કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/રુદ્રને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૬. રુદ્રને

તું જ શેં પ્રલયસ્વામી એકલો,
તું જ એક અવધુત યોગી શેં!
હું ય ધ્વંસ કરતો ઘૂમી વળું.
કોઈ શક્તિ નહિ રોકશે મને,
કોણ રોકી શક્યું’તું તને કહે?

નીલકંઠ! વિષ તેં પીધું, હવે
કાલકૂટ સહુએ ચૂસું તવ,
રોમ રોમ મહીં એ હલાહલ,
ધ્વંસનું સતત ડંખતું ભલે.

ડાકલું બજતું ક્રુદ્ધ હાથમાં,
શો મૃદંગ થડકાટ આપતું
તાંડવે તુમુલ પ્રેરતું જતું,
એમ આજ પ્રલય-પ્રવૃત્તિમાં,
રે મૃદંગ, મુજ ચિત્ત, તું જ થા,
ધ્વંસઘોષ કરી પ્રેરજે મને.

લોહદંડસમ બાહુની છટા,
વિસ્તરેલ ઘૂમતી ખગોળમાં.
લોહની જ અવ કારમી ધૃતિ,
ધારી શેં ન અવ રોળવું બધું?

સ્પર્શ માત્ર નખનો થતો, ’થવા,
કેશનું ઊડતું જે જટાજૂટ,
લેતું વિશ્વ સઘળું વિનાશમાં.
એવી ઉગ્ર પ્રલયંકરી લીલા –
–ની ધૂણી ધખતી આ ઉરે અહીં.
આપ રુદ્ર, તુજ તાંડવી લીલા,
જીર્ણ જેહ થયું વિશ્વમાં બધું,
વહ્ નિમાંહી પ્રકટ્યો વિનાશ ત્યાં,
ઘૂમી ઘૂમી સઘળું જ હોમવું.
અટ્ટહાસ્ય, તુજ આસ્યની છટા,
માગું એ જ મુખની કરાલતા.
અગ્નિ-કંકણનું તેજ આપજે
આંખમાંહી, દહતો ફરી વળું.

ર્ હે વિનાશ મહીં શેષ ન કશું,
ચિત્ત, આવ, તુજને જ બાળવું.
આવજે મરુત તું ઉડાડજે,
રાખ એની દશ દિગ્ વિષે બધે.
રુદ્ર! આજ પ્રતિસ્પર્ધી આપણે,
આવ, કોણ જયી થાય જોઈએ!

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૬૧-૧૬૨)