ખારાં ઝરણ/ક્યાં ફિતૂરી ફાંકડી છે
Jump to navigation
Jump to search
ક્યાં ફિતૂરી ફાંકડી છે
ક્યાં ફિતૂરી ફાંકડી છે?
બોબડી બારાખડી છે.
હોય ક્યાં હસ્તામલકવત્,
કોઈને ક્યાં આવડી છે?
અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.
જો, ગહનમાં એ ઘમકતી,
તીક્ષ્ણ વેધક શારડી છે.
રોજ નબળો દેહ પડતો,
ને તને જીવની પડી છે.
પાણીને તળિયે હતી એ,
રેત રણમાંથી જડી છે.
શ્વાસ શું ‘ઇર્શાદ’ છોડે?
જિંદગી જિદ્દે ચડી છે.
૧૨-૧૨-૨૦૦૮