કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/કવિ અને કવિતાઃ હસમુખ પાઠક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિ અને કવિતાઃ હસમુખ પાઠક


કવિ શ્રી હસમુખ પાઠકનો જન્મ ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૩૦ના રોજ પાલિતાણામાં થયો હતો. ભોળાદના વતની. પ્રશ્નોરા નાગર. પિતા હરિલાલભાઈ ભોળાદ છોડી અમદાવાદ આવ્યા, મિલમાં ઇજનેર તરીકે જોડાયા. માતા દેવગૌરી. ગળથૂથીમાં જ કવિને માતા પાસેથી અધ્યાત્મનો વારસો મળેલો. મા ઘરકામ કરતાં કરતાં શુદ્ધ ઉચ્ચારો સાથે ‘ગીતા’ અને ‘વિષ્ણુસહસ્રનામ’ના પાઠ કરતાં. ‘ગીતગોવિંદ’ અને ‘કૃષ્ણકર્ણામૃત’ના શ્લોકોનું ગાન કરતાં. ઘરમાં શંકરાચાર્યના ‘ગોવિંદાષ્ટક’ અને ‘કૃષ્ણસ્તુતિ’ની ચર્ચાઓ થતી. ઠાકોરજીને અપૂજ ન રખાય એટલે માએ બાળક હસમુખને ભાવપર્વક પૂજા કરતા શીખવેલુ. કવિ કહે છે કે ‘મા મારી ગુરુ’. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાંથી પ્રાપ્ત કરેલું. પત્ની સરલાબહેન (શ્રી નાનાભાઈ ભટ્ટના પુત્રી) સાથે ૧૯૫૩માં લગ્ન. ૧૯૫૪માં ગુજરાત કૉલેજ અમદાવાદમાંથી તેઓ ભૌતિકવિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે બી.એસસી. થયેલા. ૧૯૫૫માં દિલ્હી યુનિવર્સિટામાંથી ડિપ્લોમા ઈન લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો. ૧૯૫૫-૧૯૫૮ સુધી અટિરા ગ્રંથાલયમાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. ૧૯૫૮-૧૯૬૬ દરમિયાન તેમણે શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્કાલયમાં મદદનીશ ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. આ ગ્રંથાલયના ગ્રંથપાલ મોહનભાઈ પટેલ સાથે મૈત્રી થઈ. બન્ને બંગાળી સાહિત્યના પ્રેમીઓ. ૧૯૬૪માં દિલ્હી યુનિવર્સિટીમાંથી તેઓ માસ્ટર ઑફ લાઇબ્રેરી સાયન્સ થયા. એ દરમિયાન તેઓ ભારતના ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ ડૉ. એસ. આર. રંગનાથનના શિષ્ય રહેલા. ૧૯૬૬-૧૯૬૮ સુધી તેમણે ઇથોપિયાની હાઈલેસાસી યુનિવર્સિટી, અડીસ-અબાબામાં સાયન્સ લાઇબ્રેરિયન તરીકે સેવાઓ આપી. ૧૯૭૦માં તેઓ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક ઍન્ડ સાયન્સમાં ગ્રંથપાલ તરીકે જોડાયા. નિવૃત્તિ સુધી ત્યાં જ સેવાઓ આપી. ૧૯૭૧થી ૧૯૮૦ સુધી તેઓ આ સંસ્થાના બે સામયિકો ‘અન્વેશક’ (અંગ્રેજી) અને ‘માધુકરી’ના તંત્રીસ્થાને રહેલા. ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઑફ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન સાયન્સના અભ્યાસની શરૂઆત થઈ. ત્યારે તેમણે કોર્સ-કોઓર્ડિનેટર તરીકે ધૂરા સંભાળેલી. લગભગ ૧૯૯૧-૧૯૯૫ સુધી તેઓ ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક રહેલા. આમ હસમુખ પાઠકની કવિતાયાત્રા અને ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનની યાત્રા લગભગ સમાન્તર ચાલી. ૩જી જાન્યુઆરી ૨૦૦૬ના રોજ માએ આપેલા ભગવાન ચૈતન્યના મંત્ર સાથે તેઓ અદ્વૈત ચેતનામાં ભળી ગયા.


આધુનિકતાનો ઉન્મેષ પ્રગટાવતી કાવ્યરચનાઓ સાથે કવિશ્રી હસમુખ પાઠકે વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગુજરાતી કવિતાક્ષેત્રે પ્રવેશ કર્યો. એ સમયે કવિતામાં લય, પ્રાસ, પ્રતીક અને કૌંસ જેવી કથનરીતિની નવી યુક્તિ-પ્રયુક્તિઓ પ્રયોજીને કવિતા કાનથી અને આંખથી પામવાના પ્રયત્નો થયા. આધુનિકતાની આ નવી કેડી કંડારનારા ચાર કવિઓ – નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, નલિન રાવળ અને હસમુખ પાઠક. ‘સર્જકની આંતરચેતના’ (પૃ. ૧૬)માં આ કવિ લખે છે કે તેમની પહેલી રચના ૧૯૪૪-૪૫માં રચાઈ. જે ન્યુ એજ્યિકેશન હાઈસ્કૂલના સામાયિકમાં ‘ખોજ’ નામે તંત્રીશ્રી હરિહર ભટ્ટે છાપેલી. ‘સાયુજ્ય’ની પ્રસ્થાવનામાં કવિ લખે છેઃ ‘૧૯૪૬થી કવિતા લખવાની, આડાઅવળા શબ્દો ચીતરવાની રમત રમ્યા કરતો.’ એ પછી એમણે નોંધ્યું છેઃ ‘એ અવાજનો સૂર બંધાયો ૧૯૫૧ની આસપાસ’ આમ ૧૯૫૨માં હસમુખ પાઠકની કાવ્યયાત્રા શરૂ થઈ. તેમની ૧૯૫૨-૫૭ સુધીની કાવ્યરચનાઓ ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલી. જે ‘નમેલી સાંજ’(૧૯૫૮) કાવ્યસંગ્રહરૂપે પ્રકાશિત થઈ. કવિ લખે છે તેમ તેમની કાવ્યરચનાઓનો બીજો દોર ૧૯૬૨-૧૯૬૮ સુધી ચાલ્યો. આ રચનાઓ પણ ‘સંસ્કૃતિ’માં જ ‘શિર નમ્યું’ નામે એક સાથે પ્રગટ થયેલી. આ બન્ને દોરની કવિતાઓ ‘સાયુજ્ય’ (૧૯૭૩)માં ગંથસ્થ થઈ છે. તેમના આ કાવ્યસંગ્રહને કવિ ન્હાનાલાલ પારિતોષિક મળેલું. ત્યારપછી ‘જાગરણ-પાછલી ખટઘડી’ (૧૯૯૧) કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. કવિ લખે છે કે આ સંગ્રહની રચનાઓના અનુસંધાનમાં ‘એકાન્તિકી’ (૨૦૦૪) કાવ્યસંગ્રહની રચનાઓ આવી છે. આ કવિને મન ‘માણસાઈનો આનંદ’ એટલે કવિતા. આ કવિની કાવ્યવિભાવના કેવી છે?! એમના જ શબ્દોમાં કહીએ તો – ‘કવિતા એટલે વાણીમાં વ્યક્ત થવા મથતી માણસાઈનો આનંદ, આનંદ, આનંદ...’ (‘સાયુજ્ય’ પ્રસ્તાવના) આનંદની પરાકાષ્ઠા તો જુઓ— એકવાર નહીં પણ ત્રણ વાર– આનંદ. એમના મતે કવિતામાં શબ્દ, છંદ, વિચાર, પ્રસંગ, પ્રતીક, અલંકાર બધુંય હોવા છતાં – ‘જો કવિતામાં મનુષ્યના ધબકતા ચૈતન્યનો, એની સભાનતાનો, એક પરમ તત્ત્વ સાથેના પોતાના સહજ સંબંધનો અણસાર ન કળાય ત્યાં સુધી કવિતા કવિતા કેમ કહેવાય?’ (‘સાયુજ્ય’ પ્રસ્તાવના) આ ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત હસમુખ પાઠકે યુરોપના આધુનિક પ્રયોગશીલ કવિ તરીકે જાણીતા ઝેકોસ્લોવાકિયાના કવિ મીરોસ્લાબ હોલુબનાં કાવ્યોનો અનુવાદ ‘વસ્તુનું મૂળ અને બીજાં કાવ્યો’ (૧૯૭૬) નામે કર્યો છે. જે ઉમાશંકર જોશીએ ‘નિશીથ પુરસ્કારમાળા’ અંતર્ગત પ્રગટ કરેલો. તેમણે ‘કોરસ’ નાટ્યસંસ્થા માટે સૅમ્યુઅલ બેકેટના નાટક ‘વેઈટિંગ ફોર ગોદો’ની સ્ક્રિપ્ટ ગુજરાતી ભાષામાં (૧૯૭૯-૮૦) તૈયાર કરી હતી. ઓરિસામાં આ નાટક ભજવાયું હતું. તેને બીજું ઈનામ પ્રાપ્ત થયેલું. ‘બિલ્વમંગળ’ કવિ શ્રી લીલાશુક રચિત ‘કૃષ્ણ-કર્ણામૃત’– બંગાળી આવૃત્તિનો ‘નીલમણિ’ (૧૯૯૮) નામે અનુવાદ સાથે સારરૂપ ટીકા આપી છે. કવિ કહે છે કે ‘આ સાનુવાદ ટીકા ‘નીલમણિ’ એ એમની માના ઘરનું ઘરેણું છે.’ આ ઉપરાંત ‘મા દીકરો’ (૧૯૫૭) અને ‘રાત્રિ પછીનો દિવસ’ (૧૯૬૩) એ બે વાર્તાઓ ‘સંસ્કૃતિ’માં પ્રગટ થઈ હતી, તો જાપાની નાટ્યકાર જુન્જી કિનોશિટાના નાટક ‘ટ્વીનાઈટ’નો અનુવાદ, ‘સારસીનો સ્નેહ’ (૧૯૬૩) નામે કર્યો છે. આસ્વાદમૂલક વિવેચનાત્મક તેમજ આત્મકથનાત્મક લેખો પણ તેમણે લખ્યા છે.

આધુનિક કવિતાના વિશિષ્ટ લક્ષણ ધરાવતી હસમુખ પાઠકની કવિતાઓમાં કવિની વક્રદૃષ્ટિ, વર્ગવિષમતા, કટાક્ષ, નવાં પ્રતીક, પાત્રો અને પ્રસંગોને અનુરૂપ અભિવ્યક્તિની છટાઓ, બોલચાલની ભાષા, કૌંસનો ઉપયોગ વગેરે નોંધપાત્ર છે. એમાંની કેટલીક રચનાઓ જોઈએ. ‘સાંજ’

નમેલી સાંજનો તડકો,
અહીં ચડતો, પણે પડતો,
ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ
અડવડતો.

કવિની કલ્પના જુઓ. નમેલી સાંજે ‘અહીં’ ચડતો અને ‘પણે’ પડતો તડકો. ક્ષિતિજ તો ‘ઉંબર’ અને ‘ઠેસ ખાતો સૂર્ય’! ‘ઠેસ’ ખાવાથી ‘અડવડતો’ સૂર્ય કેવું કાવ્યાત્મક દૃશ્ય! તો ‘તણખલું’ કાવ્યમાં :

સૂસવતો માતરિશ્વા (બ્યુક મોટરનો ઝપાટો)
ને ઉપર સળગે સૂરજ,
(અંગાર જાણે રાજ્યસત્તાનો બળે!)
ડામર બધો યે ખદબદે છે તાપમાં;
તોયે તણખલું આ,
નહીં ચસકે, નહીં સળગે, નહીં પીગળે!

‘સૂસવતો માતરિશ્વા’ – ઝડપથી ચાલી જતી મોટર, ધગધગતો સૂરજ અને તાપમાં ખદબદતો ડામર. કવિ રસ્તા પરના તણખલાને હાથમાં લઈ લે છે. પરંતુ અંતે કવિને તણખલાની શક્તિનો પરિચય થાય છે. સત્ય લાધે છે. કવિ તણખલું મૂકીને ચાલતા થાય છે. ‘આંબો’ કાવ્યમાં માનવભાવોનું આરોપણ કરતા કવિ કહે છેઃ

ને નમ્ર આંબો
(શિષ્યના સૌ વૃંદને ઝુલાવતો જાણે ઈશુ!)
કાચી અને પાકી ટપોટપ કેરીઓ ખરતી જતી
નીરખી રહ્યો.

સંવેદનશીલ કવિ અકસ્માત જુએ ને કવિતા સર્જાય. પૂરજોશમાં જતી ચિક્કાર બસ નીચે ધીમી ગતિએ જતો ‘નંબર લગાવેલો પાડો’ ફસડાઈ જતો જોઈને કવિ પૂછે છે ‘કોઈને કંઈ પૂછવું છે?’ એ પછીઃ

ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું.
લોહીના ખાબોચિયામાં માંસના લચકા
અને બે શીંગના ટુકડા—
(બધું ભેગું કરીને સાંધવા મથતી નજર) – ને
ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકાં ભરે!
(યમરાજ પણ છેવટે, પછી, આવ્યા ખરેખર!)

વેદનાની તીણી ચીસ કવિના હૈયામાંથી નીકળી જાય છે પણ પૂરવેગમાં દોડ્યે જતા લોકો નોંધ સરખી પણ લેતા નથી. માણસાઈને પામવા મથતા કવિ માણસાઈનો હ્રાસ સૂક્ષ્મતાથી સંવેદે છે. ‘શ્હેરની ઘડીઓ ગણતાં’માં કવિ શહેરની ઊઘડતી સવાર, બપોર અને સાંજના સુંદર દૃશ્યાત્મક ચિત્રો સાથે નર્યા વાસ્તવનું આલેખન કરે છે, જુઓઃ

કેવું પરોઢ ઊઘડે (શિશુનું બગાસું!)
આ શ્હેરનું; લથડિયાં ભરતા જતા સૌ
(શું રાતપાળી કરતા મજદૂર?) તારા;
ને સૂર્ય લાલ તીરછી નજરે નિહાળે
હોટેલ લાઈટ્સ હજીયે ભભકી રહેલી.

‘પશુલોક’માં – ‘કૂતરો’, ‘ચામાચીડિયું’ અને ઊંટ જેવાં પાત્રો દ્વારા કવિ સમાજની કઠોર વાસ્તવિકતાને નિરૂપે છે. કૂતરાના પાછલા પગમાંથી લોહી નીકળે છે, ભૂખ્યો ડાંસ કૂતરો એને ચાટે છે. કોઈ તેની સામે જોતું નથી. આલીશાન બંગલામાં વસતાં શેઠિયાઓ પર કવિ ધારદાર કટાક્ષ કરે છેઃ

ઓ ધરમરાજા, જુઓ આ દૂબળા સામું,
તમારી સાથ એ તો આવશે છેલ્લો હિમાળો ગાળવા,
ને બાળવા બધ્ધું જમા-ઉધારનામું;
ઓ દયાળુ, એક બટકું ફેંકજો એને અહીંથી ટાળવા.

આ કવિ પાસેથી પ્રાણીઓ વિશેના વિલક્ષણ કાવ્યો મળ્યાં છે. ‘રાજઘાટ પર’ – કવિતાથી આ કવિ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્યજન સુધી પહોંચ્યા. આ ટચૂકડી કવિતા બોલકી બન્યા વિના ગાંધીજીના જીવનનો સમગ્ર ચિતાર આપે છે, જુઓઃ

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી—

માત્ર દોઢ પંક્તિમાં ગાંધીજીએ શું નથી કર્યું એમ કહીને, પંક્તિને અંતે ‘–’ (ડેશ) મૂકીને કવિ જાણે ગાંધીજીના સમગ્ર જીવનનો-આયુષ્યના તમામ વર્ષોનો ચિતાર આપે છે. ‘–’ ડેશ જોતાં જ જાણે આંખ સામે – દક્ષિણ આફ્રિકામાં રંગભેગ માટે ઝઝૂમતા ગાંધી, ગોળમેજી પરિષદમાં જતા ગાંધી, અનશન કરતા ગાંધી, હાથમાં લાકડી લઈને દાંડીકૂચમાં દોડતા ગાંધી, રેંટિયો કાંતતા અને પ્રાર્થના કરતા ગાંધી – આવાં તો અનેક દૃશ્યો દેખાવા લાગે છે. જેમનામાં અધ્યાત્મ સંચિત થયેલું છે તેવા આ કવિનો સૌંદર્યબોધ અને જીવનબોધ ધ્યાન ખેંચે છે. ‘પ્રાર્થે હવે કાલિદાસ’માં કવિ મોક્ષમાંથી મુક્તિ માંગે છે. આ પૃથ્વી પર ફરી નવો જન્મ માંગે છે. પૃથ્વીની સ્થિતિ, કકળી રહેલાં નગરો, મહાનગરો મનુષ્યોની સ્થિતિ, જિજીવિષા વગેરેનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. છતાં આ કવિને આ ઘરતી પર ક્યાંક ક્યાંક હરિયાળી દેખાય છે. પૃથ્વીને આનંદમય કરવી છે, પામવી છે, કવિને પૃથ્વીનો પ્રલય ખપતો નથી. તેમને તો, ફરી ફરીને મનુષ્ય થવું છે. કવિ હસમુખ પાઠકની કવિતાનો બીજો દોર (૧૯૬૨-૧૯૬૮) શરૂ થયો તેમાં ગળથૂથીમાં પ્રાપ્ત થયેલા અધ્યાત્મના સંસ્કારો જોવા મળે છે. અહીં નગરજીવનની આધુનિકતા સાથે પરમ તત્ત્વ સાથેના સંબંધનો ઉઘાડ થતો જોવા મળે છે. જેનો અણસાર ‘અંતઘડીએ અજામિલ’ અને ‘ગજેન્દ્રચિંતન’ જેવી રચનાઓમાં પામી શકાય છે. ‘અંતઘડીએ અજામિલ’માં કવિ નારાયણને જ કોડિયામાં તેલ પૂરવાનું અને દીવો કરવાનું કહે છે. કવિને નારાયણની પાકી ઓળખ છે. જુઓઃ

તારા રૂપને ઓળખું છું, નારાયણ, તારા રૂપને ઓળખું છું.
નથી સમજતો તે તારામાં છુપાયલા અરૂપને, નારાયણ!
નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું, તેથી
સાદ કરું છું, નારાયણ! તારા રૂપને ઓળખું છું, નારાયણ,
તારા રૂપને ઓળખું છું.
આવ, આવ, નારાયણ, હજી આમ ઓરો આવ,
ઓરો આવ…

કવિને જેનો તલસાટ છે એ ‘નારાયણ’માં છુપાયેલા ‘અરૂપ’ને સમજવાનો, પામવાનો. ‘ગજેન્દ્રચિંતન’માં તો કવિ કહે છે કે, ‘કદાચ આ છેલ્લો દાવ હોય; આમ આ કાવ્યમાં અધ્યાત્મના મૂળ ઊંડે ઊંડે પ્રસરતાં-ફેલાતાં જણાય છે. આથી જ અંતે કવિ કહે છેઃ

મારું હૃદય
આ ગ્રાહની ઓસરતી પકડમાં, ચારે દિશાઓમાં
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,
ફરકાવેલા આનંદમાં, હસ્તિનીઓના મૌનમાં,
પ્રત્યક્ષ પ્રગટ થતા ચૈતન્યસ્વરૂપમાં,
ઊર્ધ્વ થવા મથતું જાણે છે કે —
જીત કોની છે.

‘મા જ્યારે વૈકુંઠ જશે’માં કવિએ ગોવિંદમય બનેલી માની સ્વર્ગે સિધાવાની ક્ષણોને કેવી અધ્યાત્મમય રીતે નિરૂપી છે! સાક્ષાત્ ગોવિંદ – ઉત્તરના દેવ માના વામ અંગે સ્પર્શીને કહેશે. ‘ચાલો મા, સમય થયો!’ ત્યારે મા જે રીતે ગોવિંદને જુએ છે તે સરસ દૃશ્યબદ્ધ થાય છે. અંત સમયનો પરિવેશ, વૈંકુઠમાં માતા-પિતાનું મિલન અને અંતે,

વૈકુંઠના ગર્ભદ્વારે
માતાપિતાનાં પગલાં સંભળાશે,
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

જાણે બધું જ એકાકાર – ગોવિંદમય, પગરવમાં જાણે ‘ગોવિંદ ગોવિંદ’ પદરવ. પરમશાંતિ. તો ‘સંધ્યાવંદન’માં ધ્યાનસ્થ અવસ્થા, તેની ગતિ-સ્થિતિ તથા સ્વાનુભવ કાવ્યરૂપ પામે છે. કવિની અધ્યાત્મની અનુભૂમિ તેમના કાવ્યસંગ્રહ ‘જાગરણ-પાછલી ખટઘડી’ (૧૯૯૧)માં વધારે સઘનતાથી તથા સાદાઈથી આલેખાઈ છે. પરિણામે ‘જાગરણ’, ‘ઠાકોરજી-મા’, ‘યશોદા-રીતિ’, ‘એકલતા’, ‘દીવાલ’, ‘બતાવ મને’, ‘અભેદના અંકોડા’ જેવી અધ્યાત્મના ઊંડાણવાળી રચનાઓ મળે છે. ‘તને મારે કેમ ચિતરવો?’માં જુઓઃ

આટલું લખતામાં, વહાલા, તું એવો સ્પર્શ કરે,
આંખમાંથી અશ્રુ સરે, હાથમાંથી કલમ...
બોલ હવે, તને મારે કેમ કરી ચીતરવો?

કવિ (હેમિંગ્વેને ટાંકીને) કહે છે કે કવિતારૂપે જે રચનાઓ મળી છે એ તો સાગરમાં તરતી હિમશિલાની ટોચ જેવી એક અષ્ટમાંશ ભાગ જ છે. ‘જાગરણ-પાછલી ખટઘડી’ની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે, ‘આ કવિતાઓ એક પીડમાંથી શરૂ થઈ છે, જે હજી શમી નથી.’ ૧૯૮૬માં કવિએ કવિતા લખવાનું બંધ કર્યું. પરંતુ નહીં શમેલી ‘પીડ’ એમની પાસે કવિતા કરાવીને જંપી. ખૂબ લાંબા સમયગાળા પછી ૨૦૦૪માં ‘એકાન્તિકી’ કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. આ સંગ્રહમાં ભગવદ્ પ્રેમનાં – કૃષ્ણપ્રેમનાં કાવ્યો મળે છે. વ્રજભાષામાં લખાયેલી ‘આનંદ ચોપાઈ’માં કવિનો શરણાગતિ ભાવ પામી શકાય છે;

અંતર-બાહિર સોહે ત્રિભુવન ।
પ્રેમામૃત-રસ-શબ્દ સનાતન ।।
. . . . . . . . . . . . . .
. . . . . . . . . . . . . .
કિંકર હસમુખ ભજે ભિખારી ।
ભવ ભવ રહત હિ ચરન પખારી ।।

તો ‘હરખપદૂડાં’ ગીતમાં પ્રભુમય થવા તરફની ગતિ જુઓઃ


(ત્યારે) જડ ચેતન થઈ, ચેતન જડ થઈ
પ્રભુના ચરણે રાચે છે;
હરખપદૂડો કિંકર હસમુખ
છંદે છંદે નાચે છે!

જેમાં સંત કવિઓના ગોપીભાવના પદોની યાદ તાજી થાય છે. સાહિત્યરસિકોની ભીતર આ કવિ અને કવિની શ્રદ્ધા ધબકતાં રહેશે.

– ઊર્મિલા ઠાકર