કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૬. ગાયત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૬. ગાયત્રી


વિહંગકલ્લોલવ્હાણું વાય,
ખૂલે મારાં નિકેતનયન.
આજ
પ્રાંગણના પારિજાત નીચે તને લહી
અરુણવસના,
સ્મિતોજ્જ્વલ ગૌર મુખ,
હલનચલને જાણે જ્યોતિર્મય છંદ,
ઋતા
સદેહ ગાયત્રી.
આદિત્યની વરેણ્ય આશિષ
ઝીલે દૃગ નિર્નિમેષ,
કલ્યાણતમ રૂપ,
ઋજુ તેજ,
તેજોમયી!
મધ્યાહ્નની તપ્ત મરીચિકા
પદ્મપત્ર સમી શીત નીલ,
દિનાન્તનો ગૌરજ-ધૂસર અંધકાર
અનસ્ત આભાએ ઝલમલ.
આજ
હૃદયને સ્પંદ
નિત્યકાલીન તવ
જ્યોતિર્મય છંદ.

પારિજાતની સુગંધ
રમતીલી આવે,
આવી જાય ઝીણું ટહુકીને ગાન,
મારા
રોમ રોમ સરવા છે કાન.
સુરભિનો સૂર
બને ઝળહળ તેજ.
અરુણાઈને અંચલ
આભામય તવ રૂપ
મલકંત,
એનો લોચનમાં ઝિલાય છે કંપ,
ઝીલે હવા,
વહે લહર લહર;
ચારિઓર
તવ સુગંધ,
સુગંધ.

નહિ નિકેતન,
નહિ દીવાર, ન દ્વાર.
નિગમન.
પ્રાંગણને અવકાશ
વિહંગમસૂર નહિ,
નહિ પારિજાત.
નિલયન.
જે સ્થળે મેં લહી તને
હે વરેણ્ય ગાત્રિ!
હુંયે
અવ ત્યહીં
આભામય ઘનરાત્રિ.
રહઃમિલન.
તું
ન તું,
ન હું.
વિગલન.
અનાહત આનંદ-છંદનું
પ્રભવન.
(સંકલિત કવિતા, પૃ. ૩૫૭-૩૫૯)