કાશ્મીરનો પ્રવાસ/તા. ૮-૧૧-૯૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તા. ૮-૧૧-૯૧

તા. ૮-૧૧-૯૧ :- આજ બપોરે અમે જમીને હરિ પર્વત જોવા ગયા. કિસ્તી એક જગ્યાએ બજારમાં ઉભી રાખી અને ત્યાંથી બાબુ કાલિદાસે ટટ્ટુ અને ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં તે પર સ્વાર થઈ ટેકરી તરફ ચાલ્યા. આ વખતે ડાકટર પુરુષોત્તમે પનોતા પ્રાણી ( ખચ્ચરની) સ્વારી કરી હતી. અમે ઘણા દિવસથી હજામત કરાવી શક્યા નહોતા અને કપડાં પણ વિચિત્ર પહેર્યાં હતાં, તેમાં વળી ડાકટર લંબકરણ ઉપર બેઠા હતા તેથી એમની મશ્કરી કરતા કરતા રેતીમાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. કોઇએ મંકીકેપ (એક જાતની વિલાયતી ટોપી) માથા પર ઘાલી હતી તો કોઇએ કાનટોપી પહેરી હતી, કોઇએ ઓવર કોટ પહેરી તે પર ભેટ વીંટી લીધી હતી તો કોઇએ ગરમ ચોગો પહેરી લીધો હતો. કોઈએ પાટલુન પહેર્યું હતું તો કોઈએ સુરવાલ પર ગટર્સ બાંધી લીધાં હતાં ; અમારૂ આવું વિચિત્ર સરઘસ ગમ્મત કરતું હરિ પર્વત પાસે આવી પહોંચ્યું.

૨. આ ટેકરી શંકરાચાર્યના ડુંગર કરતાં ઘણીજ નહાની છે, પથ્થર સ્લેટના રંગના છે. અને તેના પર ચડી જવું પણ સહેલું છે કેમકે થોડાં વખત પહેલાંજ મજાના પગથીયાં ચણાવેલા છે. ટેકરી પર ઝાડ ઘણાંજ થોડાં છે તેથી તે એક પથ્થરના ઢગલા જેવી દેખાય છે. તેના પર એક કિલ્લો છે ત્યાં અમારે જવું હતું.

૩.પગથિયાં આવ્યા એટલે ઘોડા પરથી ઉતરી ચાલવા લાગ્યા, અને થોડા ઊંચે ચઢ્યા ત્યારે એક દેવીનું મંદિર આવ્યુ. અમે બુટ ઉતારી હાથ પગ ધોઇ તેમાં ગયા. એક મોટો પાણો સિંદૂરથી રંગેલો હતો. આ દેવી છે એમ એક પંડિતે કહ્યું તેથી અમે તેની પાસે ગયા, હું પગે પણ નહોતો લાગ્યો તેટલી વારમાં તો એક પંડિતે મને દીવા કર્યા વિનાજ ઉતાવળથી હાથમાં આરતી આપી દીધી! કેમકે તણે જાણ્યું કે આ કોટ પાટલુનવાળા ગૃહસ્થો પૂજા બૂજા કરશે નહિ. પણ અમે તો પૂજા કરવા માટેજ ગયા હતા તેથી દર્ભાસન પર હાથ જોડી દેવીની સન્મુખ બેઠા. બે મિનીટમાં લાંબી દાઢી અને ધોળી પાઘડીવાળા હાથ પગ, પાણીમાં પલાળી સંધ્યા કરનારા પચાસેક પંડીતો અમને વીંટળાઈ વળ્યા અને મ્હોં પહોળાં કરી મોટે સાદે દેવીની સ્તુતિ બોલવા લાગ્યા. આ સ્તુતિમાં દરેકનું મન લીન થઈ ગયું હોય તેવો ડોળ કરતા હતા પણ દરેકની આંખમાં સ્વાર્થ સ્પષ્ટ રીતે નજરે પડતો હતો. સ્તુતિ પુરી થઈ એટલે દેવી પર દરેકે પુષ્પ અને ચોખાની વૃષ્ટિ કરી અને અમને પણ તેમ કરવા ઈશારો કરી દીધો. આ પ્રમાણે પૂજન સમાપ્ત થયા બાદ ભૂદેવોને દક્ષિણા આપી અમે દેવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિદાય થયા.

૪.પાછા બુટ પહેરી પગથિયાં ચડવા લાગ્યા. કિલ્લાને દરવાજે પહોંચ્યાં ત્યારે એક ફાટેલ જભ્ભાવાળા બુઢ્ઢા સિપાઇએ અમને અટકાવ્યા. અમને ખબર હતી કે અહિં અમને રાજાના પાસની જરૂર છે પણ અમારા કાગવાસ પંડિતને પુછતાં તેણે કહ્યું હતું કે "સાબ, હમેરી પાસ પાસ હૈ .” આ પાસ તે સિપાઈને બતાવ્યો પણ તેણે માથું ધુણાવીને કહ્યું કે " યેહ નહિ ચલેગા. રાજા માનસીંગકા પાસ ચાહીયે.” જે કાગળ પંડિત પાસે હતો તે , દરેક જગ્યાએ સાથે રહીને બતાવવાનો, રેસિડેંટનો હુકમ હતો. આવી રીતે વગર પાસે અમે અંદર જઈ શક્યા નહિ પણ બહારથીજ શહેરનો દેખાવ જોયો. આ ટેકરી પરથી પણ આખું શહેર નજરે પડે છે પણ શંકરાચાર્યના શિવાલય પરથી જે ખુબી માણસની નજરે પડે છે તેવી અહિંથી નથી પડતી.

૫. અમારાં ઘોડાં અમે ડુંગરની બીજી બાજુએ મોકલી આપ્યા હતા તેથી તે બાજુમાં એક કેડી છે ત્યાં થઈને અમે નીચે ઉતર્યા. આ રસ્તો ઘણોજ ખરાબ છે. અમે વારંવાર પડતા હતા. પડખે ખાઇ ન હોવાથી ભેરવજપની ધાસ્તી નહોતી. લાકડીને ટેકે ટેકે ઘરડા માણસની માફક અમે નીચે ઉતરી " શાંતિ: શાંતિ: શાંતિ: કહી ઘોડેસ્વાર થયા. સદર બજાર જ્યાં ગાડી ચાલી શકે તેવી સડક છે ત્યાં થઈને લાલમંડી મહેલ તરફ ચાલ્યા.આ સડકની બન્ને બાજુએ સુંદર ઝાડ ઊગેલાં છે. અહિં કાંઇક સુધારો નજરે પડે છે. રસ્તામાં એક પુલ આવ્યો. આ પુલ માત્ર લાકડાનોજ છે અને સાંકડો ઘણો છે. અહિં એક ગાડી સામે મળી. પુલની બાજુની રેલીંગની અડોઅડ ટટ્ટુ ઊભા રાખ્યા. આ ટટ્ટુ ઘણાજ ડાહ્યાં, સમજુ અને પીઢ હોય છે, નહિતો જો કાઠિયાવાડી ઘોડાં જેવી બાળ બુદ્ધિ કરે તો તે ઘોડાને અને સ્વારને નીચે નદીમાં તટકાવું પડે. આવા પુલ શ્રીનગરમાં ઘણા છે. તે ઓળંગતા ઓળંગતા લાલમંડીના મકાને આવી ગયા. અહિં બે કચ્છી માડુ ચડી આવ્યા હતા. તેની સાથે કેટલીક વાતચીત કરી બંગલામાં ગયા. હજી સુધી કાશ્મીરમાં આ બે કચ્છી અને બાબુ કાલિદાસ સિવાય બીજો કોઇ દેશી નજરે પડ્યો નહોતો.

૬. શહેરમાંનાં બધા મકાનો ગંદાં હોવાને લીધે મહારાજા, વાઇસરૉયની મુલાકાત લાલમંડી મહેલમાં લેતા હતા. વાઇસરૉય સાહેબને કાશ્મીરી કારીગરી બતાવવા ત્યાં બનતી કેટલીક ચીજો આ બંગલામાં લાવી રાખેલી હતી. પણ અગાડીને દિવસે તેમાંની કેટલીક પાછી ઉપાડી લ‌ઇ જવામાં આવી હતી. સાંજ પડી ગઈ હતી, બંગલો બંધ હતો, તેમાં ચમત્કારી કાંઈ હતું નહિં અને કુંચી લાવતાં વખત વધારે જાય એમ હતું તેથી તે મકાન બહારથીજ જોઇ ઉતારા તરફ ઘોડાં દોડાવ્યાં. બાબુ કાલિદાસને મકાને તેનાં ઘોડાં મૂકી ,અમારી કિસ્તી ત્યાં હાજર હતી તેથી તેમા બેસી ઉતારે આવ્યા.

૭. સવારના ચાર વાગે શ્રીનગર છોડવું હતું તેથી વાળુ કરી સામાન બધો કિસ્તીમાં ભરી, “ કાશ્મીર તને સલામ છે ! વળી અન્નજળ હશે તો કોઈ દિવસ તારું પુરૂં અવલોકન કરવા આવીશું " એમ કહી સૌ કિસ્તીમાં ગયા. ટાઢ લાગતી હતી તેથી વહાલી ગંગરી છાતી પાસે રાખી ચારે કોર છત બંધાવી દઈ, નીચે પાટિયાં પરજ પથારી કરી , ધડકી , ગોદડાં અને બન્નુસ ઓઢી ઈશ્વરનું નામ લઈ સુઈ રહ્યા.

૮. શ્રીનગર જેને કાશ્મીરી લોકો કાશ્મીર કહે છે તે શહેરની આવી દુર્દશા કેમ હશે ? લોકો આવા ગરીબ અને કંગાલ કેમ છે ? પાણીની એટલી છત છે કે કુવો ક્યાંય ગળાવવોજ પડતો નથી છતાં આટલી ગંદકી ક્યાંથી ? કાલિદાસના સમયમાં આ સ્વર્ગ કેવું હતું, હાલ કેવું છે, હવે કેવું થશે ! એ જુની વિદ્યા ક્યાં ગઈ ? ચડતી પડતી દરેક વસ્તુને છેજ. સૃષ્ટિની ઘટમાળ તેમજ ચાલ્યાં કરે છે. સંપત્તિ અને વિપત્તિનું ચક્ર ઉંચુ નીચું ફર્યા કરે છે. દુનીયા પરની દરેક વસ્તુની સ્થિતિ છોકરાંના હાથમાંના દડા જેવીજ છે. ઊંચે ચડ્યા પછી નીચે પડે છે અને નીચે અથડાયા પછી ઉપર આવે છે. એક જંગલ આજ નવપલ્લવ , પુષ્પ, અનેક ફલ અને નાના પ્રકારના મધુર ગાયન કરતાં પક્ષીઓથી રમણીય, મનોરંજક હોય, કાલ અગ્નિ લાગવાથી તેમાં માત્ર ઠુંઠા અને રાખ જ રહે છે, અને વળી થોડા કાલ પછી હતું એથી પણ વધારે સુશોભિત થાય છે. કાશ્મીર એ એક હિંદુસ્તાનનો ભાગ છે. હિંદુસ્તાનમાં એક વખતે રામ, ધર્મ, વિક્રમ, હરિશ્ચંદ્ર જેવા કુશળ, પ્રજાનું સુખ દુઃખ તેજ પોતાનું સુખ દુઃખ માનનારા ધર્મિષ્ઠ, નીતિવાન્‌, અને 'નરપતિ' શબ્દને શોભાવે તેવા ગુણવાન રાજા રાજ્ય કરતા હતા. તે ચાલ્યા ગયા. ભોજ જેવા વિદ્વાન પરીક્ષક લય પામ્યા, વસુંધરા, વિદ્યા અને કળા કૌશલ્ય રંડાયાં, કુસંપ સાથે અનેક અવિનયોને અને તેના લઈને મૂર્ખ વિપત્તિને દેશમાં આવવાનો રસ્તો મળ્યો. તૈમુર, મહમદ, અલાઊદ્દીન, અને ઔરંગઝેબ જેવા, ધન લોભી લોહીના તરસ્યા, ઝનૂની, ઘાતકી, નિર્દય, ક્રુર, સ્વાર્થી, મૂર્ખ, કપટી, વ્યસની અધિકારીઓએ આર્યાવર્તને લૂંટ્યો, દળ્યો, નીચોવ્યો , રગદોળ્યો. 'यथा राजा तथा प्रजा' એ યથાર્થ કહેવત પ્રમાણે આપણું ભુંડું થયું. આપણે બગડ્યા, નીચે પડ્યા, અરે ! પણ આવા સત્તાધીશો આવ્યા એમ કહેવું એ ખોટું છે, આપણેજ આપણા પગમાં કુહાડો માર્યો. આપણેજ તેઓને બોલાવ્યા. આપણે જ વિષને અમૃત માની સ્વેચ્છાએ આનંદથી પાન કીધું, દીર્ઘદર્શી, ડાહ્યા, રાજ્યનીતિમાં ઘડાયેલા પ્રોઢજનોનો આપણે જ અનાદર કીધો ; આપણાજ હાથીજ આપણા ભાઈઓ, દેશ રક્ષકો, શૂરા, ધીર, વીર પુરુષોના પગમાં બેડી નાખી, ગળાં કાપ્યાં, હણ્યા અને હણાવ્યા ! અફસોસ, અફસોસ. આપણું કર્તવ્ય આપણે ચુક્યા, આપણો ધર્મ આપણે ભુલ્યા, આપણાં શાસ્ત્રોને આપણેજ તિરસ્કાર્યા, આપણે જ કૃતઘ્નિ થયા. સર્વે દેશ ભાઈઓનું ભુંડું કરતાં મારૂં ભલું થશે નહિ એ ભાન તો કોઈને રહ્યું જ નહિં. 'પરમાર્થ તેજ સ્વાર્થ છે' એ વેદવાક્ય આપણે ભુલી ગયા, તેથી આ દેશ પર ગુસ્સે થઈને વાલ્મીકિ, વિશ્વામિત્ર, મનુ, વશિષ્ઠાદિ ૠષિઓ, અર્જુન, ભીમ, કૄષ્ણ, હલધર, ભગીરથાદિ લડવૈયા અને અગ્ન્યાસ્ત્ર, ગુરૂડાસ્ત્ર, બ્રહ્માસ્ત્રાદિ આયુધો હવે બીજા દેશોમાંજ જન્મ લે છે, બીજા દેશોનેજ શોભાવે છે, બીજા દેશોનેજ ઊંચા ચડાવે છે, બીજાં દેશોનું જ રક્ષણ કરે છે. જે વિમાનો ભરતખંડની હવામાં ઉડતાં તે બીજા પ્રદેશોમાં ફરે છે ! જે હીરા અહિંની ખાણોમાંથી નીકળતા તે બીજા દેશોમાં પ્રકાશે છે !આપણેજ આપણું સંભાળી ન શક્યા તો બીજાને શો દોષ દેવો ? આપણા વિદ્વાનો જે માલતીમાધવ જેવાં નાટક રચતા તેઓને હવે લલિતા દુઃખ દર્શક જેવાં નાટકો લખવાં પડે છે ! અફસોસ ! આપણે બબ્બે આંખો છતાં અંધ થયા ! ઘટિત અઘટિત કાંઈ વિચાર્યું જ નહિ ! મહાભારત જેવાં યુદ્ધ કરી ભાઇએ ભાઇનું , કાકે ભત્રીજાનું, બાપે દીકરાનું, લોહી પીધું ! અરે આર્યાવર્ત ! તેં સુખ દુઃખની પરિસીમા અનુભવી જોઈ ! તારા પર સુખ દુઃખના સમુદ્ર રેલી ગયા ! હવે વીશ્રાંતિનો સમય આવ્યો છે, તારી ખોવાઈ ગયેલી અમૂલ્ય વસ્તુઓ ગોતી ગોતી, તારા ભાઈઓ અને મિત્રો, તારા હાથમાં હવે આપવા લાગ્યા છે તેનો યથાર્થ ઉપયોગ કર. બ્રિટનનો સારો સુધારો વિચાર કરી તે યોગ્ય લાગે તેમ ગ્રહણ કર. તારા કેટલાક પુત્રો તો અગાડીના ઋષિ જેવા થવા યત્ન કરે છે, પણ હજી કેટલોક ભાગ ઘણો પછાત રહી ગયો છે. કાશ્મીર આમાંનો એક છે. ત્યાંની પ્રજા વેપારથી બહારના સુધરેલા ભાગ સાથે જોડાયેલી નથી. પોતાના દેશનો પાક વાપરી સંતોષ માની બેસી રહેલ છે. દુકાળનો ભય નથી અને અનાજ એટલું પાકે છે કે કાશ્મીરી માંજી ત્રણ પૈસામાં દિવસનું પોષણ મેળવી શકે છે. એ સિવાય મચ્છી અને બતક પુષ્કળ મારી લાવે છે. પણ આ ત્રણ પૈસા કમાવામાં અને માછલી અને બતક મારવામાં તેનો આખો દિવસ જાય છે તેથી સ્થિતિ સુધારવા વખત મળતો નથી. ખેડુતનું કામ પણ તે જ કરે છે , આ પ્રમાણે મેહેનતના ઘટિત વિભાગ પાડેલા નથી, તેથી આવી દરિદ્ર અવસ્થામાં તેઓને રહેવું પડે છે. શિયાળામાં ઘર બહાર નીકળી શકાય તેમ નથી તેથી આ જુજ આવકમાંથી પણ તેઓને તે ચાર માસના ગુજરાન માટે કાંઇક બચાવવું પડે છે. હવે, તેઓની સ્થિતિ ક્યાંથી સારી હોય ? તોપણ લાટુદના ઊંદરની માફક હવે ધીમે ધીમે બહારની સુધરેલી પ્રજાની સાથે પ્રસંગમાં પડવા લાગ્યા છે તેથી સુધર્યા છે, અને જેમ જેમ વધારે મળશે તેમ તેમ વધારે સુધારો થશે. થોડા વખતમાં એ પણ આપણી બરાબરીમાં આવી જશે કેમકે આપણાં કરતાં એ વધારે ઝડપથી આગળ વધે છે. રાજાની જીભ તે જ ન્યાય, અને પંડિતનો હુકમ તેજ ઈશ્વરની આજ્ઞા, એવું હવે નથી. એક સભા ધારા બાંધે છે, અને અમલમાં લાવે છે તો પણ અજ્ઞાન લોકો બિચારા આ સુધારાથી અજાણ્યા છે. અગાડીના સજડ મારની કળ હજુ ઉતરી નથી, તેઓની ફરિયાદ કોઈ સાંભળશે કે નહિ, તેની તેઓને ખાત્રી નથી. "ચોર શાહુકારને દંડે" એવી ધાસ્તી, નિરંતર મનમાં રહ્યા કરે છે, તેથી માથું ઉપાડવા હિમ્મત ધરી શકતા નથી. કાશ્મિર, એક કુદરતી વાડી છે પણ તેની જરાપણ સંભાળ લેવાતી નથી. નહિ તો ઝાડપરથી સોનું ઉતરે તેવું છે. ઈટાલીના પ્રદેશો કરતાં હજારગણો ફળદ્રુપ છે. ખરું જોતાં આ સ્વર્ગનો દરેક ડુંગર સોનાનોજ બનેલો છે અથવા સુવર્ણની બીજી ગુપ્ત લંકા છે પણ તેના પર વિભીષણ જેવો રાજા જોઇએ જેથી રામની કૃપા થાય.

૯. જોકે મુસલમાની વસ્તી ઘણું કરી ભલી અને ભોળી છે તો પણ નીતિ અને શીલની ઘણીજ ખામી છે. તેનો બોધ હજી થયો નથી, તેના ફાયદા હજી જણાયા નથી તેથી પશુ જેવી અવસ્થા રહી ગઈ છે.

૧૦. પંડિતાણીઓ ઝીણા અક્ષરથી અંગુઠાના નખ જેવડી નાની ગીતા લખે છે, પણ આવાં અને એવાંજ બીજાં કામ હજી થોડીજ સ્ત્રીઓ કરે છે. પુરૂષની કેળવણી માટે હજી સારી ગોઠવણ નથી તો સ્ત્રીની વાતજ શા માટે કરવી? બાળક જન્મ્યું કે હલેસાં અને કિસ્તીની સોબત થાય છે, બેસારૂને ખુશ કરવા મા બાપ પાસેથી હિંદુસ્તાની શૃંગારનાં ગીત શીખે છે અને તે ગાયા કરે છે. જરા મોટાં થયાં એટલે ચાકરી કરવા એની મેળે શીખી જાય છે અને પછી કિસ્તીનું કામ શીખે છે. આ પ્રમાણે આ માણસોનું જીવિતનું રહસ્ય માત્ર વૈતરૂં કરી પેટ પૂરતું કમાવું તેટલું જ છે.

૧૧. વેપારીના દીકરા વેપારમાં ગુંથાય છે અને થોડું ઘણું ભણે છે, પણ એટલી વિદ્યાથી તેઓને થોડોજ લાભ મળે છે. પંડિતો આ મુસલમાનો કરતાં વધારે ભણેલા હોય છે, અને પોતાની દિનપ્રતિદિન ઓછી થતી સત્તાને પરાણે ખેંચી રાખવા વ્યર્થ પ્રયત્ન કર્યા કરે છે. આખા કાશ્મીરમાં જો કોઈ વિદ્વાન્‌ માણસ ગોતવા બેસીએ તો માત્ર દશ પંદરજ જડશે. હવે ઇંગ્રેજી, સંસ્કૃત અને પર્શીયન નિશાળો સ્થાપન થયેલી છે તેમાં ઘણાં છોકરાં અભ્યાસ કરે છે અને તેથી ઘણું કરીને એક સૈકામાં સારો સુધારો થઈ જશે. નિશાળો પણ બીજા ઘર જેવીજ ગંદી રાખવામાં આવે છે તેથી સ્વચ્છતાની શીખામણ "પોથીમાંના રીંગણાં" જેવી થાય છે ; તો પણ કાશ્મીર અગાડી કરતાં ઘણું સુધરેલું છે અને હાલ છે તેથી થોડાજ વખતમાં ઘણું સુધરી જશે તેમાં કોઈ શંકા નથી.