કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/વિલીન ગત થાવ
Jump to navigation
Jump to search
૩૦. વિલિન ગત થાવ
વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.
અરે! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.
રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.
પ્રભો-નિયતિ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.
૨૧/૨૩-૯-૧૯૪૮(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૨૨)