાં નિયમિત જતા. ક્યારેક સાંજે ચિત્રકાર સોમાલાલ શાહ સાથે સીમમાં જતા. સોમાલાલ શાહ કાગળ પર લૅન્ડસ્કેપ અંકિત કરે. રાજેન્દ્ર શાહ બહારનું દૃશ્ય અને કાગળનું દૃશ્ય — બંને સરખાવે ને કલાકાર શું ત્યજી દે છે અને ક્યાં શું ઉમેરે છે તેનું ઝીણું નિરીક્ષણ કરે. આમ એમની કલાદૃષ્ટિ અનાયાસ કેળવાતી ગઈ ને સૌંદર્યને માણવાની દૃષ્ટિ વિકસતી ગઈ. સોળેકની વયે, કપડવંજમાં અખાડે જતાં રસ્તામાં એમને ‘વિદ્યુતના ચમકારની જેમ’ વિચાર સ્ફુર્યો હતોઃ ‘કવિતા લખાય મારાથી.’ ત્યારે તેઓ ગાઈ શકતા. વૃત્ત છંદોની હલક પણ તેમને ફાવતી. ભજન-કીર્તન-રાસના લય-ઢાળ તો એમને જાણે ગળથૂથીમાંથી મળેલા. ન્હાનાલાલ, ખબરદાર, નરસિંહરાવ, બોટાદકર, કાન્ત વગેરેનાં કાવ્યોનો અભ્યાસ શરૂ કર્યો. ‘કુમાર’નું વાચન એમને પ્રિય. સુન્દરમ્, ઉમાશંકર, શ્રીધરાણી આદિનાં કાવ્યો તેઓ વાંચતા, કંઠસ્થ કરતા. વડોદરામાં તેઓ ઇન્ટરમાં દાખલ થયા ત્યાં એમને પિનાકિન ઠાકોર મળ્યા. મૈત્રી જામી. વૃત્તો-છંદોનો સઘન અભ્યાસ શરૂ થયો. વસંતતિલકા આ કવિમાં મન મૂકીને ખીલ્યો છે, ખેલ્યો છે. ‘પૃથ્વી’એ એમને શરૂઆતમાં તાવ્યા હતા. ઉપેન્દ્રાચાર્ય પાસેથી તત્ત્વદર્શન અને સંગીત તો એમનામાં શૈશવકાળથી જ રોપાયેલાં. આથી એમનાં કાવ્યોમાં તત્ત્વદર્શનનું ઊંડાણ તથા રહસ્યવાદ પણ પ્રણય-પ્રકૃતિ-સૌંદર્યની સાથે સાથે ઘૂંટાયા કરે છે. વ્યાવસાયિક રીતે સ્થિર થવા તેઓ અમદાવાદ આવ્યા. ‘કુમાર કાર્યાલય’માં મુ. શ્રી બચુભાઈની બુધસભામાં તેઓ જવા લાગ્યા. છંદના વધુ શાસ્ત્રીય જ્ઞાન માટે બચુભાઈએ એમને ‘રણપિંગળ’ વાંચવા આપેલું. બુધસભામાં ત્યારે સુન્દરમ્ છંદો ભણાવતા. બુધસભામાં એમની ભીતરનો કવિ વધારે ઉઘાડ પામ્યો. આ સમયગાળા વિશે કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ “અમદાવાદનાં મારાં સાત વર્ષ અતિ મહત્ત્વનાં નીવડ્યાંઃ જે બીજ અંકુરિત થયું હતું એના વિકાસ માટે હવા અને પ્રકાશ સાંપડ્યાં.” વડોદરામાં તેઓ બંગાળી લિપિ શીખ્યા હતા પણ પછી અમદાવાદમાં નગીનદાસ પારેખની નિશ્રામાં તેમણે બંગાળીનો અભ્યાસ કર્યો. ને કવિના હૈયામાં રવીન્દ્રનાથ રોપાયા. સુન્દરમ્‌ની ભલામણથી થોડો સમય તેઓ જ્યોતિસંઘમાં જોડાયેલા. આ ગાળામાં સુન્દરમ્‌ની સાથે એમણે યેટ્સ, એલિયટ, ટોલર જેવા કવિઓને વાંચ્યા.

૧૯૪૭માં, ૩૪ વર્ષની વયે રાજેન્દ્ર શાહની યશસ્વી સૉનેટમાળા ‘આયુષ્યના અવશેષે’ રચાઈ અને ‘કુમાર’માં પ્રગટ થઈ ત્યારે નીચે તંત્રીનોંધ મુકાઈ હતીઃ “ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર થયેલી જે કેટલીક કૃતિઓના પ્રથમ પ્રકાશનનું ભાગ્ય ‘કુમાર’ને મળ્યું છે. તેમાં, પોતાના ગુણવૈશિષ્ટ્યને લીધે સ્થાન પામે તેવી, આપણી ક્ષિતિજ પર પ્રકાશવા માંડેલા યુવાન કવિ રાજેન્દ્ર શાહની આ કૃતિને આવકારતાં અમને આનંદ થાય છે.” ૧૯૫૧માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ પ્રગટ થયો. તે સમયે ઉમાશંકરે એમના માટે ‘કવિવર’ શબ્દ યોજેલો ને એમને ‘સૌંદર્યલુબ્ધ’ કહેલા. પ્રથમ કાવ્યસંગ્રહમાં જ, ગુજરાતી ભાષાનાં ઉત્તમ કાવ્યોમાં ગણના પામે તેવાં, ‘નિરુદ્દેશે’, ‘આયુષ્યના અવશેષે’, ‘શેષ અભિસાર’, ‘શ્રાવણી મધ્યાહ્ને’, ‘તને જોઈ જોઈ તોય તું અજાણી’, ‘ઈંધણાં વીણવા ગૈતી’, ‘આપણા દુઃખનું કેટલું જોર?’, ‘હો સાંવર થોરી અંખિયનમૈં’, ‘કાયાના કોટડે બંધાણો’ જેવાં ગુજરાતી કવિતાને તથા ભારતીય અસ્મિતાને રળિયાત કરતાં કાવ્યો સાંપડે છે. ઘણી વાર તેઓ કહેતા તે પ્રમાણે, કવિતાને આવતી તેઓ ‘જોઈ’ શકતા, એનું ‘દર્શન’ કરતા ને પછી એને કાગળ પર ઉતારવાનું જ બાકી રહેતું. પ્રારંભમાં એમણે શબ્દસાધના, છંદસાધના કરી પણ પછી એમને સર્જનપ્રક્રિયામાં એકાએક ફેરફાર જણાયો હતો. તેમણે નોંધ્યું છે — “...પહેલાં આયાસે-અનાયાસે કાવ્યો લખાતાં પણ હવે એમાં એકાએક ફેરફાર જણાયો. અચાનક જ ચિત્તમાં કાવ્યની પંક્તિ સ્ફુરે —

‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.’

— આ પંક્તિનું સર્જન મારું એટલે કે ‘મનજી’નું કહી ના શકું. એ કેવળ છે ને પછી તો પંક્તિ પોતે જ પોતાના સ્વરૂપને પ્રગટ કરતી રહે. મારે તો બસ જોયા જ કરવાનું. એ દર્શન સ્વયં શબ્દસ્થ બને. આ નવો અનુભવ હતો.’ (‘સર્જકની આંતરકથા’, ૧૯૮૪, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૭૫) જીવનના અંતિમ સમયે એમણે પુત્ર કૈવલ્યને કહેલું, “મારું જીવનકાર્ય હવે પૂરું થયું છે... આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહીં. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.’ ‘આયુષ્યના અવશેષે’માં એમણે જીવનનો જય ગાયા બાદ, જરા આઘે રહીને જીવનનું દર્શન કર્યા પછી, રૂપની રમણામાં કોઈ ચિરંતન તત્ત્વને નીરખ્યા પછી, વિસર્જનનોયે આમ ચિંતનગહન, દર્શનસભર મહિમા કર્યો છે —

‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું સદૈવ વિસર્જન.’

કોઈ પણ પરિસ્થિતિમાં એમના ચહેરા પર નર્યો, નીતર્યો આનંદ ઝળહળે. એમણે માત્ર કવિતામાં જ નથી ગાયું કે —

‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર!’

પણ, જીવનમાંય આ ઉતાર્યું છે. આ કવિનો ‘માંહ્યલો કોશ’ ભર્યો ભર્યો, હર્યોભર્યો છે —

‘આપણે ના કંઈ રંક, ભર્યો ભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.’

કવિવર રાજેન્દ્ર શાહનું કાવ્યોમાંથી ઊભરતું વ્યક્તિત્વ અને સાચુકલું વ્યક્તિત્વ અલગ નથી. એમની કાવ્યબાનીનો વ્યાપ ઘણો મોટો છે. છાંદસ કાવ્યોમાં સંસ્કૃતનિષ્ઠ પદાવલી મળે, કાલિદાસ-રવીન્દ્રનાથ સમી પદાવલીય મળે, તો ગીતોમાં સહજ સાદગી ને લોકબોલીની છાંટ પણ મળે —

ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,
ઈંધણાં વીણવા ગઈ’તી રે લોલ.
વાતરક વ્હેણમાં નૈતી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ,

એમનાં કેટલાંક ગીતોમાં રાજસ્થાની ભાષાની લહેક-ગહેક-મહેક સાથે શબ્દોમાંથીય જાણે સંગીત પ્રગટે છે —

‘હો રંગરંગમૈં હિલમિલ રૂમઝૂટ ખેલત ભયે નિહાલ,
નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
નાગર સાંવરિયો.’

તો કેટલાંક ગીતોમાં વ્રજભાષાની છાંટ-સોડમ પણ સાંપડે છે. આ કવિ પાસેથી ખારવાનાં ગીતો પણ મળે છે. ‘વનવાસીનાં ગીત’માં બોલીનું, બાનીનું, લોકહૈયાનું ને વનપ્રકૃતિનું એક વિશિષ્ટ વાતાવરણ રચાય છે —

‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’

ધીર-ગભીર-શાન્ત-પ્રશાન્ત એવા આ કવિમાં વનવાસીનાં ગીત નિમિત્તે આવું તોફાન પણ જોવા મળે છે —

‘હળવી જો’યે ચાલ,
ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
સરવા જો’યે કાન;
સાવજનીયે સોડમાં સરી કરીએ અટકચાળું.’

સૌંદર્યનાં બધાં જ રૂપોને આ કવિએ મુગ્ધતાથી તેમજ ચિંતન-દર્શનથીયે લહ્યાં છે. પ્રકૃતિનાં, સૌંદર્યનાં રૌદ્ર રૂપનોયે રસ એમણે માણ્યો છે. ‘વિજન અરણ્ય’માં તેઓ કેવું ગતિમય ચિત્ર આલેખે છે! —

‘ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ,
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું!’

હવે લાવણ્યસભર ગતિશીલ અનુષ્ટુપનું સૌંદર્ય પણ સરી જતા સૌંદર્ય સાથે ઝળકી રહે છે. ચિત્રકાર મિત્ર સોમાલાલ શાહની સાથે વાત્રક-કાંઠાના પરિવેશમાં ફરવાનું તથા ઝીણી નજરથી ચિત્રોની સર્જનપ્રક્રિયા નિહાળવાના કારણે જે કલાદૃષ્ટિ આ કવિમાં ઉઘાડ પામી તે તેમનાં કાવ્યોમાં કાવ્યચિત્રો રૂપે ઠેર ઠેર પ્રગટ થઈ છે. જેમ કે —

‘ત્યાં પંક માંહી મહિષી-ધણ સુસ્ત બેઠું
દાદૂર જેની પીઠ પે રમતાં નિરાંતે
ને સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે?
મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું!’
(‘શ્રાવણી મધ્યાહ્ને’)


‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો,
લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ,’
(‘શેષ અભિસાર’)

‘ધવલ અંધકાર’માંનો કાવ્યમય skyscape જોઈએ —

‘પાછલી રાતનું આ ગગન,
લીંપેલ ઓસરી મહીં આમતેમ બધે
વેરાયેલ કંઈ કોદરીના કણ
એવું પાછલી રાતનું આ ગગન.
નજરની ચાંચ ત્યહીં પૂગે,
મન ફાવે તેમ એકલ તે ચણ ચૂગે,
હળુ હળુ પાંખમાં ભરાય સમીરણ.’

ઘંટારવ થાય એ અગાઉ જ એના ગુંજનનો અમલ પીનાર આ કવિ પાસેથી ‘રાગિણી’ સૉનેટમાળામાં વિવિધ રાગ વિશેનાં આઠ સૉનેટ મળે છે. આ કવિમાં પ્રકૃતિ જાણે રમણે ચડી છે. કેટકેટલાં વૃક્ષો, પુષ્પો, વેલીઓ, વનસ્પતિ, નદી-નાળાં, પશુ-પંખી આદિ આ કવિમાં કાવ્યરૂપ પામ્યાં છે. ફૂલની પ્રથમ સુગંધની જેમ આ કવિને વાણી ફોરે છે. આ કવિના કાન ગ્રહોના વૃંદવાદનના મંદ મંદ રવને સૂણે છે. કર્મને કોલાહલે તેઓ પરમ શાંતિ લહે છે. નિજમાં નિમગ્ન એવા આ કવિ ગમા-અણગમાથી પર થઈ ગયા છે. એમની કાયા ખાટી આંબલીથી મંજાણી છે ને ઝળહળ દુનિયા ઝિલાણી છે; જેનાં તેજ અપાર છે એવી જ્યોતિ પ્રગટી છે આ કવિમાં. કવિના કાળજે કારમો અમલ ચડ્યો છે આથી જ તો એમનાં સુખનો પાર નથી. કવિની ભીતર રોપાયેલાં અધ્યાત્મનાં બીજ ભજનરીતિનાં ગીતો થઈને ન ઊઘડે તો જ નવાઈ. આ કવિ અલખ કાયાના કોટડે બંધાણો છે ને લાખેણા રંગમાં રંગાણો છે; હરિના ઘટના મંદિરિયામાં આ કવિના બેસણાં છે. હરિ આ કવિના નયને બંદીવાન છે. હરિની અવળી રીત્યુંને આ કવિએ બરાબર ઓળખી લીધી છે. અનહદનું ગાન આ કવિએ સાંભળ્યું છે. આથી જ તો અધર અડ્યા વિણ તેઓ બંસીબોલ સૂણી શકે છે. અચલનું મકાન તેમને લાધ્યું છે. સૉનેટ, ગીત, સંવાદકાવ્ય, ખાયણાં, હાઇકુ, ગદ્યકાવ્ય, ગઝલ વગેરે કાવ્યસ્વરૂપોમાં તેમણે કામ કર્યું છે. ભાવજગતને, સંવેદનને, પ્રકૃતિને અનુરૂપ છંદો, લયઢાળો યોજવામાં તેઓ સફળ રહ્યા છે. વસંતતિલકા તો આ કવિમાં જાણે આરતીટાણેના ઘંટારવની જેમ પ્રગટ થાય છે. વાતચીતની સહજતાથી અનુષ્ટુપ ઉઘાડ પામે છે. મંદાક્રાન્તા ધીમી ગતિથી, જાણે ચાસ પાડતો રેલાય છે. વનવેલી કુસુમની સુગંધની જેમ જ આ કવિને જાણે આલિંગે છે. ‘આયુષ્યના અવશેષે’માં હરિણી વિશેષ લય-ધ્વનિ સાથે પ્રગટ્યો છે. જેના વિશે બ. ક. ઠાકોરે કહેલું, “ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે. એક જ પંક્તિનું અદ્ભુત કાવ્ય પણ આ કવિ પાસેથી મળ્યું છે — ‘શિલીન્ધ્રથી ગોકળગાય રક્ષિત.’ તા. ૨-૧-૨૦૧૦ના રોજ રાજેન્દ્ર શાહનું અવસાન થયું. પણ એમની કાવ્ય-બેડલી હજીયે જાણે પરમ આનંદના સાગરને જલ જઈ સરી-તરી રહી છે, અસીમ ભણી... પાર... પેલે પા...ર...

‘મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.’


તા. ૧૫-૯-૨૦૨૧ — યોગેશ જોષી
અમદાવાદ