કુંવરબાઈનું મામેરું/કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧

દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે છે.

[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનો એ વિશેષ છે. કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]


(રાગ કેદારો)
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા[1] કહું મામેરું[2] મહેતા તણું રે.                             ૧
ઢાળ
મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.          ૨

ભાભીએ વજ્રવચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયા તપ કાજ.          ૩

એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહીં ઉમંગ.          ૪


અપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.          ૫

કર્પૂરગૌર[3] સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા માંહે જાહ્‌નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.                   ૬

છે રુંડમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શિંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ.          ૭

તવ નરસૈંયો જઈ પાયે લાગ્યો, મસ્તક મૂક્યો હાથ,
‘કંઈ માગ્ય વર, કૃપા કરું,’ એમ કહે ઉમિયાનાથ.          ૮

મહેતો કહે, ‘મહાદેવજી! હું માગું છું, સ્વામિન!
તમારું દર્શન પામિયો, (હવે) પામું વિષ્ણુનું દર્શન.’           ૯

‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.          ૧૦
વલણ
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે!
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે.           ૧૧




  1. મનમુદા = મનને આનંદ આપનારું
  2. મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી
  3. કર્પૂરગૌર = ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ