કુંવરબાઈનું મામેરું/કવિપરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિપરિચય

ઉત્તમ સર્જક સમયના કોઈપણ તબક્કે મળી આવે. એ રીતે પ્રેમાનંદ ૧૭મી સદીના એક પ્રતિભાવંત અને લોકપ્રિય ગુજરાતી સર્જક હતા. એક કુશળ કથાકારની ને શબ્દમરમી કવિની એમ બેવડી શક્તિ એમનામાં હતી. કથન-પરંપરાનો ને પ્રાચીનકાવ્યો-કથાનકોની પરંપરાનો એમને પરિચય હતો. રજૂઆતની કળાની કોઠાસૂઝ પણ એમનામાં હતી. એક વ્યવસાયી કથાકાર તરીકે પોતાનાં આખ્યાનકાવ્યોનેે ગાયન-પઠન-અભિનયન એમ ત્રિવિધ રીતે રજૂ કરતા પ્રેમાનંદ એમના ભાવિક-રસિક શ્રોતા-સમુદાયને કથા-કવિતાનું રસપાન કરાવતાં એમને દિવસો સુધી લીન કરી શકતા હશે. જે રીતે આજની ટીવી-શ્રેણીઓમાં એના આકર્ષક ઘટના-અંશો(એપિસોડ્‌ઝ) રસપ્રદ પ્રસંગ આગળ અટકે ને પછીનો કથા-અંશ જોવા પ્રેક્ષકોને બેતાબ કરે એવી કુશળ-રસિક કથનશૈલી પ્રેમાનંદની પણ હતી. પરંતુ પ્રેમાનંદે આવું લોક-રંજન જ કરેલું એમ નથી, એક પરિપક્વ કવિ અને કલ્પનાશીલ કથનકલાકાર તરીકે પ્રાચીન કથા-ઘટનાઓનું સારસત્ત્વ ગ્રહણ કરીને તથા પાત્રોનાં અંતરમાં ઊંડે ઊતરીને, પ્રસંગો-પરિસ્થિતિઓના ઝીણા મર્મો ઉઘાડીને, એમણે માનવ-ભાવનાની અને ઊર્મિની સૂક્ષ્મતાઓનો સ્પર્શ પણ કરાવેલો છે. જે રીતે માનવજીવન-વ્યવહારનો એમને બહોળો પરિચય હોવાનું જણાય છે, એવી જ રીતે માનવમનનાં વિવિધ સ્તરોને જોઈ શકનારી સર્જકદૃષ્ટિ પણ એમનામાં હતી. એથી આજે આપણી વિકસિત સાહિત્ય-રુચિને પણ, પ્રેમાનંદનાં આખ્યાનો પ્રસન્ન ને પ્રભાવિત કરી શકે છે. એમણે રચેલાં ઘણાં આખ્યાનોમાં ઓખાહરણ (રચના ૧૬૬૭), સુદામાચરિત્ર(૧૬૮૨), મામેરું(૧૬૮૩), અને નળાખ્યાન(૧૬૮૬) વિશેષ મહત્ત્વનાં છે. – રમણ સોની