કુરબાનીની કથાઓ/વીર બંદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વીર બંદો

પંચ સિંધુએને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠ્યા: ‘જય ગુરુજી: જય ગુરુજી!' નગરે, ગામડે અને ઝૂંપડેઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ ઉપર એ ઘોષણાનો પડઘો પડ્યો. જોતજોતામાં તો એકેએક શીખ જાગી ઊઠ્યો. માથાના લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી. કમર પર કિરપાણ લટકાવ્યાં વહાલાં સ્વજનોની માયા મમતા ઉતારી, અને વૈરીજનોને, વિપત્તિનો, મોતને ડર વિસાર્યો. હજારો કંઠમાંથી ભભક્તી જયઘોષણાએ દસે દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમનાં બચ્ચાંઓ પોતાની નવજાગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યાં. ‘અલખ નિરંજન! અલખ નિરંજન! અલખ નિરંજન!' ‘અલખ નિરંજન'નો એ બુલંદ લલકાર ઊઠે છે, દુનિયા સાથેની સ્નેહગાંઠોનાં બંધનો તૂટે છે, ભય બધા ભાંગી પડે છે, હજારો છાતીએાની સાથે અફળાઈને ખુશખુશાલ કિરપાણે ઝન ઝન ઝંકાર કરે છે. પંજાબ આખો ગરજી ઊઠ્યો છે: ‘અલખ નિરંજન! અલખ નિરંજન!' એ એક એવો દિવસ આવ્યો છે, કે જ્યારે લાખમલાખ આત્માઓ રૂકાવટને ગણકારતા નથી, કરજ કોઈનું શિરે રાખતા નથી, જીવન અને મૃત્યુ જ્યારે માનવી ચરણોનાં ચાકરો બની જાય છે, ચિત્ત જ્યારે ચિંતાવિહીન બને છે. એવો એક દિવસ આજે પંચ-સિંધુને કિનારે આવી પહોંચ્યો છે. દિલ્હીના શાહી મહેલની સુખશય્યામાં તે વખતે બાદશાહની અાંખ મળતી નથી. જરીક ઢળતાં પોપચાં ઝબકી ઝબકીને ઊઘડી જાય છે. બાદશાહ તાજજુબ બની રહ્યો છે. આ ઘોર મધરાત્રિએ એ કોના કંઠ ગગન-ઘુમ્મટને ગજાવે છે! આ કોની મશાલો આકાશના લલાટ પર આગ લગાડી રહી છે! આ કોનાં દળકટક દિલ્લી નગર ઉપર કદમ દેતાં આવે છે! પંચ-સિંધુના કિનારા પર શું આ શીખ દેશભક્તોનાં રૂધિર છોળે ચડયાં છે? માળામાંથી પાંખો પસારીને નીકળતાં પક્ષીઓની માફક વીર હૈયાં આજે લાખો છાતીઓ ચીરીને જાણે પાંખે ફફડાવતાં નીકળી પડ્યાં છે. પંચ-સિંધુને તીરે આજે જનેતાઓ બેટાઓનાં લલાટ પર પોતાની ટચલી આંગળીનાં લોહી કાઢી તિલક કરે છે. તે દિવસના અઘોર રણમાં મોગલો ને શીખો વચ્ચે મરણનાં આલિંગન ભિડાયાં. એકબીજાએ સામસામી ગરદનો પકડી. અંગેઅંગના આંકડા ભિડયા. ગરુડ-સાપનાં જાણે જીવલેણ જુદ્ધ મંડાયાં, ગંભીર મેઘનાદે શીખબચ્ચો પુકારે છે કે ‘જય ગુરુ! વાહી ગુરૂ!' રક્તતરસ્યો મદોન્મત્ત મોગલ ‘દીન! દીન! દીન!' ના લલકાર કરે છે. ગુરદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંદો મોગલોના હાથમાં પડ્યો. તુરક સેના એને દિલ્લી તેડી ગઈ. સાતસો શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા. મોખરે મોગલ સેના ચાલે છે, અને એના માર્ગની ડમરી ઊડીને આકાશને ઢાંકે છે. મોગલોનાં ભાલાં ઉપર કતલ થયેલા શીખાનાં મસ્તકો લટકે છે. પાછળ સાતસો શીખો આવે છે, અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે. દિલ્લી નગરીના માર્ગ ઉપર માણસો સમાતાં નથી. ઊંચી ઊંચી અટારીએાની બારીઓ ઉઘાડીને રમણીઓ જોઈ રહી છે. એ સાતસો બેડીબંધ શૂરવીરોના સાતસો કંઠમાંથી પ્રચંડ ગર્જના છૂટે છે ‘અલખ નિરંજન, અલખ નિરંજન!' સાતસો બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે. ‘હું પહેલો જઈશ.' ‘ના, હું પહેલી ગરદન ઝુકાવીશ.' એ ચડસાચડસીથી શીખ કારાગાર ધણધણી ઊઠયું. પ્રત્યેક દિવસના પ્રભાતે એક સો એક સો બંદીવાનોનાં માથાં રેંસાવા લાગ્યાં. ‘જય ગુરૂ!' એ ઉચ્ચાર કરતી કરતી સો સો ગરદનો જાલિ મની સમશેર નીચે નમતી ગઈ. સાત દિવસમાં તો શીખ બંદીખાનું ખાલી થયું, બાકી રહ્યો એકલો વીર બંદો. પ્રભાત થયું. સભામાં વીર બંદો સાંકળોમાં બંધાયેલો ઊભો છે. એના મોં ઉપર લગારે વેદનાની નિશાની નથી. કાજીએ સાત વરસના એક સુંદર બાલકને હાજર કર્યો; બંદાના હાથમાં એ બાલકને સોંપીને કાજી બોલ્યા: ‘બંદા, બે ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરીએ ચાલી નીકળવાનું છે. પણ મોગલોને હજુ યે તારું પરાક્રમ જોવાની આતુરતા રહી ગઈ છે. તે લે ઓ બહાદુર! આ બાલકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દે.' બંદાનું પરાક્રમ શું એક બાલકના શરીર ઉપર અજમા વવાનું હતું? એ બાલક કોણ? એ કિશોર બાલક બંદાનો સાત વરસનો એકનો એક પુત્ર: બંદાના પ્રાણનો પણ પ્રાણ. બંદાએ મોંમાંથી એક સખૂન પણ ઉચ્ચાર્યો નહિ, પોતાના બાલકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે ચાંપી લીધે. જમણો પંજો એ બાલકના માથા ઉપર ધરી રાખ્યો, એના રાતા રાતા હોઠ ઉપર એકજ ચૂમી કરી, ધીરે ધીરે કમરમાંથી કિરપાણ ખેંચ્યું. બાલકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યું: ‘ઓ બેટા! બોલો, જય ગુરુજીનો! બીતો તો નથી ને?' ‘જય ગુરુજીને!' બાલકે પડઘો પાડ્યો. એ નાનકડા માં ઉપર મોતની આકાંક્ષા ઝળહળી ઊઠી. એના કિશોર કંઠ માંથી ધ્વનિ નીકળ્યો કે ‘બીક શાની, બાપુ? જય ગુરુજી! જય ગુરુજી!' એટલું બોલીને બાલક બાપના મોં સામે નિહાળી રહ્યો. ડાબી ભુજા બંદાએ બાલકની ગરદને વીંટાળી દીધી, ને જમણા હાથની કિરપાણ એ નાનકડી સુકોમળ છાતીમાં બેસારી દીધી. ‘જય ગુરુ!' બોલીને બાલક ધરતી પર ઢળી પડ્યો. સભા સ્તબ્ધ બની. ઘાતકોએ આવી બંદાના શરીરમાંથી ધગેલી સાંઢસી વતી માંસના લોચેલોચા ખેંચી કાઢયા. વીર નર શાંત રહીને મર્યો. અરેરાટીનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ, પ્રેક્ષકો એ આંખો મીંચી.