કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. રામની વાડીએ

ઉશનસ્

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.

જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી :           રામનીo

રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી :          રામનીo

રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી :          રામનીo

૭-૧૧-૫૪

(સમસ્ત કવિતા, પૃ. ૬૭)