કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત


કવિશ્રી વેણીભાઈ પુરોહિતનો જન્મ ૧લી ફેબ્રુઆરી, ૧૯૧૬ના રોજ જામખંભાળિયામાં. વતન પણ જામખંભાળિયા. સંવેદનશીલ માતા ગુલાબબહેન. પિતા જમનાદાસ સંગીતના શોખીન. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક મ્યુનિસિપલ શાળામાં. માધ્યમિક શિક્ષણ જામખંભાળિયાની જે.વી.જે. હાઈસ્કૂલમાં. આમ કિશોરાવસ્થા વતનમાં વીતી. થોડોક સમય મુંબઈ રહ્યા. ‘બે ઘડી મોજ’ પત્રિકામાં જોડાયા. ૧૯૩૯માં રેખાબહેન સાથે લગ્ન. અમદાવાદ આવીને ૧૯૩૯થી ૧૯૪૨ દરમિયાન ‘પ્રભાત’ દૈનિકમાં અને પછી ભારતીય સાહિત્યસંઘમાં જોડાયા. ૧૯૪૨માં સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો. દસ માસ સુધી સાબરમતી જેલમાં રહ્યા. ત્યારબાદ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં પ્રૂફરીડર તરીકે કાર્ય શરૂ કર્યું. અહીં કવિશ્રી બાલમુકુન્દ દવે સાથે પરિચય થયો. એ પરિચય ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. એ પછી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે સેવાઓ આપી. ચુનીલાલ વર્ધમાન શાહ પાસેથી પત્રકારત્વની દીક્ષા મળી. ત્યારપછી ‘વર્તમાન’ અને ‘ભારતી’ સામયિકોમાં કાર્ય કરતા. એ પછી મુંબઈ ગયા. આજીવન મુંબઈમાં જ રહ્યા. ‘ફિલ્મીસ્તાન’, ‘મોજમજાહ’, ‘ચિત્રલેખા’, ‘જી’ જેવાં સામયિકોમાં પણ તેમણે સેવાઓ આપેલી. એ પછી તેઓ ‘જન્મભૂમિ’ દૈનિકમાં આજીવન કાર્યરત રહ્યા. ‘જન્મભૂમિ’માં તેઓ ‘અખા ભગતની ગોફળગીતા-ધપ્પા’ નામ કટાક્ષકૉલમ પણ લખતા. ૩જી જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વેણીભાઈના કાવ્યસર્જનની શરૂઆત ૧૯૩૭માં થઈ. તેમની પ્રથમ રચના ‘પુરાણો દીવડો’ ‘કુમાર’માં પ્રગટ થયેલી. તેમની પાસેથી ત્રણ કાવ્યસંગ્રહો – ‘સિંજારવ’ (૧૯૫૫), ‘દીપ્તિ’ (૧૯૫૬) અને ‘આચમન’ (૧૯૭૫) મળ્યા. તેમના ‘દીપ્તિ’ સંગ્રહને મુંબઈ રાજ્યનું દ્વિતીય પારિતોષિક, ‘આચમન’ને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. ‘ગુલઝારે શાયરી’ મણકો-૧૦ (૧૯૬૨) તેમની ગઝલોનો સંચય છે. તેમણે બાળસુલભ બોધક ટુચકા કાવ્યો પણ લખેલાં, જે ‘જોઈતારામની જડીબુટ્ટી’ને નામે પ્રકાશિત થયેલા. તેને રાજ્ય સરકારનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું.

આ કવિને ‘ગળથૂથી’માં જ કવિતા અને કાવ્ય-સંગીતના સંસ્કારો મળ્યા છે. વેણીભાઈ પુરોહિતે તેમના ‘પદ્ય પ્રવાસની પાર્શ્વભૂ’ નામના લેખમાં લખ્યું છેઃ ‘મારું જન્મસ્થળ જામખંભાળિયા સંગીતશોખીન ગામ છે. શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, દાદરા, ગઝલના જલસાઓ એ ગામમાં ચાલ્યા જ કરતા. કોઈને ઘેર રાત્રે નાનકડી મહેફિલ જામે અને સંગીતના સાચા શોખીનો જ તેમાં હાજરી આપે. એ જલસાઓમાં હુંય મારા પિતાશ્રીની આંગળી ઝાલીને જતો...’ આમ સંગીતપ્રિય ગામમાં રોજબરોજ યોજાતા સંગીતના જલસા, સંગીતમય વ્યાખ્યાનો, હરિકીર્તનો, નવરાત્રિના ગરબા અને રાસની તેમજ હોલિકાઉત્સવમાં દુહા અને સોરઠાની રમઝટ વગેરેએ બાળક વેણીભાઈનાં ચિત્તમાં–હૈયામાં ગીત-સંગીત અને મસ્તીનાં સંસ્કારબીજ રેડ્યાં, દૃઢ કર્યાં. જે તેમની કાવ્યસર્જનની પ્રક્રિયામાં મ્હોર્યાં. આ રીતે વેણીભાઈનો કવિપિંડ પોષાયો. અમદાવાદના વસવાટ દરમિયાન વેણીભાઈને કવિશ્રી ઉમાશંકર જોશી અને શ્રી રા. વિ. પાઠક સાથે સંપર્ક થયો. ઉમાશંકર જોશી તેમને ‘બંદો બદામી’ કહેતા. અમદાવાદમાં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’માં કવિશ્રી બાલમુકુન્દ દવે સાથે ઘનિષ્ઠ સંબંધ પાંગર્યો. તેમની બેઠક કાર્યાલયના ઉપરના મેડા પર. બાલમુકુન્દ દવે લખે છેઃ ‘સામે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું પુરાણું મકાન. એના કોટની રાંગે એક પીપળો ઊગી નીકળેલો. અમારી બારીમાંથી એ દેખાયા કરે. એ પરથી વેણીભાઈએ ‘ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો’ – એ રચના કરી અને મેં ‘ખંડર પરનો પીપળો’ – એ સૉનેટ લખ્યું.’ આમ કવિમિત્રોનો સહવાસ તેમજ ‘બુધસભા’નું સાન્નિધ્ય વગેરે પરિબળોએ વેણીભાઈની સર્જકપ્રતિભાનું ઘડતર કર્યું.

વેણીભાઈએ પોતાની સર્જનપ્રક્રિયા વિશે લખ્યું છે – ‘કવિતા મારી પાસે અણધારી જ આવે છે અને આવે છે ત્યારે પોતાનો આકાર અને લય સાથે જ લઈને આવે છે... ...એ કવિતા કોઈ ગીત હોય, સૉનેટ હોય, ભજન હોય કે કોઈ ભારઝલી રચના હોય...’ વેણીભાઈએ ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમજ લાંબા વર્ણનાત્મક કાવ્યો આપ્યાં છે. પરંતુ ગીત અને ભજન તેમની કલમને વધારે માફક આવ્યાં છે. તેમની કાવ્યરચનાઓમાં સંસ્કૃત વૃત્તો, માત્રામેળ દેશીઓ તેમજ અછાંદસ પણ છે. બાળપણમાં સતત કાને પડેલા સંગીતસૂરો તેમની કવિતામાં સહજ રીતે ઝિલાયાં છે. લયની પ્રવાહિતા એ તેમની કવિતાની સિદ્ધિ છે. તેમનાં ગીતોમાં અને ભજનોમાં તેમની કવિત્વશક્તિ ખીલી છે. આ સૌંદર્યરસિક, રંગદર્શી કવિનાં કેટલાંક ગીતો જોઈએઃ ‘જેમ કે, ‘નાનકડી નારનો મેળો’ —

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલઃ
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર! પાણીડાં જઈએ,
વીરડે વાતું કરશું રે લોલઃ
વાટકે વાટકે ભરશું રે લોલ.

ગામડામાં પડતી સવારનું સુંદર ચિત્રાત્મક અને લયાત્મક વર્ણન કરતા કવિને વાત તો કરવી છે – પરોઢિયે ઊઠીને કામે ચડતી ‘નાનકડી નાર’ – નવોઢાની. કામોની યાદી સાથે હેલે ચડતું અલ્લડ યૌવન. હૈયે ફોરતો ફાગણ, સાહેલીઓ સાથે વાતો કરવાની ઉતાવળ. કાચી ઊંઘમાંથી ઊઠતી નાનકડી નારની સ્થિતિ. ઊઠતાંવેંત કામ ચીંધતાં સાસુ-સસરાના અવાજો સંભળાતાં –

કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.

પાછલી રાતનું સપનુંય ન જોઈ શકે એવી નવોઢાની સ્થિતિ, તેના હૈયાના ભાવો, રોજિંદી જીવનશૈલી વગેરે સરસ રીતે નિરૂપાયાં છે. વેણીભાઈની કાવ્યસૃષ્ટિમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. પ્રેમ, પ્રણય-વિરહ, પ્રકૃતિ, રાષ્ટ્રભાવના, ગાંધીયુગના સંસ્કારો, ચિંતન, અધ્યાત્મ વગેરે તેમની કવિતામાં સહજ વણાઈને આવે છે. તો સમાજથી કવિ દૂર રહ્યા નથી એટલે જ મજૂરની વેદનાને પણ વાચા મળી છે. તો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું તેમને આકર્ષણ છે જે અનેક ભાવોને વાચા આપે છે. જેમ કે, ‘તેડા’માં આઠ આઠ માસથી વર્ષાની રાહ જોતા મોરલા – મેઘરાજાને વર્ષાને મોકલવાની વિનંતી કરે છે ત્યારે વર્ષા વિના પ્રકૃતિની શી સ્થિતિ છે, તેનું વર્ણન –

વનની વનરાઈ ઓલ્યા વાદળિયા દેશમાં
નજરું નાખીને કાંઈ જોતીઃ
ઝરણાએ ગીત ખોયાં ડુંગરની કંદરે,
થાકી એને હું ગોતી ગોતીઃ
ઓ મેઘરાજા! વર્ષાને મોકલો.

ધરતી પર કાગડોળે જોવાતી વર્ષાની રાહ અને વાયુને હૈયે ગુંજતા મલ્હારના સૂર. પ્રકૃતિ સાથે માનવહૃદયના ભાવોનું આરોપણ, ગ્રામ્ય પરિવેશ વેણીભાઈનાં કાવ્યોમાં સહજ રીતે વણાઈને આવે છે. એટલી જ સહજતાથી લય, તાલ ગીતોમાં ગૂંથાતા આવે છે. ‘સાંજ પહેલાંની સાંજ’માં કવિએ સાંજ પડતાં પહેલાંના સમયની ગતિવિધિ અને એ સમયની પ્રકૃતિને સુંદર રીતે નિરૂપી છે. એ પ્રકૃતિ-ચિત્ર જુઓઃ

હજી આ કોકરવરણો તડકો છે,
સાંજ તો પડવા દો!
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,
દિવસને ઢળવા દો!
— સાંજ તો પડવા દો!

પશુ-પંખી, ઘર-ગામ, ધરતી અને આભના રમણીય આલેખન સાથે કવિ હવાની રૂખ બદલાય એની રાહ જોવાનું કહે છે ત્યારે કવિનું રંગદર્શી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ‘મધરાતની માલણ’માં પ્રકૃતિના સુંદર વર્ણન સાથે પ્રણય-વિરહનું આલેખન થયું છેઃ શરૂઆતમાં ચાંદનીનું વર્ણનઃ

માઝમ રાતે નીતરતી નભની ચાંદની,
અંગેઅંગ ધરણી ભીંજાયઃ
એવા રે ભીના રંગની ઓઢી એણે ઓઢણી,
પાલવડો પવને લહેરાયઃ
– જાણે એ ફૂલને ફોરમ પાય.
– માઝમ રાતેo

એ પછી તો – આંખમાંથી નભના રંગો નીતરે છે પણ તેને ઝીલનારોય નથી. વિરહવ્યથાનું પ્રકૃતિના આલંબન સાથે સરસ આલેખન થયું છે. વેણીભાઈનાં કાવ્યોમાં પ્રકૃતિ વિવિધરૂપે પ્રગટે છે. ગ્રામ સમાજમાં હોળીનો ઉત્સવ. હોળીનો પૈસો માંગવાનો રિવાજ. ઘેરૈયાઓ ભેગા મળીને ઘેરો ઘાલીને – પૈસો માંગે. એ ‘ઘેરૈયાનો ઘેરો’ કાવ્યમાં ‘નવાઈલાલ’નું પાત્રનિરૂપણ – હળવા હાસ્ય અને ઠઠ્ઠામશ્કરી સાથે ખૂબ સરસ રીતે થયું છેઃ

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ!
હોળીનો પૈસો આલો, નવાઈલાલ!
... ... ... ...
... ... ... ...
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ!
જૂની તે પોતડી પ્હેરી, નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ!

નવાઈલાલને હૂબહુ કરતું આલેખન – ઊંધી ટોપી, ચશ્માંની વાંકી દાંડી, મૂછોનો એક વાળ ધોળો – એને ‘કલપ’માં બોળવાની સલાહ વગેરે. વેણીભાઈનું રંગદર્શી વ્યક્તિત્વ છલકાય છે એવું એમનું અમરગીત – જે આજની પેઢીના હોઠે અને કાને રમતું રહ્યું છે તે – ‘પાનીને પગરસ્તે’ –

તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
... ... ...
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.
... ... ...
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

પ્રણયનો મદ અને મસ્તી – જેમ ભીંત ફાડીને પીપળો ઊગે એમ એમના હૈયામાંથી પ્રગટી છે. વેણીભાઈનાં ગીતોમાં લોકગીતના લય-ઢાળ, લોકબાની, મસ્તી-મિજાજ વગેરે સહજ રીતે નિરૂપાયાં છે. વેણીભાઈનાં કાવ્યોમાં ગાંધીયુગની અસર છે. તેમનાં કાવ્યોમાં રાષ્ટ્રપ્રેમનું નિરૂપણ છે. જેમ કે, ‘કો’ક તો જાગે!’માં પ્રજાની ચેતનાને સંકોરવાના પ્રયત્નો છે. તેની સાથે પ્રજાની નિષ્ક્રિયતા પર કટાક્ષ પણ છેઃ

બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળબંધ હોય હવેલી,
ગામની ચંત્યા ગોંદરે મેલી,
એ...ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી —
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!

તત્કાલીન સામાજિક સ્થિતિથી દ્રવિત કવિ પાસેથી ‘મજૂરની કવિતા’ મળે છે. મજૂરોની હાડમારી, ચીંથરેથી વીંટાયેલો દેહ, પરસેવાથી રેબઝેબ મજૂરોનું શબ્દચિત્ર સુંદર રીતે આલેખાયું છે. જુઓઃ

લાચારીથી લથબથ જુઓ આ મજૂરિયાં,
સુખ કેરાં સપનાંય સુખથી સેવાય ના.
કીકીઓમાં કુતૂહલ, કલેજામાં હાયવોય,
હાડમારી કેરો કોલાહલ હલ થાય ના.

તો ‘માણસ’ જેવી રચના પણ તેમની પાસેથી મળે છેઃ

કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.

વેણીભાઈનાં ભજનોમાં પ્રયોજાયેલી તળપદી ભાષા-બાની, પ્રાચીન લય-ઢાળ, ભક્તિની મસ્તી, અધ્યાત્મ, ચિંતન વગેરે નોંધપાત્ર છે. જુઓ ‘પારાવાર’માંઃ

હું પોતે મારામાં છલકું
પંચામૃતનો મુખરિત પારાવાર.
... ... ...
હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्य शिवोऽहम् नित्य जीवोऽहम्,
હું પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.

પરમાત્માની અનંત વ્યાપ્તિનો સ્વીકાર. જાણે અનુુભવમાંથી આત્મસાત્ થયેલ વિચાર કાવ્યરૂપ પામ્યો છે. વેણીભાઈની યશોદાયી કાવ્યરચના ‘નયણાં’માં કવિએ આંખોને ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં’ કહ્યાં છે. ત્યાં વેણીભાઈની સર્જનશક્તિનાં દર્શન થાય છે.

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં —
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

આ કાચનાં કાચલાં જેવાં નયણાં છીછરાં પણ છે, અને અતાગ ઊંડાય છે. તો ઝેર અને અમૃત બંને એકસાથે તેમાં છે. સાત સાત સમુદ્રો પણ એમાં છે અને વડવાનલની આગ પણ એમાં જ છે. દરેક વિરોધી બાબતોને સાથે મૂકીને નયણાંનો સચોટ કાવ્યમય પરિચય કરાવે છે. તો ‘રામઝરૂખો’માં–

ઝોબો આવીને જીવ જાશે,
પલકમાં પાછો આવીને પુરાશે,
પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.

મનુષ્યની ઇચ્છાઓ, એષણાઓ, તૃષ્ણા વગેરે પાછળ ખર્ચાઈ જતી જિંદગી. રામ વિનાનો મનુષ્યાવતાર. રામ વિના દશરથની અને રામની રાહ જોતી શબરી. બંનેમાં કોની ભક્તિ ચડે! આમ અહીં કવિએ ભક્તિનો મહિમા કર્યો છે. આ ઉપરાંત ‘સુખડ અને બાવળ’, ‘પરબડી’, ‘એકતારો’, ‘મંજીરા’, ‘હેલી’, ‘લગની’ વગેરેમાં ભક્તિ અને અધ્યાત્મનું સઘન નિરૂપણ છે. તો ‘નોખું નોખું ને એકાકાર’માં સમાધિના અનુભવની વાત આલેખાઈ છે, જુઓઃ

‘લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો-સો ત્યાં ઊઘડી,
સો-સો સમાધિ લાગી... લાગી અધૂકડી,
જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :
રે જોગીડા! આ તે
કેવું પરાયું કેવું આગવું હો જી!’

‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨)માં વેણીભાઈએ ગઝલો લખી છે. ગઝલોમાં કવિનો રંગદર્શી સ્વભાવ પ્રગટ થાય છે. ‘અલબેલો અંધાર હતો’માં જુઓઃ

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

તેમના અન્ય સંગ્રહોમાં પણ ગઝલો છે. જુઓઃ ‘બંદો બદામી’ –

સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે,
મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે.

જેવી શબ્દાળુ અને વાચાળ ગઝલો પણ એમની પાસેથી મળે છે. વેણીભાઈની કાવ્યરચનાઓ – ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક વગેરેમાં શબ્દ અને લયનું માધુર્ય પ્રગટે છે. લયની પ્રવાહિતા અને શબ્દચિત્રો તેમની અભિવ્યક્તિની લાક્ષણિકતા છે. તેમાં વ્યંગ અને વિનોદનું પણ નિરૂપણ છે. વેણીભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યાં છે. જેમ કે, ‘દીવાદાંડી’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘બહુરૂપી’, ‘કંકુ’, ‘યમુના મહારાણી’, ‘ધરતીનાં છોરું’ ‘ગજરા મારુ’ વગેરે. ‘બહુરૂપી’નાં ગીતો માટે એમને ગુજરાત સરકારનું ‘શ્રેષ્ઠ ગીત’નું પારિતોષિક પણ મળેલું. આ ઉપરાંત તેમની પાસેથી ‘કાવ્યપ્રયાગ’ (૧૯૭૮) જેવો પ્રાચીન અને અર્વાચીન કાવ્યોના અરૂઢ ભાષામાં કરેલા આસ્વાદનો ગ્રંથ પણ મળે છે. પ્રિયતમાની આંખના અફીણી, તેના બોલના બંધાણી, તેના રૂપની પૂનમના પાગલ વેણીભાઈ દરેક પેઢીને યાદ રહેશે – તેઓ ગવાતાં રહેશે, સંભળાતાં રહેશે –

તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
– ઊર્મિલા ઠાકર