કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૪. શ્રાવણનો મહેરામણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૪. શ્રાવણનો મહેરામણ


આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.

          ગગન ભભૂત લગાવી બેઠું
          ભાંગ બદામી હજમ કરીને
          મેઘ બજાવે મૃદંગ મદભર
          તોડા મોડા ભરી ભરીને.

જાણે ત્રાડ પડે ત્રિભુવનમાં
          અહિરાવણ મહિરાવણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.

          તનની, મનની, વન-નિર્જનની
          માટી મઘમઘ મરમી મરમી,
          અનુભવ થાય અગોચર-ગોચર
          ભટકલ ભટકલ, ભરમી ભરમી.

વીજ હલેતી હીંચ ચગાવે
          પવનપતાકા કામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.

          દશે દિશાઓ ઢોળે ચામર,
          છાયા ભીને વાન છબીલી,
          ઇન્દ્રસભા નાચે નયનોમાં
          વિરહ-મિલનની મોજ રસીલીઃ

કુદરતની પીંછીથી પ્રગટી
          અજબ ચમક ચિતરામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.
(આચમન, પૃ. ૫-૬)