કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૯.અસંખ્ય રાત્રિઓને અંતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯.અસંખ્ય રાત્રિઓને અંતે

રાવજી પટેલ

શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીપળની ડાળી પર થથરે;
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું... ?
વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે,
પથના લીરા ચકવકર કંઈ ચડતા એની સાથે.
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા ?
દોડું-શોધું...
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેઘલ ખાંખ સરીખો
પ્હાડ દબાયો,
વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી
હરચક ભરચક શ્હેર દબાયાં,
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે !
ક્યાં છે સ્પર્શ-ફણાળો
હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો
કેવડિયો ક્યાં છે ?
લાખ કરોડો વર્ષોથી
ચ્હેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છૂપવી બેઠાં
માનવતી, ઓ ક્યાં છે ?
ક્યાં છો ?
નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો.
(અંગત, પૃ. ૯)