ખારાં ઝરણ/દેહ વિશે રમમાણ છે, વ્હાલા
Jump to navigation
Jump to search
દેહ વિશે રમમાણ છે, વ્હાલા
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા?
ભાષાને મર્યાદા કેવી?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮