કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૪. કર્યો પ્રણય?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૪. કર્યો પ્રણય?

સુન્દરમ્

કર્યો આ તે કેવો પ્રણયઃ નહિ કો જખ્મ જ થયો
ન કો આંધી કેરાં દળ ધસમસ્યાં, ના પવનના
ઝપાટે ઊંચેરાં તરુવર ધરાશાયી બનિયાં,
ન કૈં ભાગ્યુંતૂટ્યું, અદબદ બધુંઃ આ પ્રણય શો!

હશે આવો તે શું પ્રણય? નહિ જ્યાં કો અવનવી
મહા ઊર્મિ જાગી, અવનિતલથી પાર જગની
ધસી લીલા આવી, અકલતમ ઉન્માદ ભરતી,
બધી જૂની સૃષ્ટિ ભસમ કરી કો નવ્ય રચતી?

કૃપા મોટી તેને શિર ઊતરી, જેને પ્રણયના
ટકોરા આવ્યા ને ફટ દઈ ઉઘાડી સદનનાં
બધાં દ્વારો જેણે સ્મિતસભર નેત્રે પુલકીને
લીધો તે સત્કારી અતિથિ નિજ અંતઃપુર વિષે.

ભમે છે ઘેલૂડો પ્રણય, જગમાં ક્યાંય ઘર ના,
હજી એનું? એનું અટન વિરમે ક્યાં? ખબર ના.

૨-૧-૧૯૭૧

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૨૦)