કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/અનંતના વણઝારા
Jump to navigation
Jump to search
૩૯. અનંતના વણઝારા
ઘડીક તડકો, ઘડીક ધુમ્મસ, ઘડીક વસંતના ભણકારા.
અગમ લોકથી રહે આવતા અદીઠ તારા અણસારા.
ક્યાંક તમારું રૂપ અહો બંધાય અને વીખરાઈ રહે,
વહી જતી આ લહર હવાની વણગાયું ગીત ગાઈ રહે.
પળની આ પિછવાઈની પાછળ અનંતના વણઝારા,
અગમ લોકથી રહે આવતા અદીઠ તારા અણસારા.
પગ મૂકું ત્યાં વહે પંથ ને નજર કરું ત્યાં આભ,
દૃષ્ટિ સામે તારો ચ્હેરો જાણે શુભ ને લાભ.
મીરાંનાં મંજીરાંના અહીં રૂમઝૂમતા રણકારા,
અગમ લોકથી રહે આવતા અદીઠ તારા અણસારા.
૫-૪-૧૯૮૩ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૮૦)