ખારાં ઝરણ/તું પ્રથમ એને અહીં સાક્ષાત કર
તું પ્રથમ એને અહીં સાક્ષાત કર,
એ પછી એના વિશેની વાત કર.
કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.
શ્વાસનો આવાસ સૂનો થૈ ગયો,
વાતને જલદી સમજ ને રાત કર.
જીવને ખખડાવ ને એને કહે :
‘દેહની શું કામ તું પંચાત કર?’
સ્પષ્ટ શબ્દોમાં કહું ‘ઇર્શાદ’ ને :
‘જે મળે છે એ ક્ષણો રળિયાત કર’.
૫-૧-૨૦૧૦