ખારાં ઝરણ/કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ
Jump to navigation
Jump to search
કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ
કૈંક અંદરથી તૂટ્યાનું છે સ્મરણ,
આભ માથે ઊંચક્યાનું છે સ્મરણ.
રાત પડતાં હુંય અંધારું થયો,
જન્મ પહેલાંના જીવ્યાનું છે સ્મરણ.
હોય તળિયે તો કદાચિત હોય પણ ,
પાણી ખોબામાં ઝીલ્યાનું છે સ્મરણ.
આપનો વહેવાર બદલાઈ ગયો,
બારીથી ધુમ્મસ લૂછ્યાનું છે સ્મરણ.
પાંદડાં ‘ઇર્શાદ’ ફિક્કાં થાય છે,
ઝાડને પંખી ઊડ્યાનું છે સ્મરણ.
૧૧-૯-૨૦૦૯