કુંવરબાઈનું મામેરું/કૃતિપરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિપરિચય

આ આખ્યાન પ્રેમાનંદનાં બધાં આખ્યાનોમાં ઉત્તમ અને રમણીય ગણાયું છે. એ નાનું છે, સુઘડ છે, એક જ કથાપ્રસંગ પર રચાયેલું છે. નિર્ધન નરસિંહ મહેતા, ઈશ્વર પરની દૃઢ શ્રદ્ધાથી પુત્રી કુંવરભાઈનું મામેરું ઉત્તમ રીતે પાર પાડે છે. એ મુખ્ય પ્રસંગના પેટાપ્રસંગો અને પાત્રો છે : મહેતાની ભક્તિ અને નિર્ધનતાનો ઉપહાસ કરતી ટિખળખોર પણ નિષ્ઠુર ને અભિમાની નાગરી નાત, એવાં હીણાં સાસરિયાં અને પ્રેમાળ નિર્દોષ પિતા વચ્ચે – શ્રદ્ધા અને સંદેહની ફડક વચ્ચે પીસાતી કુંવરબાઈ, પરમ નિઃસ્પૃહ પણ પુત્રીવત્સલ ભક્ત નરસિંહ, એમને સહાય કરવા શેઠ-શેઠાણીનું રૂપ લઈને આવતાં વિષ્ણુ અને લક્ષ્મી. આવાં વિવિધ ચરિત્રો, ઉપહાસ-ઉચાટ-રાહત-આનંદ રૂપે બદલાતી જતી પરિસ્થિતિઓ, હાસ્ય-કરુણ-અદ્‌ભુતના રસપલટા, પ્રસંગોને આબેહૂબ તાદૃશ કરતું ને બહેલાવતું કથાકારનું કૌશલ તેમ જ લયની, પ્રાસની, રાગઢાળની, શબ્દોની ને એમના માર્મિક અલંકરણની સુંદરતાથી સોહતું કવિનું સર્જનકર્મ –એ બધું પ્રસન્ન કરનારું અને તે સમયના શ્રોતાઓની જેમ જ આજના વાચકને પણ રસ-તરબોળ કરનારું બન્યું છે. આખ્યાનનો કથન-પ્રવાહ એવો અસ્ખલિત છે કે કાવ્ય આરંભથી અંત સુધી આહ્‌લાદક આનંદ આપે છે. તો, હવે કાવ્યમાં પ્રવેશીએ – (કાવ્ય વિશે આસ્વાદલક્ષી વિગતવાર વાત આ આખ્યાનકાવ્ય પૂરું થયા પછી કરી છે.) – રમણ સોની