કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૯.કવિવર નથી થયો તું રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૯.કવિવર નથી થયો તું રે

લાભશંકર ઠાકર

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?
લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચા લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે ?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે, ભલા ! શીદ પરસેવાનું કરતો પાણી પાણી ?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘર-આંગણિયે શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશું કૈં પ્રેરક સંગીત ગાઓ
મને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે ?
(મારા નામને દરવાજે , ૨૦11, પૃ. 1૦૩-1૦૪)